‘બકરી-ઈદ પર નિયમોનું ઉલ્લંઘન સહન નહીં કરાય’:સુરતમાં ફિટનેસ સર્ટિફિકેટ વગર કતલ કરવા પર પ્રતિબંધ મૂકવા મ્યુનિસિપલ કમિશનરને જૈન સમાજની રજૂઆત
સુરત શહેરમાં આગામી બકરી ઈદનો તહેવાર શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે સુરત મહાનગરપાલિકાના વહીવટી તંત્રને સજ્જ થવા અપીલ કરવામાં આવી છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના વોર્ડ નંબર 11 (અડાજણ-પાલ-ભટાર)ના ભાજપના કોર્પોરેટર અને ગાર્ડન ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટના સંચાલક હર્ષ અશોકભાઈ મહેતાની આગેવાનીમાં સમસ્ત જૈન સમાજના ચૂંટાયેલા કોર્પોરેટરો અને અગ્રણીઓએ મ્યુનિસિપલ કમિશનરને રૂબરૂ મળીને એક લેખિત આવેદન પત્ર પાઠવ્યું છે. આ રજૂઆત બાદ પાલિકા વર્તુળો સહિત સમગ્ર શહેરમાં આ મુદ્દો ભારે ચર્ચાના કેન્દ્ર સ્થાને રહ્યો છે. 'ગુજરાત એનિમલ પ્રિઝર્વેશન એક્ટ'ના ભંગની આશંકા
કોર્પોરેટર હર્ષ મહેતાએ કમિશનરને પાઠવેલા સત્તાવાર આવેદન પત્રમાં આક્ષેપ કર્યો છે કે, તહેવારના નામે કેટલાક તત્વો દ્વારા નિયમોને નેવે મૂકીને મોટા પાયે ગેરકાયદેસર પશુ કતલ કરવાની પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. પત્રમાં કાયદાકીય જોગવાઈઓનો હવાલો આપતા જણાવવામાં આવ્યું છે કે, બકરી સિવાયના અન્ય ઉપયોગી પશુઓ જેવા કે પાડા, ભેંસ, ઊંટ અને ગૌવંશ જેવા પ્રાણીઓની કતલ કરવી એ 'ગુજરાત એનિમલ પ્રિઝર્વેશન એક્ટ'ની કલમ 8નું સીધું ઉલ્લંઘન છે, જે કોઈ પણ સંજોગોમાં ચલાવી શકાય નહીં. રહેણાંક વિસ્તારો અને જાહેર સ્થળોએ કુરબાની પર પ્રતિબંધની માગ
આ રજૂઆતનો મુખ્ય ઉદ્દેશ્ય જાહેરમાં થતી પશુ કતલ અટકાવવાનો છે. હર્ષ મહેતાએ સ્પષ્ટ કર્યું છે કે રહેણાંક વિસ્તારો જેવા કે સોસાયટીઓની અંદર, એપાર્ટમેન્ટોના પાર્કિંગમાં કે કોઈ પણ જાહેર ખુલ્લી જગ્યાઓમાં કુરબાની આપવા પર કડક પ્રતિબંધ મૂકવો જરૂરી છે. સુરત મહાનગરપાલિકા દ્વારા પશુઓની કતલ માટે જે ચોક્કસ કાયદેસરના કતલખાનાઓ નક્કી કરવામાં આવ્યા છે, તે નિર્ધારિત જગ્યાઓની અંદર જ આ વિધિ થાય તે બાબતનું પાલિકા તંત્રએ ચુસ્ત મોનિટરિંગ કરવું જોઈએ. ફિટનેસ સર્ટિફિકેટ વગર થતી કતલ સામે રોષ
ખેતીકામ અને ડેરી વ્યવસાય માટે ઉપયોગી પશુધનની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરતાં અગ્રણીઓએ જણાવ્યું કે, નિયમો અનુસાર કોઈપણ પશુની કતલ કરતા પહેલા વેટરનરી અધિકારી અને મ્યુનિસિપલ સેલ્ટર ઓથોરિટી દ્વારા પશુ બીમાર કે બિનઉપયોગી હોવાનું સત્તાવાર પ્રમાણપત્ર (Fitness Certificate) લેવું અનિવાર્ય હોય છે. આથી, મ્યુનિસિપલ સેલ્ટર ઓથોરિટી અને પશુચિકિત્સા અધિકારીઓને તાત્કાલિક આદેશો જારી કરી સઘન ચેકિંગ સ્ક્વોડ બનાવવામાં આવે તેવી માંગ કરાઈ છે. શહેરમાં કોમી સૌહાર્દ અને શાંતિ જાળવવાનો પ્રયાસ
આ આવેદન પત્ર આપવા પાછળનો મુખ્ય હેતુ સુરત શહેરમાં કોમી એકતા, શાંતિ અને પરસ્પર સૌહાર્દ જાળવી રાખવાનો છે. રજૂઆતકર્તાઓનું માનવું છે કે કાયદાની મર્યાદામાં રહીને તહેવાર ઉજવવાથી કોઈ પણ ધર્મની લાગણી દુભાશે નહીં. હવે આ ગંભીર રજૂઆત બાદ સુરત મહાનગરપાલિકાનું પ્રશાસન અને પોલીસ તંત્ર કયા પ્રકારના નક્કર અને કાયદાકીય પગલાં ભરે છે, તેના પર સમગ્ર સુરતવાસીઓની નજર મંડાયેલી રહેશે.
Read Original Article →