સુરતમાં GPSCની પરીક્ષાને લઈ તંત્ર સજ્જ:રવિવારે 30 કેન્દ્ર પર 7,103 ઉમેદવાર આપશે પરીક્ષા, CCTV સર્વેલન્સ અને ચુસ્ત પોલીસ બંદોબસ્તની તમામ તૈયારીઓ પૂર્ણ
ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા આયોજિત ચાર જાહેરાતોની સામાન્ય અભ્યાસની સંયુક્ત પરીક્ષા આવતીકાલે તા. 07 જૂન, 2026 ને રવિવારના રોજ સુરત જિલ્લામાં યોજાનાર છે. પરીક્ષાનું આયોજન સુચારૂ, શાંતિપૂર્ણ, પારદર્શક અને નિયમબદ્ધ રીતે થાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર, જિલ્લા શિક્ષણ તંત્ર તથા પોલીસ વિભાગ દ્વારા તમામ જરૂરી તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. 30 પરીક્ષા કેન્દ્રમાં 296 બ્લોકની વ્યવસ્થા
સુરત જિલ્લામાં યોજાનારી આ પરીક્ષામાં કુલ 7,103 ઉમેદવારો પરીક્ષા આપશે. ઉમેદવારો માટે જિલ્લામાં આવેલી 30 પરીક્ષા કેન્દ્ર શાળાઓ ખાતે કુલ 296 પરીક્ષા બ્લોકની વ્યવસ્થા કરવામાં આવી છે. પરીક્ષાના સફળ અને અસરકારક સંચાલન માટે 6 ઝોનલ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે, જેઓ પોતાના ઝોન હેઠળના પરીક્ષા કેન્દ્રોની કામગીરી પર સતત દેખરેખ રાખશે. જિલ્લા પોલીસ તંત્ર પરીક્ષા કેન્દ્ર પર ચુસ્ત બંદોબસ્ત
પરીક્ષાની પારદર્શિતા અને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તમામ પરીક્ષા કેન્દ્રો CCTV સર્વેલન્સ હેઠળ રાખવામાં આવ્યા છે. પરીક્ષા દરમિયાન કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તેમજ પરીક્ષાનું વાતાવરણ શાંતિપૂર્ણ રહે તે માટે જિલ્લા પોલીસ તંત્ર દ્વારા જરૂરી સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ઉપરાંત તમામ પરીક્ષા કેન્દ્ર શાળાઓને કાયદો અને વ્યવસ્થા જાળવવા અંગેની જરૂરી સૂચનાઓ પોલીસ વિભાગ દ્વારા આપવામાં આવી છે. કેન્દ્રોની આસપાસ ટ્રાફિક સંચાલન માટે વિશેષ આયોજન
ઉમેદવારોને પરીક્ષા કેન્દ્ર સુધી સરળતાથી અને સમયસર પહોંચી શકાય તે માટે ટ્રાફિક પોલીસ તથા સંબંધિત વિભાગો સાથે સંકલન કરી માર્ગ વ્યવસ્થાપન અંગે આગોતરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પરીક્ષાના દિવસે મુખ્ય માર્ગો અને પરીક્ષા કેન્દ્રોની આસપાસ ટ્રાફિકનું સુચારૂ સંચાલન જળવાઈ રહે તે માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. તંત્ર દ્વારા પરીક્ષાની સમગ્ર વ્યવસ્થાની સમીક્ષા કરી
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પરીક્ષાની સમગ્ર વ્યવસ્થાની સમીક્ષા કરી પરીક્ષા કામગીરી સાથે સંકળાયેલા તમામ અધિકારીઓ, ઝોનલ અધિકારીઓ તથા કેન્દ્ર સંચાલકોને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું છે. પરીક્ષાની ગોપનીયતા, નિષ્પક્ષતા અને શિસ્ત જળવાઈ રહે તે માટે તમામ સૂચનાઓનું પાલન કરવામાં આવશે. પરીક્ષા સંબંધિત તમામ સૂચનાઓનું પાલન કરે
જિલ્લા તંત્ર દ્વારા ઉમેદવારોને અનુરોધ કરવામાં આવે છે કે તેઓ પરીક્ષાના નિર્ધારિત સમય કરતાં વહેલા પરીક્ષા કેન્દ્ર પર પહોંચે, પ્રવેશપત્ર તથા માન્ય ઓળખપત્ર સાથે લાવે અને પરીક્ષા સંબંધિત તમામ સૂચનાઓનું પાલન કરે. જિલ્લા વહીવટી તંત્ર, જિલ્લા શિક્ષણ વિભાગ અને જિલ્લા પોલીસ તંત્રના સંયુક્ત પ્રયાસોથી આ પરીક્ષા સફળતાપૂર્વક અને શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.
Read Original Article →