સુરતમાં 'ગ્રિન્ડર' એપથી શિક્ષકને હનીટ્રેપમાં ફસાવી લૂંટી લીધા:વાડીમાં મળવા બોલાવી વીડિયો ઉતાર્યો, પોલીસે 'ડમી આઈડી' બનાવી ખેલ પાડ્યો; રત્નકલાકાર અને રિક્ષાચાલકની ધરપકડ
સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં સજાતીય સંબંધો માટેની ‘ગ્રિન્ડર’ એપ્લિકેશન મારફતે એક શિક્ષકને પ્રેમજાળમાં ફસાવ્યા બાદ વાડીમાં બંધક બનાવી રૂ. 30 હજારની લૂંટ ચલાવનાર બે શખ્સોને પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને ડમી આઈડીના આધારે ફિલ્મી ઢબે ઝડપી પાડ્યા છે. અમરોલીની નગર પ્રાથમિક શાળાના શિક્ષકને બદનામ કરવાની અને વીડિયો વાઇરલ કરવાની ધમકી આપી આ ગુનાને અંજામ આપવામાં આવ્યો હતો. મિત્રતાના બહાને વાડીમાં બોલાવી લૂંટ
મૂળ અમરેલીના અને સુરતના જહાંગીરપુરામાં રહેતા 26 વર્ષીય શિક્ષક ગ્રિન્ડર એપ્લિકેશન પર એન્ડરસન નામે આઈડી ધરાવતા હતા. આશરે વીસ દિવસ પહેલાં એક અજાણ્યા આઈડી ધારકે મિત્રતા કેળવી વરિયાવના રીવાન્ટા વર્ણી પાસે પોતાની વાડી હોવાનું જણાવી વીડિયો કોલ દ્વારા ત્યાં મળવા બોલાવ્યા હતા. શિક્ષક પોતાની બાઈક પર ત્યાં પહોંચતા, આરોપીએ ગરનાળા ફાટક પાસેની વાડીએ જવાનું કહી તેમને અવાવરૂ સ્થળે લઈ ગયો હતો. ત્યાં પહોંચતા જ આરોપીઓએ શિક્ષક પર હુમલો કરી તેમને ગળેથી પકડી ઘૂંટણિયે બેસાડી દીધા હતા. આરોપીઓએ તેમનો મોબાઈલ છીનવી લીધો હતો અને "તું આવી એપ દ્વારા છોકરાઓને મળે છે, અમે તારા ઘરે અને પોલીસને જાણ કરીશું" તેમ કહી બદનામ કરવાની ધમકી આપી હતી. વીડિયો ઉતારી બ્લેકમેલિંગ અને લૂંટ
આરોપીઓએ શિક્ષક પાસે બળજબરીપૂર્વક નામ, સરનામું અને "હવે પછી હું આવું કામ નહીં કરું" તેવી કબૂલાત કરાવતો વીડિયો શૂટ કર્યો હતો. વધુમાં, તેમના આધારકાર્ડ અને ડ્રાઇવીંગ લાયસન્સના ફોટા પાડી લીધા હતા. આ પુરાવા વાઇરલ કરવાની ધમકી આપી આરોપીઓએ શિક્ષકના એટીએમ કાર્ડનો પાસવર્ડ મેળવી લીધો હતો અને બેંક ખાતામાંથી રૂ. 30 હજાર ઉપાડી લીધા હતા. પોલીસે 'ડમી આઈડી' બનાવી આરોપીઓને ઝડપી પાડ્યા
બદનામીના ડરથી શિક્ષકે શરૂઆતમાં માત્ર અરજી આપી હતી, પરંતુ જહાંગીરપુરા પોલીસે મામલાની ગંભીરતા જોઈ તપાસ હાથ ધરી હતી. પોલીસે આરોપીઓને પકડવા માટે એક ખાસ છટકું ગોઠવ્યું હતું, જેમાં શિક્ષકના જ એક મિત્ર દ્વારા ડેટિંગ એપ પર નવું આઈડી બનાવડાવી આરોપીઓ સાથે ચેટિંગ કરવામાં આવ્યું હતું. આરોપીઓએ જે રીતે શિક્ષકને લૂંટ્યા હતા, તે જ સ્થળે ફરી મળવા બોલાવતા પોલીસે વોચ ગોઠવીને રાજુ ભનુભાઈ મેર (ઉ.વ. 23) અને નરેશ સાજન મારૂ (ઉ.વ. 20) ને ઝડપી પાડ્યા હતા. આરોપીઓના ફોનમાંથી અન્ય લોકોના વીડિયો મળ્યા
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, આરોપી પૈકી રાજુ મેર રત્નકલાકાર છે અને નરેશ મારું રિક્ષા ચલાવે છે. નરેશ મારું સામે અગાઉ વરાછા અને સિંગણપુર પોલીસ સ્ટેશનમાં પણ આ જ મોડસ ઓપરેન્ડીથી લૂંટ કરવાના ગુના નોંધાઈ ચૂક્યા છે. તેમની ધરપકડથી અન્ય ત્રણ ગુનાઓના ભેદ પણ ઉકેલાયા છે. પોલીસે તેમના મોબાઈલ ફોન કબજે કર્યા છે, જેમાં અન્ય લોકોના વીડિયો પણ મળી આવ્યા છે, જ્યારે કેટલાક ડિલીટ કરાયેલા ડેટા રિકવર કરવા માટે ફોન એફએસએલમાં મોકલવાની તજવીજ હાથ ધરાઈ છે.
Read Original Article →