ગ્રિન્ડર એપ્લિકેશન પર મિત્રતા યુવકને ભારે પડી:જહાંગીરપુરામાં બે શખ્સોએ અવાવરુ જગ્યાએ લઈ જઈ બંધક બનાવીને 30 હજાર લૂંટી લીધા
સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં 'ગ્રિન્ડર' ડેટિંગ એપ્લિકેશન દ્વારા મિત્રતા કરી એક 26 વર્ષીય યુવકને અવાવરું ખેતરમાં બંધક બનાવી, મારપીટ કરી 30 હજાર રૂપિયાની લૂંટ ચલાવવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ગત 18 માર્ચ 2026ના રોજ બનેલી આ ઘટનામાં રાજુભાઈ મેર અને નરેશ મારુ નામના બે શખ્સોએ વિશ્વાસઘાત કરી યુવકને બદનામ કરવાની ધમકી આપી નાણાં પડાવી લીધા હતા. જહાંગીરપુરા પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. મુલાકાતના બહાને અવાવરૂ સ્થળે લઈ ગયા
મૂળ અમરેલીના અને હાલ જહાંગીરપુરાના સુમન વંદન આવાસમાં રહેતા પીડિત યુવકની મુલાકાત ડેટિંગ એપ્લિકેશન પર રાજુભાઈ મેર અને નરેશ મારુ સાથે થઈ હતી. આરોપીઓએ યુવકને વિશ્વાસમાં લઈ રિવાન્ટા વર્ણી પાસે રૂબરૂ મળવા બોલાવ્યો હતો. ત્યાંથી એક શખ્સ તેને પોતાની મોટર સાયકલ પર બેસાડી ઘોડા ગરનાળા ફાટક પાસે આવેલી એક અવાવરૂ જગ્યાએ લઈ ગયો હતો, જ્યાં અન્ય સાગરીત અગાઉથી જ હાજર હતો. યુવકને ઢોર માર મારી લૂંટી લીધો
ખેતરમાં પહોંચતા જ બંને શખ્સોએ યુવક પર હુમલો કરી તેને ઢોર માર માર્યો હતો. આરોપીઓએ યુવકને સામાજિક રીતે બદનામ કરવાની ધાક-ધમકી આપી તેને ડરાવી દીધો હતો. આ ભય હેઠળ યુવક પાસેથી તેનું એટીએમ કાર્ડ અને પીન નંબર બળજબરીથી કઢાવી લેવામાં આવ્યા હતા. ત્યારબાદ લૂંટારુઓએ યુવકના બેન્ક ખાતામાંથી કુલ 30,000 રૂપિયા ઉપાડી લીધા હતા. પોલીસે ગુનો નોંધી બંને આરોપીની શોધખોળ શરૂ કરી
ભયમુક્ત થયા બાદ યુવકે જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે છાપરાભાઠા તાડવાડી વિસ્તારના રહેવાસી રાજુભાઈ મેર અને નરેશ સાજનભાઈ મારુ વિરુદ્ધ લૂંટ અને મારપીટનો ગુનો દાખલ કર્યો છે. હાલ પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી બંને ફરાર આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
Read Original Article →