સુરતનું કતારગામ લુખ્ખા તત્ત્વોના બાનમાં?:'ધાબા પર દારૂ પીવા દો' કહી અસામાજિક તત્વોનો આતંક; પાવભાજી અને દારૂની બોટલો સાથે ઘરમાં ઘૂસી મહિલાઓને ગાળો આપી

Gujarat4/4/2026, 11:47:44 AM
સુરતનું કતારગામ લુખ્ખા તત્ત્વોના બાનમાં?:'ધાબા પર દારૂ પીવા દો' કહી અસામાજિક તત્વોનો આતંક; પાવભાજી અને દારૂની બોટલો સાથે ઘરમાં ઘૂસી મહિલાઓને ગાળો આપી
ડાયમંડ સિટી તરીકે ઓળખાતા સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ફરી એકવાર સવાલો ઊભા થયા છે. શહેરના શાંત ગણાતા કતારગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી લુખ્ખા તત્વોએ માઝા મૂકી છે. વેપારીઓ પાસેથી ઉઘરાણી, મકાન માલિકોને ધમકી અને ઘરમાં ઘૂસીને દારૂ પીવા જેવી અસામાજિક પ્રવૃત્તિઓએ સ્થાનિક લોકોની ઊંઘ હરામ કરી દીધી છે. આવારા તત્ત્વોની વેપારીઓ પાસે આવી પૈસાની માંગણી અને ધાકધમકી મળતી માહિતી મુજબ, કતારગામના વિસ્તારમાં કેટલાક માથાભારે તત્વોએ પોતાનો અડ્ડો જમાવ્યો છે. આ તત્વો દ્વારા સ્થાનિક વેપારીઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. વેપારીઓનો આરોપ છે કે આ લુખ્ખાઓ અવારનવાર દુકાને આવીને પૈસાની માંગણી કરે છે. જો વેપારી પૈસા આપવાની ના પાડે, તો તેને ગાળો આપી, તોડફોડ કરવાની ધમકી આપીને ડરાવવામાં આવે છે. આ માત્ર આર્થિક શોષણનો મામલો નથી, પરંતુ વેપારીઓના માનસિક સ્વાસ્થ્ય અને તેમના વેપાર પર પણ આની ગંભીર અસર પડી રહી છે. અનેક વેપારીઓ ડરના માર્યા પોલીસ ફરિયાદ કરતા પણ અચકાઈ રહ્યા છે, જેનો સીધો ફાયદો આ ગુનેગારો ઉઠાવી રહ્યા છે. લુખ્ખા તત્ત્વો વેપારી સુધી જ સિમિત નહીં સોસાયટીઓમાં પણ આતંક આ ઘટનામાં સૌથી ચોંકાવનારો વળાંક ત્યારે આવ્યો જ્યારે મકાન માલિકોએ પોતાની આપવીતી જણાવી. લુખ્ખા તત્વો માત્ર વેપારીઓ સુધી સીમિત નથી રહ્યા, પરંતુ હવે તેઓ રહેણાંક સોસાયટીઓમાં પણ આતંક મચાવી રહ્યા છે. મકાન માલિકોના જણાવ્યા અનુસાર, આ અસામાજિક તત્વો રાત્રિના સમયે અથવા ધોળા દિવસે પણ જબરદસ્તી લોકોના ઘરમાં ઘૂસી જાય છે. હદ તો ત્યારે થાય છે જ્યારે આ તત્વો લોકોના ખાનગી મકાનોનો ઉપયોગ દારૂ પીવા માટે કરે છે. મહિલાઓ અને બાળકોની સુરક્ષા સામે મોટું જોખમ ગેરકાયદેસર રીતે ઘરમાં પ્રવેશી, ત્યાં બેસીને દારૂની મહેફિલો જમાવવી અને ત્યારબાદ મકાન માલિકને જ ધમકાવવા આ પ્રકારની પ્રવૃત્તિ કતારગામમાં સામાન્ય બની રહી હોય તેવું લાગે છે. પરિવાર સાથે રહેતા લોકો માટે આ સ્થિતિ અત્યંત ભયજનક છે, ખાસ કરીને મહિલાઓ અને બાળકોની સુરક્ષા સામે મોટું જોખમ ઊભું થયું છે. આવારાગીરીની કરતૂત સીસીટીવી કેમેરામાં કેદ લુખ્ખાગીરીની આ સમગ્ર ઘટના હવે માત્ર મૌખિક ફરિયાદો પૂરતી મર્યાદિત નથી રહી. સ્થાનિકો દ્વારા લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં આ તત્વોની દાદાગીરી કેદ થઈ ગઈ છે. ફૂટેજમાં જોઈ શકાય છે કે કેવી રીતે આ તત્વો નિર્ભય બનીને હરતા-ફરતા જોવા મળે છે અને લોકો સાથે ગેરવર્તણૂક કરે છે. આ વીડિયો હવે સોશિયલ મીડિયામાં પણ વાઇરલ થઈ રહ્યા છે, જેના કારણે લોકોમાં રોષની જ્વાળા ભભૂકી ઉઠી છે. 'દારૂ પીને આવે અને દારૂ પીવા માટે પણ હેરાન કરે છે' સ્થાનિક ધર્મેશભાઈ ઉકાણીએ જણાવ્યું હતું કે, કાલના સાંજની જ વાત કરીએ તો 9:17 એ અહીંયા કોઈક આવારા તત્વો આવેલા અને વારંવાર હેરાન કરે છે. દારૂ પીને આવે અને દારૂ પીવા માટે પણ હેરાન કરે છે કે ભાઈ અમને બેસીને અહીંયા દારૂ પીવા દયો, એ રીતની એ લોકોની માગ હોય છે. આ આવારા તત્વો વારંવાર ઝઘડો કરવાનું જ ગોતે છે કે ભાઈ કોની સાથે, કઈ રીતે, કેમ બાધી લેવું!. 'પાવભાજી, દારૂ અને બધું લઈને ધાબાની ચાવી માગવા આવ્યા હતા' સ્થાનિક દિનેશભાઈએ જણાવ્યું હતું કે, 'ગઈકાલે આ લોકો અહીં ધાબા પર ગયા હતા અને પછી કહે કે, 'મારે ધાબાની ચાવી જોઈએ છે.' મેં કહ્યું કે, 'ત્યાં તો ભાડુઆત રહે છે અને તેઓ અત્યારે બહાર ગયા છે, ચાવી મારી પાસે નથી.' તો તેમણે પૂછ્યું કે, 'નીચે રૂમ ખાલી છે?' મેં કહ્યું કે, 'અહીં બધા ફેમિલી રહે છે, અહીં ક્યાંથી હોય?' તેઓ પોતાની સાથે પાવભાજી, દારૂ અને બધું લઈને આવ્યા હતા. ત્યારબાદ તેમણે ગાળો બોલવાનું શરૂ કરી દીધું. ગાળો બોલતા-બોલતા તેઓ નીચે આવ્યા. પછી ઉપરથી નીચે પથ્થર બતાવીને કહેતા હતા કે, 'હું પથ્થર મારીશ.' મેં બધાને કહ્યું કે, 'ભાઈ તમે જાઓ, જે થઈ ગયું એ થઈ ગયું, તમે શાંતિ રાખો.' અંતે, સ્ત્રીઓને ગાળો આપીને તેઓ ત્યાંથી નીકળી ગયા."
Read Original Article →