અઢી લાખ શ્રમિકોને પરત લાવવા ઉદ્યોગકારો મેદાને, ગાડીઓ મોકલાશે:શ્રમિકોના પલાયનથી સુરતનો ઉદ્યોગ સૂનો પડ્યો, ફોગવાના પ્રમુખે કહ્યું- ‘અમારા દીકરા સમાન’, તેમના વગર મશીનો ચલાવવા અશક્ય

Gujarat4/9/2026, 12:30:00 AM
અઢી લાખ શ્રમિકોને પરત લાવવા ઉદ્યોગકારો મેદાને, ગાડીઓ મોકલાશે:શ્રમિકોના પલાયનથી સુરતનો ઉદ્યોગ સૂનો પડ્યો, ફોગવાના પ્રમુખે કહ્યું- ‘અમારા દીકરા સમાન’, તેમના વગર મશીનો ચલાવવા અશક્ય
સુરતની આર્થિક કરોડરજ્જુ સમાન ગણાતા શ્રમિકો માટે શહેરના ઉદ્યોગકારોએ દિલ ખોલીને મદદની જાહેરાત કરી છે. યુદ્ધ અને ગેસની અછતના કારણે હિજરત કરી ગયેલા અઢી લાખ શ્રમિકોને પરત બોલાવવા માટે ફેડરેશન ઓફ ગુજરાત વિવર્સ વેલફેર એસોસિએશન (FOGWA) અને ચેમ્બર ઓફ કોમર્સ (SGCCI) એ મોટી જાહેરાત કરી છે. ઉદ્યોગકારોએ જણાવ્યું છે કે, જે શ્રમિકો પાસે પરત આવવા માટે સાધનો નથી, તેમને લાવવા માટે ઉદ્યોગ પોતે પરિવહનની વ્યવસ્થા કરશે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાય સમયથી ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા તણાવને કારણે વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ વધ્યા હતા, જેની સીધી અસર સુરતના પ્રોસેસિંગ અને વિવિંગ ઉદ્યોગ પર પડી હતી. પરંતુ હાલમાં મળેલા અહેવાલો મુજબ, બંને દેશો શાંતિ મંત્રણા માટે ટેબલ પર આવવા તૈયાર થયા છે અને 15 દિવસનું સીઝફાયર જાહેર કરવામાં આવ્યું છે. આ સમાચારને પગલે ક્રૂડના ભાવમાં પણ બેરલ દીઠ 15 થી 20 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. પરિણામે, જે ટેક્સટાઇલ યુનિટ્સમાં ઉત્પાદન પર કાપ મૂકવામાં આવ્યો હતો, ત્યાં હવે ફરીથી પૂર્ણ ક્ષમતા સાથે કામ શરૂ કરવાની તૈયારીઓ થઈ રહી છે. ગેસની અછત દૂર કરવા સરકારનો મોટો નિર્ણય શ્રમિકોના પલાયન પાછળનું એક મુખ્ય કારણ કોમર્શિયલ ગેસની અછત અને તેના વધેલા ભાવો હતા. આ સમસ્યાના ઉકેલ માટે ઉદ્યોગકારોએ રાજ્ય સરકાર અને ડેપ્યુટી સીએમ સાથે સીધો સંપર્ક સાધ્યો હતો. સરકારે ઉદ્યોગોને પૂરતા પ્રમાણમાં ગેસ પૂરો પાડવાનું આશ્વાસન આપ્યું છે. હાલમાં 2,200 થી 2,500 જેટલા સિલિન્ડરની તાતી જરૂરિયાત ધરાવતી ફેક્ટરીઓનું લિસ્ટિંગ પણ કરી દેવામાં આવ્યું છે અને કલેક્ટર કચેરી દ્વારા વિતરણની પ્રક્રિયા શરૂ કરી દેવાઈ છે. શ્રમિકો પરત લાવવા ઉદ્યોગકારો વાહનો મોકલવા તૈયાર ઘણા શ્રમિકો આર્થિક ભીંસ અથવા પરિવહનની સુવિધાના અભાવે વતનમાં અટવાયા હોય છે. આ અંગે FOGWAના પ્રમુખ અશોક જીરાવાલાએ સ્પષ્ટતા કરી છે કે, જે શ્રમિકો પાસે સુરત આવવા માટે પૂરતા સાધનો નથી, તેમને લાવવા માટે ઉદ્યોગકારો પરિવહનની વ્યવસ્થા કરવા પણ તત્પર છે. જેવી રીતે કોવિડના કપરા કાળમાં ઉદ્યોગોએ પોતાના ખર્ચે શ્રમિકોને સુરત લાવવાની વ્યવસ્થા કરી હતી, તેવી જ રીતે અત્યારે પણ જો કોઈ શ્રમિકોને મુશ્કેલી હશે, તો તેમને સુરક્ષિત રીતે પરત લાવવા માટે ખાનગી બસો કે અન્ય સાધનોની વ્યવસ્થા કરી આપવામાં આવશે. 2.50 લાખ શ્રમિકોની ફેક્ટરીઓ જોઈ રહી છે રાહ તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, ટેક્સટાઇલ ઉદ્યોગ આવેલી આ સ્થિતિના કારણે અંદાજે 2,50,000 જેટલા શ્રમિકો પોતાના વતનમાં ચાલ્યા ગયા હતા. હવે જ્યારે યાર્નના ભાવમાં સ્થિરતા આવી રહી છે અને પ્રોડક્શન કાપ પાછો ખેંચાઈ રહ્યો છે, ત્યારે શ્રમિકોની ખોટ વર્તાઈ રહી છે. ઉદ્યોગકારોનું કહેવું છે કે શ્રમિકો અમારા પરિવારના સભ્ય અને દીકરા સમાન છે. તેમના વગર મશીનો ચલાવવા શક્ય નથી, તેથી તેઓ વહેલી તકે પરત ફરે તેવી અપીલ કરવામાં આવી રહી છે. ફેક્ટરીઓના માલિકો અત્યારે પોતાના વિશ્વાસુ કારીગરોને ફોન કરીને પરિસ્થિતિ થાળે પડી હોવાની જાણકારી આપી રહ્યા છે. પ્રશાસન અને ઉદ્યોગકારો વચ્ચે સંકલન: ડેટા શેરિંગ શરૂ જિલ્લા કલેક્ટર, ડીએસઓ અને ડેપ્યુટી કલેક્ટર સાથે ઉદ્યોગ મંડળો સતત સંપર્કમાં છે. ઉદ્યોગકારોએ જે શ્રમિકો અને એકમોને ગેસની જરૂર છે, તેમનો સંપૂર્ણ ડેટા પ્રશાસનને સોંપી દીધો છે. આ સહકારને કારણે હવે ફેક્ટરીઓ પર જ ડાયરેક્ટ ગેસ સિલિન્ડરો પહોંચાડવાની કામગીરી તેજ બની છે. સરકારના પ્રોત્સાહક અભિગમને કારણે ઉદ્યોગકારોમાં પણ નવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. છેલ્લા 2 દિવસમાં જે રીતે લિસ્ટિંગની પ્રક્રિયા થઈ છે, તેનાથી આગામી સપ્તાહમાં સુરતના પૂર્વ વિસ્તારના કારખાનાઓમાં ફરીથી રોનક જોવા મળશે તેવું લાગી રહ્યું છે.
Read Original Article →