'વસ્તી ગણતરીના બહાને વિકાસ કાર્યોમાં રુકાવટ ન જોઈએ':ધારાસભ્ય કુમાર કાનાણીએ મ્યુ. કમિશનરને પત્ર લખ્યો, છેલ્લા 5 દિવસથી અધિકારીને ફોન કરી તો જવાબ મળે 'વસ્તી ગણતરીની ટ્રેનિંગ કે મિટિંગમાં છું'
સુરતમાં ધારાસભ્ય કુમાર કાનાણીએ મ્યુનિસિપલ કમિશનરને એક ધારદાર પત્ર લખીને વસ્તી ગણતરીની કામગીરી વચ્ચે શહેરના રોજિંદા અને વિકાસના કામો ખોરંભે પડવા અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે માંગ કરી છે કે વસ્તી ગણતરી ચોક્કસપણે થવી જોઈએ, પરંતુ તેના કારણે લોકોના પ્રાથમિક સુવિધાના કામોમાં વિલંબ થવો જોઈએ નહીં. અધિકારીઓનો એક જ જવાબ: ‘હું મીટિંગ કે ટ્રેનિંગમાં છું’
ધારાસભ્યએ પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે છેલ્લા પાંચ દિવસથી કોઈ પણ કામ માટે અધિકારીઓને ફોન કરવામાં આવે તો તેઓ વસ્તી ગણતરીની ટ્રેનિંગ કે મીટિંગમાં હોવાનું બહાનું ધરે છે. આ પરિસ્થિતિને કારણે લોકોના કામો અટકી પડ્યા છે. કાનાણીએ રોષ વ્યક્ત કરતા જણાવ્યું કે, વસ્તી ગણતરીનો કાર્યક્રમ મહત્વનો છે પણ તેનો અર્થ એવો નથી કે શહેરના વિકાસના અને રોજિંદા કામો સંપૂર્ણપણે બંધ કરી દેવા જોઈએ. ચોમાસા પહેલા પ્રિ-મોન્સૂન કામગીરી પૂરી કરવા તાકીદ
પત્રમાં વધુમાં જણાવાયું છે કે અત્યારે ચોમાસું નજીક આવી રહ્યું છે ત્યારે રોડ, ગટર અને પાણીના રિપેરિંગના કામો સમયસર પૂરા કરવા અત્યંત જરૂરી છે. જો પ્રિ-મોન્સૂન કામગીરીમાં ઢીલ મુકવામાં આવશે તો અનેક સોસાયટીઓમાં લોકોનું રહેવું મુશ્કેલ બની જશે. ખાસ કરીને જે સોસાયટીઓમાં હાલ કામ ચાલુ છે ત્યાં રસ્તાઓ અધૂરા રહે તો ચોમાસામાં લોકો પોતાના ઘરે પણ જઈ શકશે નહીં તેવી ભીતિ તેમણે વ્યક્ત કરી છે. લોકહિતના કામો ખોરંભે પાડવા યોગ્ય નથી
કુમાર કાનાણીએ જણાવ્યું છે કે વસ્તી ગણતરીના નામે લોકહિતના કામો અટકાવવા તે બિલકુલ યોગ્ય નથી. વસ્તી ગણતરીની સાથે સાથે શહેરનું આયોજન એવી રીતે કરવામાં આવે કે જેની અસર સામાન્ય જનતા પર ન પડે અને વહીવટી તંત્રના રોજિંદા કાર્યો પણ રાબેતા મુજબ ચાલતા રહે.
Read Original Article →