પીએમ મોદીના આગમન ટાણે જ સુરત મનપાને પરસેવો વળ્યો:ઇન્દોર સ્ટેડિયમના પ્રવેશદ્વાર સામે જ ભુવો પડતા અધિકારીઓ દોડતા થયા, તાબડતોબ રીપેરિંગ કામ હાથ ધરાયું હતું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુરત પ્રવાસને હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે, ત્યારે સુરત મહાનગરપાલિકાના વહીવટી તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ છે. આવતીકાલે વડાપ્રધાન સુરતના અઠવાલાઇન્સ વિસ્તારમાં આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઇન્ડોર સ્ટેડિયમ ખાતે એક મહત્વપૂર્ણ કાર્યક્રમને સંબોધિત કરવાના છે. સુરક્ષા અને વ્યવસ્થાના ભાગરૂપે પાલિકા દ્વારા તમામ આખરી તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી રહી હતી, તે જ સમયે સ્ટેડિયમના મુખ્ય ગેટની બિલકુલ સામે જ રસ્તા પર એક મોટો ભુવો પડી જતાં તંત્રમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. વીવીઆઈપી પ્રવાસના ગણતરીના કલાકો પહેલાં જ સભા સ્થળની બિલકુલ નજીક સર્જાયેલી આ પરિસ્થિતિને પગલે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા છે અને તાબડતોબ રીપેરિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. સ્ટેડિયમના પ્રવેશદ્વારની સામે રસ્તો પર મોટો ભુવો પડ્યો
મળતી માહિતી અનુસાર, અઠવાલાઇન્સ સ્થિત ઇન્ડોર સ્ટેડિયમ ખાતે આવતીકાલે યોજાનારા વડાપ્રધાનના કાર્યક્રમને લઈને સુરક્ષા એજન્સીઓ અને સ્થાનિક પ્રશાસન હાઈ એલર્ટ પર છે. સમગ્ર રૂટ અને સ્ટેડિયમ પરિસરની આસપાસ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ દરમિયાન જ સ્ટેડિયમના પ્રવેશદ્વારની સામે અચાનક રસ્તો બેસી જતાં મોટો ભુવો પડ્યો હતો. પીએમ મોદીના આગમન પૂર્વે આ પ્રકારની ઘટના સામે આવતા જ પાલિકાના હાઇડ્રોલિક અને રોડ વિભાગના અધિકારીઓ તાત્કાલિક એક્શનમાં આવ્યા હતા. કરોડો રૂપિયાની પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખુલ્લી પાડી
કોઈપણ પ્રકારની ક્ષોભજનક સ્થિતિ ન સર્જાય તે માટે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે મશીનરી અને મજૂરોની ટીમ તૈનાત કરી રસ્તાના સમારકામની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. વડાપ્રધાનનો કાફલો આ જ માર્ગ પરથી પસાર થવાનો હોવાથી આ સ્થળનું સમારકામ આગામી થોડા જ કલાકોમાં પૂર્ણ કરવું તંત્ર માટે અનિવાર્ય બન્યું છે. આ ઘટનાએ સુરત મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે કરવામાં આવતી કરોડો રૂપિયાના ખર્ચની પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખુલ્લી પાડી દીધી છે. સામાન્ય રીતે ચોમાસા દરમિયાન ભારે વરસાદના કારણે ભૂગર્ભ ડ્રેનેજ લાઈનો કે પાણીની પાઈપલાઈનોમાં લીકેજ થવાથી રસ્તાઓ બેસી જવાની અને ભુવા પડવાની ઘટનાઓ સામે આવતી હોય છે. પરંતુ હાલમાં શહેરમાં હજુ સુધી ચોમાસાની સત્તાવાર શરૂઆત થઈ નથી કે કોઈ નોંધપાત્ર વરસાદ પણ નોંધાયો નથી. વરસાદની ગેરહાજરી હોવા છતાં, શહેરના અત્યંત વીઆઈપી ગણાતા અઠવાલાઇન્સ વિસ્તારના મુખ્ય માર્ગ પર આ પ્રકારે ભુવો પડવો એ ક્યાંક ને ક્યાંક નબળી ગુણવત્તાના કામ અથવા ભૂગર્ભ લાઈનોના અપૂરતા મેઈન્ટેનન્સ તરફ આંગળી ચિંધે છે. સ્થાનિક સ્તરે આ વિષય અત્યારે ભારે ચર્ચાનો કેન્દ્ર બન્યો છે કે જો સામાન્ય દિવસોમાં આ સ્થિતિ હોય, તો આગામી ચોમાસામાં સામાન્ય જનતાને કેવી હાલાકીનો સામનો કરવો પડી શકે છે.
Read Original Article →