200 કરોડના ખર્ચે 13 માળનું 'જમનાબા વિદ્યાર્થી ભવન' તૈયાર:હોસ્ટેલમાં 1000 વિદ્યાર્થીઓની રહેવાની સુવિધા, સરદાર પટેલની 31 ફૂટ ઊંચી ભવ્ય પ્રતિમા; સુરતમાં 24 મેએ મુખ્યમંત્રી કરશે લોકાર્પણ
સુરત શહેરમાં પટેલ સમાજ માટે ગૌરવ સમાન અને વિદ્યાર્થીઓના ભવિષ્યને નવી દિશા આપનાર એક ભવ્ય પ્રોજેક્ટનું લોકાર્પણ આગામી 24 મે, રવિવારના રોજ સાંજે 5 વાગ્યે થવા જઈ રહ્યું છે. સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત દ્વારા કામરેજ રોડ પર નિર્માણ પામેલા 'જમનાબા વિદ્યાર્થી ભવન' હવે વિદ્યાર્થીઓ માટે શિક્ષણ, સંસ્કાર અને સર્વાંગી વિકાસનું એક મોટું કેન્દ્ર બનશે. આ ભવ્ય લોકાર્પણ સમારોહ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં યોજાશે. 200 કરોડના ખર્ચે દીકરા-દીકરીઓ માટે આધુનિક સંકુલ
સુરતમાં ગ્રામ્ય અને અન્ય વિસ્તારોમાંથી અભ્યાસ અર્થે આવતા વિદ્યાર્થીઓને ઘર જેવું વાતાવરણ અને ઉચ્ચ કક્ષાની સુવિધાઓ મળી રહે તે હેતુથી આ પ્રોજેક્ટ હાથ ધરાયો હતો.13 માળ અને 3 લાખ ચોરસ ફૂટ વિસ્તારમાં ફેલાયેલા આ ભવનમાં ફેઝ-વન અંતર્ગત 1000 દીકરાઓ માટે હોસ્ટેલ સુવિધા પૂર્ણ કરવામાં આવી છે. સમાજ દ્વારા દીકરીઓના શિક્ષણને પણ એટલું જ મહત્વ આપવામાં આવ્યું છે, જેના ભાગરૂપે આગામી સમયમાં 500 દીકરીઓ માટે “કિરણ મહિલા ભવન”નું પણ લોકાર્પણ થશે. આ બંને પ્રોજેક્ટ મળી કુલ રૂપિયા 200 કરોડના ખર્ચે તૈયાર થયા છે, જે સુરતના શૈક્ષણિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં ઐતિહાસિક ઉમેરો કરશે. આ ડ્રીમ પ્રોજેક્ટનું શુભ ઉદ્ઘાટન સમાજના અગ્રણી જયંતીભાઈ એકલેરા અને રવજીભાઈ વસાણીના વરદ હસ્તે કરવામાં આવશે. એક જ છત નીચે વિદ્યાર્થીઓ માટે વૈશ્વિક સ્તરની સુવિધાઓ
જમનાબા વિદ્યાર્થી ભવનમાં માત્ર રહેવાની વ્યવસ્થા જ નથી, પરંતુ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે તમામ આધુનિક સુવિધાઓ એક જ છત ઉપલબ્ધ કરાવાઈ છે. અતિથિભવન અને 'કેશુભાઈ પટેલ ઓડિટોરિયમ' નું આકર્ષણ
સામાજિક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓને વેગ આપવા માટે સંકુલમાં અન્ય સહાયક ભવનો પણ બનાવાયા છે. બહારથી આવતા મહેમાનો માટે 100 વ્યક્તિઓની ક્ષમતા ધરાવતું “શ્રીમતી રાધાબેન હરજીભાઈ ઘેલાણી અતિથિભવન” તૈયાર કરાયું છે. શૈક્ષણિક સેમિનારો અને સાંસ્કૃતિક કાર્યક્રમો માટે 425 બેઠકની ક્ષમતાવાળું અત્યાધુનિક “કેશુભાઈ પટેલ ઓડિટોરિયમ” બનાવવામાં આવ્યું છે. આ ઓડિટોરિયમનું લોકાર્પણ કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા અને રાજ્યસભાના સાંસદ ગોવિંદભાઈ ધોળકિયાના હસ્તે થશે. સરદાર પટેલની 31 ફૂટ ઊંચી ભવ્ય પ્રતિમા
પરિસરમાં રાષ્ટ્રીય પ્રેરણાના પ્રતિક સમી ભારત રત્ન સરદાર વલ્લભભાઈ પટેલની ભવ્ય કાંસ્ય પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. ૩૧ ફૂટ ઊંચી અને ૯ ટન વજન ધરાવતી આ પ્રતિમાનું અનાવરણ રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી કરશે. આ સાથે જ પરિસરમાં ૫૧ ફૂટ ઊંચા ધ્વજસ્તંભ ઉપર રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવશે, જે આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બનશે. રાજકીય અને સામાજિક મહાનુભાવો ઉપસ્થિતિ રહેશે
આ લોકાર્પણ સમારોહમાં સી.આર. પાટીલ, જીતુભાઈ વાઘાણી, પ્રફુલભાઈ પાનસેરીયા, કૌશિકભાઈ વેકરીયા, કમલેશભાઈ પટેલ, પૂર્ણેશ મોદી, મુકેશભાઈ પટેલ સહિતના રાજકીય, સામાજિક અને ઉદ્યોગ જગતના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરશે.
Read Original Article →