ગોઠણ રેલવે ઓવરબ્રિજ પર 20 મેથી સમારકામ શરૂ:વેલંજા-વરીયાવ ટ્રેક 92 દિવસ બંધ, સિંગલ ટ્રેક પર ટ્રાફિક ડાયવર્ઝન જાહેર કરાયું
સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલા ગોઠણ રેલવે ઓવરબ્રિજ ખાતે વેરિંગ કોટની રિપેરિંગ તેમજ અન્ય જરૂરી માળખાકીય સમારકામની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. જેના પગલે જાહેર જનતાની સલામતી અને ટ્રાફિક વ્યવસ્થા જાળવવા માટે બ્રિજનો એક તરફનો ટ્રેક આગામી 92 દિવસ સુધી તમામ પ્રકારના વાહનો માટે સંપૂર્ણપણે બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. સુરત મહાનગરપાલિકાના કમિશનર એમ. નાગરાજન (IAS) દ્વારા આ અંગેનું સત્તાવાર જાહેરનામું બહાર પાડીને વૈકલ્પિક ડાયવર્ઝનની જાહેરાત કરવામાં આવી છે. બ્રિજ બંધ રહેવાનો સમયગાળો અને વિગત
ગોઠણ રેલવે ઓવરબ્રિજ પર બ્રિજના જૂના થઈ ગયેલા સ્તરોને બદલવા અને માળખાકીય મજબૂતી આપવા માટે વ્યાપક સમારકામ અત્યંત અનિવાર્ય બન્યું છે. તા. 20 મેથી શરૂ થઈને 20 ઓગસ્ટ 2026 સુધી (આશરે 92 દિવસ) બ્રિજ પૈકીનો વેલંજાથી વરીયાવ તરફનો ટ્રેક તમામ પ્રકારના વાહનોની અવરજવર માટે સંપૂર્ણ બંધ રહેશે. વાહનચાલકો માટે વૈકલ્પિક ડાયવર્ઝન રૂટ
આ લાંબા સમયગાળા દરમિયાન વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો ન કરવો પડે તે માટે સુરત મહાનગરપાલિકા અને ટ્રાફિક પોલીસના સંકલનથી વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. બ્રિજનો વેલંજાથી વરીયાવ તરફનો ટ્રેક બંધ હોવાથી, બ્રિજની બીજી તરફનો એટલે કે વરીયાવથી વેલંજા તરફનો ટ્રેક બંને તરફના ટ્રાફિક માટે ઉપયોગમાં લેવાશે. વરીયાવથી વેલંજા તરફ જતા અને વેલંજાથી વરીયાવ તરફ આવતા તમામ નાના-મોટા વાહનોએ આ સિંગલ ટ્રેક પરથી જ પસાર થવાનું રહેશે. પીક અવર્સ દરમિયાન ટ્રાફિક જામની સ્થિતિ નિવારવા માટે વાહનચાલકોને ધીમે અને સાવચેતીપૂર્વક વાહન ચલાવવા અપીલ કરવામાં આવી છે. જો નિયત સમયમર્યાદા (20 ઓગસ્ટ 2026) સુધીમાં સમારકામ પૂર્ણ નહીં થાય, તો આ જાહેરનામાની મુદત લંબાવવામાં આવશે. જોકે, જો નિર્ધારિત સમય કરતાં વહેલું કામ પૂરું થઈ જશે, તો કોઈપણ અન્ય સત્તાવાર જાહેરાત વિના જ બ્રિજને વાહનવ્યવહાર માટે પૂર્વવત ખુલ્લો મૂકી દેવામાં આવશે. નિયમોના ભંગ બદલ કડક કાર્યવાહીની ચેતવણી
સુરત મહાનગરપાલિકાના કમિશનરે સખત શબ્દોમાં ચેતવણી આપી છે કે આ જાહેરનામું કાયદાકીય જોગવાઈઓ હેઠળ બહાર પાડવામાં આવ્યું છે. જો કોઈ વ્યક્તિ આ નિયમોનો ભંગ કરશે કે પ્રતિબંધિત ટ્રેક પર વાહન લઈ જવાનો પ્રયાસ કરશે, તો તેની સામે કાયદેસરના શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે. આ સાથે જ, જાહેરનામાના ભંગ બદલ જો બ્રિજની મિલકતને કે અન્ય કોઈને નુકસાન થશે, તો તેના માટે જે તે વ્યક્તિ વ્યક્તિગત રીતે સંપૂર્ણ જવાબદાર રહેશે અને તેની પાસેથી નુકસાનીની વસૂલાત કરવામાં આવશે.
Read Original Article →