સુરતના ઉદ્યોગો અને કારીગરોની ગેસ સમસ્યા ઉકેલાશે:સચિન-પલસાણામાં નવી લાઇન નાંખવા અને માત્ર 7 દિવસમાં કનેક્શન આપવા મહત્વનો નિર્ણય
સુરતમાં ઉદ્યોગોને ગેસ સપ્લાય સુનિશ્ચિત કરવા અને કારીગરોને સરળતાથી ગેસ સિલિન્ડર ઉપલબ્ધ કરાવવાના ઉદ્દેશ્ય સાથે શનિવાર, 4 એપ્રિલ, 2026ના રોજ એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. અઠવા લાઇન્સ સ્થિત સરકીટ હાઉસ ખાતે ગુજરાત ગેસના મેનેજિંગ ડિરેકટર અવંતિકા સિંઘ (IAS)ની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં દક્ષિણ ગુજરાતના ઉદ્યોગ જગતના અગ્રણીઓ હાજર રહ્યા હતા. કારીગરોની હિજરત અટકાવવા સિલિન્ડરની વ્યવસ્થા
જિલ્લા પૂરવઠા અધિકારીએ જણાવ્યું હતું કે, HPCL, BPCL અને IOCLના ડિલરો દ્વારા 5 કિલો અને 3 કિલોના નાના ગેસ સિલિન્ડરનો સપ્લાય શરૂ કરાયો છે. ઔદ્યોગિક એકમોમાં કામ કરતા કારીગરોને આ સુવિધા આપવા માટે એકમોએ પોતાના લેટરહેડ પર કારીગરના નામ અને આધારકાર્ડની નકલ સાથે અરજી કરવાની રહેશે. આ વ્યવસ્થા પાછળનો મુખ્ય હેતુ કારીગરોને પડતી મુશ્કેલી દૂર કરી તેમની હિજરત અટકાવવાનો છે. વધુમાં, કંપનીઓના જૂના સિલિન્ડરોનું રિપ્લેસમેન્ટ પણ કરી આપવામાં આવશે. નવા ગેસ કનેક્શનની પ્રક્રિયામાં મોટો ઘટાડો
ઉદ્યોગો માટે રાહતના સમાચાર આપતા પીએનજી પાઇપલાઇન કનેક્શનની પ્રક્રિયાને અત્યંત ઝડપી બનાવવામાં આવી છે. અગાઉ જે પ્રક્રિયામાં 45 દિવસ લાગતા હતા, તેને ઘટાડીને હવે માત્ર 7 દિવસ કરી દેવામાં આવી છે. જે વિસ્તારોમાં હજુ ગેસ લાઇન પહોંચી નથી, તેની વિગતો ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ગુજરાત ગેસને સોંપવામાં આવશે જેથી કામગીરી આગળ વધી શકે. ઔદ્યોગિક વિસ્તારોમાં નેટવર્ક વિસ્તારવા રજૂઆત
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ નિખિલ મદ્રાસી અને ઉપપ્રમુખ અશોક જીરાવાલાએ સચિન, પલસાણા, પાંડેસરા, કિમ–પીપોદરા, સાયણ અને માંગરોળ જેવા વિસ્તારોમાં વહેલી તકે ગેસ લાઇન નાંખવા રજૂઆત કરી હતી. સાથે જ, જ્યાં લાઇન નખાઈ ગઈ છે પરંતુ મીટરના અભાવે ગેસ સપ્લાય બંધ છે, ત્યાં તાત્કાલિક મીટર લગાવી સપ્લાય શરૂ કરવા માગ કરી હતી. ગુજરાત ગેસ તરફથી આ તમામ રજૂઆતો પર સકારાત્મક પ્રતિસાદ આપવામાં આવ્યો છે. આ બેઠકમાં વિજય મેવાવાલા, મિતિષ મોદી, આશીષ ગુજરાતી, અતુલ પટેલ, પૌલિક દેસાઈ અને વિનોદ અગ્રવાલ સહિતના ઉદ્યોગપતિઓ અને સરકારી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Read Original Article →