હિન્દુ સંગઠનના કાર્યકર્તાએ અન્ય ધર્મના યુવકના ગળે પગ મૂક્યો, VIDEO:વાળ ખેંચી ઢોર માર માર્યો, મહિલાને હેરાન કરી હોવાનો આક્ષેપ; સુરત પોલીસે કહ્યું-'સમાધાન થતાં ફરિયાદ નોંધાઈ નથી'
સુરત શહેરના પોશ ગણાતા અલથાણ વિસ્તારમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં અન્ય ધર્મના એક યુવક દ્વારા સ્થાનિક મહિલાને હેરાનગતિ કરવામાં આવતી હોવાના આક્ષેપ સાથે હિન્દુ સંગઠનો દ્વારા તેને રસ્તા પર જ ઢોર માર મારવામાં આવ્યો હતો. શુક્રવારે સાંજે બનેલી આ ઘટનાનો વીડિયો શનિવારે સોશિયલ મીડિયા પર જોરદાર વાઇરલ થઈ રહ્યો છે. હિન્દુ સંગઠન સાથે જોડાયેલા લોકો જ આ વીડિયો સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પર શેર કરી રહ્યા છે, જેને પગલે સમગ્ર શહેરમાં ચર્ચા જગાવી છે. યુવકના ગળા પર પગ મૂકીને અત્યાચાર ગુજારાયો
વાઇરલ થઈ રહેલા વીડિયોમાં કાયદો હાથમાં લેવાની ગંભીર તસવીરો સામે આવી છે. હિન્દુ સંગઠનના એક સદસ્ય દ્વારા આ યુવકને રસ્તા પર જમીન ઉપર સુવડાવી દેવામાં આવ્યો હતો. એટલું જ નહીં, સંગઠનના કાર્યકર્તાએ ભારે આક્રોશ સાથે યુવકના ગળા ઉપર પોતાનો આખો પગ મૂકી દીધો હતો અને તેને દબાવવાનો પ્રયાસ કર્યો હતો. આ સાથે જ યુવકના વાળ પકડીને તેને જોરથી ખેંચવામાં આવ્યા હતા અને સતત બિભત્સ અશબ્દો કહેવામાં આવી રહ્યા હતા. યુવક વારંવાર દયાની ભીખ માંગી રહ્યો હતો. ઘટનાસ્થળે પોલીસ પહોંચતા કાર્યકર્તાઓનો હોબાળો
આ જાહેર રોડ પર ચાલી રહેલા હંગામા અને મારપીટની ઘટના અંગે સ્થાનિક કંટ્રોલ રૂમ દ્વારા જાણ કરાતા અલથાણ પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. જોકે, પોલીસ ઘટનાસ્થળે પહોંચી હોવા છતાં હિન્દુ સંગઠનના કાર્યકર્તાઓનો ગુસ્સો શાંત થયો ન હતો. વાઇરલ વીડિયોમાં જોઈ શકાય છે કે કાયદો અને વ્યવસ્થા જાળવવા પહોંચેલી અલથાન પોલીસની સામે પણ હિન્દુ સંગઠનના કાર્યકર્તાઓ ઉગ્ર દલીલો કરીને ભારે હોબાળો મચાવી રહ્યા છે. પોલીસે માંડ-માંડ પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો અને મામલો થાળે પાડ્યો હતો. વિધવા મહિલાને હેરાન કરતો હોવાનો હિન્દુ સંગઠનનો દાવો
આ સમગ્ર મામલે હિન્દુ સંગઠન સાથે જોડાયેલા અગ્રણી દેવી પ્રસાદ દુબેએ પોતાની પ્રતિક્રિયા આપતા ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે જણાવ્યું હતું કે, માર ખાનારો વ્યક્તિ રિક્ષા ચલાવવાનું કામ કરે છે. તે અલથાણ વિસ્તારમાં જ રહેતી એક વિધવા મહિલાને છેલ્લા ઘણા સમયથી સતત હેરાન-પરેશાન કરી રહ્યો હતો. તે મહિલાને બળજબરીપૂર્વક પોતાની સાથે લઈ જવાની વારંવાર ધમકીઓ આપતો હતો. આટલું જ નહીં, થોડા દિવસ પહેલા આ યુવકે મહિલા સાથે ઝઘડો કરીને તેનો હાથ પણ તોડી નાખ્યો હતો. આ અંગે સંગઠનને જાણ થતાં જ કાર્યકર્તાઓ મહિલાની વહારે ધસી ગયા હતા. મહિલા ડરી જતાં પોલીસ ફરિયાદ કરવાનો ઈન્કાર કર્યો
દેવી પ્રસાદ દુબેએ વધુમાં ઉમેર્યું હતું કે, અન્ય ધર્મના યુવકના ત્રાસ અને ધમકીઓથી પીડિત મહિલા ભારે માનસિક દબાણમાં અને ડરી ગયેલી હાલતમાં હતી. હિન્દુ સંગઠનના કાર્યકર્તાઓએ જ્યારે યુવકને પકડી પાડ્યો અને પોલીસ સ્ટેશન લઈ જવાની તજવીજ હાથ ધરી, ત્યારે મહિલાએ ભારે ડરના માર્યા સત્તાવાર પોલીસ ફરિયાદ આપવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. સંગઠનનો દાવો છે કે મહિલાના આ જ ડરના કારણે તેઓએ પોતાની રીતે યુવકને પાઠ ભણાવવાનો પ્રયાસ કર્યો હતો, જેનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. બંને વચ્ચે જૂનો સંબંધ હતો, કોઈ ફરિયાદ નથી થઈ
બીજી તરફ, આ હાઈવોલ્ટેજ ડ્રામા અંગે અલથાણ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઇ ચિરાગ નિનામાએ સત્તાવાર વિગતો આપતા જણાવ્યું છે કે, આ મામલે વાસ્તવિકતા કંઈક જુદી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે માર ખાનારો યુવક અને તે મહિલા છેલ્લા ઘણા સમયથી એકબીજાને સારી રીતે ઓળખે છે અને બંને અગાઉથી જ એકબીજાના સંપર્કમાં હતા, તેમજ તેમની વચ્ચે અંગત સંબંધો હતા. ઘટના બાદ પોલીસ બંને પક્ષોને પોલીસ સ્ટેશન લઈ આવી હતી અને બંનેના નિવેદન નોંધ્યા હતા. જોકે, બંને પક્ષોએ અંદરોઅંદર સમાધાન કરી લીધું હોવાથી આ મામલે પોલીસ મથકે કોઈ સત્તાવાર ફરિયાદ નોંધાઈ નથી.
Read Original Article →