પતિએ પત્ની સાથે ક્રુરતાની હદ પાર કરી:રૂમમાં બંધ કરી રોજ માર મારતો, પિયર ગયા બાદ ધમકી આપી પરત બોલાવી પતાવી દીધી, સુરતમાં દીકરીની લાશ જોઈ માતાનો કલ્પાંત

Gujarat5/16/2026, 12:43:38 PM
પતિએ પત્ની સાથે ક્રુરતાની હદ પાર કરી:રૂમમાં બંધ કરી રોજ માર મારતો, પિયર ગયા બાદ ધમકી આપી પરત બોલાવી પતાવી દીધી, સુરતમાં દીકરીની લાશ જોઈ માતાનો કલ્પાંત
સુરત શહેરના ઉમરવાડા વિસ્તારમાંથી એક ચોંકાવનારી અને કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. જેમાં એક પાપી પતિએ પોતાની જ પત્નીને શારીરિક અને માનસિક ત્રાસ આપી, દરરોજ ઘાતકી હથિયારોથી માર મારી અંતે મોતને ઘાટ ઉતારી દીધી છે. આ અંગે ઉત્તર પ્રદેશથી દોડી આવેલી મૃતકની માતાએ સુરતના પુણા પોલીસ સ્ટેશનમાં જમાઈ વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. લગ્નના થોડા જ દિવસોમાં અસલી રંગ બતાવ્યો મળતી માહિતી પ્રમાણે, મૂળ ઉત્તર પ્રદેશની અને હાલ સુરતના ઉમરવાડા સ્થિત રાજીવનગર ઝૂંપડપટ્ટીમાં રહેતી 31 વર્ષીય રેણુના લગ્ન ધાકધમકી આપી વર્ષ 2023માં અભિમાનચંદ્ર પટેલ નામના યુવક સાથે થયા હતા. લગ્ન બાદ બંને સુરત રહેવા આવી ગયા હતા. શરૂઆતના માત્ર 15 દિવસ સુધી અભિમાનચંદ્રે રેણુની વાત તેની માતા રીતુદેવી સાથે કરાવી હતી. પરંતુ ત્યારબાદ સાસરી પક્ષના તમામ ફોન નંબર બ્લોક લિસ્ટમાં નાખી દીધા હતા અને દીકરી સાથેનો તમામ સંપર્ક કાપી નાખ્યો હતો. ‘મને રૂમમાં બંધ રાખી રોજ મારે છે’ ફોન પર દીકરીનું આક્રંદ વર્ષ 2024ના ઓક્ટોબર મહિનામાં રેણુએ કોઈ અજાણ્યા નંબર પરથી તેની માતાને ફોન કર્યો હતો અને રડતા રડતા જણાવ્યું હતું કે, મમ્મી, હું સુરતથી ભાગીને રાજસ્થાન આવી ગઈ છું. અભિમાનચંદ્ર મને રૂમમાં બંધ રાખીને રોજ બહુ જ મારે છે. મારી પાસે પૈસા નથી. જેથી માતાએ તાત્કાલિક એક અજાણ્યા વ્યક્તિના ખાતામાં 5 હજાર રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા અને દીકરીને વતન બોલાવી લીધી હતી. ‘પરત ન આવી તો માતા-પિતાને મારી નાખવાની ધમકી આપી રેણુ જ્યારે વતન પહોંચી ત્યારે તેણે પીઠ પરના ઘા બતાવી આખી આપવીતી કહી હતી. દરમિયાન પાપી પતિ અભિમાનચંદ્રે સાસરીમાં ફોન કરીને ધમકી આપી હતી કે, જો રેણુ પાછી નહીં આવે તો ત્યાં આવીને તારા મમ્મી-પપ્પાને જાનથી મારી નાખીશ. આ ડરના માર્યા અને પરિવાર પર આફત ન આવે તે માટે રેણુ કોઈને પણ કહ્યા વગર ફરી પાછી સુરત પતિ પાસે આવી ગઈ હતી. જે તેની જિંદગીની સૌથી મોટી ભૂલ સાબિત થઈ. પોલીસના ફોનથી માતાના પગ નીચેથી જમીન સરકી ગઈ ઉત્તરપ્રદેશ રહેતા રીતુદેવી પર ગત 13 મેના રોજ પુણા પોલીસ સ્ટેશનમાંથી ફોન ગયો હતો અને જણાવ્યું હતું કે તમારી દીકરી રેણુનું મોત નીપજ્યું છે, તમે તાત્કાલિક સુરત આવી જાઓ. સુરત દોડી આવેલી માતાએ જ્યારે સ્મીમેર હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજમાં દીકરીની લાશ જોઈ ત્યારે તેમના કલ્પાંતથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. પીએમ રિપોર્ટમાં ખુલાસો, આખા શરીરે ગંભીર ઈજાઓ હતી મૃતક રેણુના પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને શરીરની સ્થિતિ જોતા રૂંવાડા ઊભા થઈ જાય તેવી વિગતો સામે આવી છે. પાપી પતિએ તેને કોઈ ઘાતક હથિયાર કે સાધન વડે આખા શરીરે નિર્દયતાપૂર્વક માર માર્યો હતો. રેણુના કપાળ પર, જમણી આંખ પાસે, નાકની બાજુમાં તેમજ બંને હાથ-પગ પર ગંભીર ઈજાઓના નિશાન હતા અને આખું શરીર કાળા અને લાલ ચકામાઓથી ભરાઈ ગયું હતું. અતિશય માર મારવાને કારણે જ રેણુનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. પોલીસે ગુનો નોંધી પતિની શોધખોળ શરૂ કરી આ ચકચારી ઘટના અંગે પુણા પોલીસે મૃતકની માતા રીતુદેવી યાદવની ફરિયાદના આધારે આરોપી પતિ અભિમાનચંદ્ર પટેલ વિરૂદ્ધ હત્યાનો ગુનો નોંધી આગળની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર રાધા મોરીને સોંપી છે. દીકરીની ઘાતકી હત્યા કરનાર પાપી પતિને કડકમાં કડક સજા થાય તેવી માંગ પરિવારે કરી છે.
Read Original Article →