પત્નીએ લોખંડના હૂકે અને રત્ન કલાકાર પતિએ પંખે ફાંસો ખાધો:સુરતમાં લગ્નના પહેલા જ વર્ષે દંપતીએ સંસાર ટૂંકાવ્યો, પરિવારની તટસ્થ તપાસની માગ
સુરત શહેરના સિંગણપોર-ડભોલી વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના બની હતી. રાજપુત ફળિયામાં રહેતા 24 વર્ષીય ભાવેશ ચુડાસમા અને 23 વર્ષીય તેજલ ચુડાસમાએ અગમ્ય કારણોસર પોતાના જ ઘરમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ નવપરિણીત દંપતીના લગ્ન હજુ ગત વર્ષે જ થયા હતા. એક વર્ષના ટૂંકા લગ્નગાળામાં જ બંનેએ આત્મઘાતી પગલું ભરી લેતા ચકચાર મચી ગઈ છે. એક જ રૂમમાં બે અલગ અલગ જગ્યાએ ફાંસો ખાધો
પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે, આ કરુણ ઘટના ડભોલી ગામના રાજપુત ફળિયાની એક ચાલના રૂમમાં બની હતી. પત્ની તેજલબેને રૂમમાં કપડાં ધોવાની ચોકડી પાસે છતમાં લાગેલા લોખંડના હૂક સાથે નાયલોનની પટ્ટી બાંધી ફાંસો ખાધો હતો. જ્યારે પતિ ભાવેશભાઈએ તે જ રૂમમાં સીલિંગ ફેનના હૂક સાથે નાયલોનની દોરી બાંધી જીવન ટૂંકાવ્યું હતું. એક જ સમયે બંનેની લાશ લટકતી જોતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. લગ્નના 12 મહિનામાં જ માતમ છવાયો
મૃતક ભાવેશ અને તેજલના લગ્ન માત્ર એક વર્ષ પહેલા જ ધામધૂમથી થયા હતા. પડોશીઓના જણાવ્યા મુજબ, બંને વચ્ચે કોઈ મોટો ઝઘડો પણ ક્યારેય ધ્યાને આવ્યો નહોતો. લગ્નના આટલા ટૂંકા ગાળામાં બંનેએ આવું અંતિમ પગલું કેમ ભર્યું તે રહસ્ય હજુ અકબંધ છે. ઘટનાને પગલે આખા ફળિયામાં શોકનું મોજું ફરી વળ્યું છે. પરિવારની તટસ્થ તપાસની માગ
ઘટનાની જાણ થતા જ સિંગણપોર પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે બંનેના મૃતદેહને નીચે ઉતારી પંચનામું કર્યું હતું અને પોસ્ટમોર્ટમ માટે સ્મીમેર હોસ્પિટલ મોકલી આપ્યા હતા. જોકે, આત્મહત્યા પાછળનું કોઈ ચોક્કસ કારણ કે 'સુસાઈડ નોટ' મળી આવી નથી. મૃતકના પરિવારે આ મામલે ઉંડી અને તટસ્થ તપાસ કરવાની માગ કરી છે. ACP કક્ષાના અધિકારી તપાસમાં જોડાયા
આ મામલે એફ-ડિવિઝનના મદદનીશ પોલીસ કમિશનર (ACP) એલ.બી. ઝાલાએ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી દંપતીના મોબાઈલ ફોન અને અન્ય વસ્તુઓ કબજે કરી છે. બંનેએ મરતા પહેલા કોઈને ફોન કર્યો હતો કે કેમ અથવા કોઈ માનસિક તણાવ હતો તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે. ઘટનાની તટસ્થ તપાસની પરિવારજનોની માગ
સંબંધી વિજયએ જણાવ્યું હતું કે, મારા મામાના પુત્ર અને તેની પત્નીએ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે. તેઓ છેલ્લા 5 વર્ષથી સુરતના ડભોલી વિસ્તારમાં રહેતા હતા અને હીરા ઘસવાનું કામ રત્નકલાકાર તરીકે કરતા હતા. તેમના પરિવારમાં ત્રણ ભાઈઓ, એક બહેન, માતા-પિતા અને દાદા-દાદીનો સમાવેશ થાય છે. ‘આત્મહત્યાની ઉંડાણપૂર્વક તપાસ થાય’
આ કરુણ ઘટના અંદાજે 6 વાગ્યાની આસપાસ બની હતી. અમે પોલીસ પ્રશાસન પાસે એવી માંગણી કરીએ છીએ કે સિંગણપોર પોલીસ સ્ટેશન દ્વારા આ મામલે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને મારા મામાના સંતાનોને ન્યાય મળે તે માટે આત્મહત્યા પાછળના સાચા કારણોની ઉંડાણપૂર્વક તપાસ થાય.
Read Original Article →