સ્માર્ટ સિટી સુરતના ગૌરવ પથ રોડનું ધોવાણ:8 મહિનાથી ખોદાયેલા રસ્તાના કારણે સ્થાનિકો નરકાગાર જેવી સ્થિતિમાં, સ્થાનિકોની વેરો ન ભરવાની ચીમકી
સુરત શહેરને સ્માર્ટ સિટી અને શ્રેષ્ઠ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવતા શહેર તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ શહેરના પોશ ગણાતા ગૌરવ પથ રોડ પરથી પસાર થતા નાગરિકો માટે આ વિકાસ હવે મોટી પીડા બની ગયો છે. સુરત મનપાની ઘોર બેદરકારી અને કાચબા ગતિએ ચાલતી વહીવટી કામગીરીના કારણે સ્થાનિક રહીશો અને વાહનચાલકો છેલ્લા આઠ મહિનાથી નરકાગાર જેવી સ્થિતિનો સામનો કરી રહ્યા છે. વિકાસના નામે આખો રસ્તો ખોદી નાખ્યા બાદ તેને ફરીથી સરખો કરવાનું ભૂલી ગયેલા તંત્ર અને કોન્ટ્રાક્ટર સામે સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. રોડ ખોદી નાખતાં આઠ મહિનાથી સ્થાનિકો પરેશાન
મળતી માહિતી અનુસાર, ગૌરવ પથ રોડ પર અલગ-અલગ જગ્યાએ છેલ્લા આઠ મહિનાથી કે કે બી પ્રાઇવેટ લિમિટેડ નામની એજન્સી દ્વારા સ્ટ્રોમ વોટર ડ્રેનેજ એટલે કે વરસાદી પાણીના નિકાલની લાઈન નાખવાની કામગીરી કરવામાં આવી રહી છે. આ કામગીરી માટે પાલિકા દ્વારા અહીં આવેલો વર્ષો જૂનો અને સુવિધાજનક ડામર રોડ સંપૂર્ણપણે ખોદી નાખવામાં આવ્યો હતો. સમગ્ર વિસ્તારમાં માટી અને કાદવ-કિચનનું સામ્રાજ્ય
સ્થાનિક રહીશોનો આક્ષેપ છે કે, ડ્રેનેજ લાઇન નાખવાનું મુખ્ય કામ પૂરું થઈ ગયું હોવા છતાં, કોન્ટ્રાક્ટર કે પાલિકાના સત્તાધીશો દ્વારા રસ્તાને ફરીથી મૂળ સ્થિતિમાં લાવવાની કે નવો ડામર રોડ બનાવવાની કોઈ તસ્દી લેવામાં આવી નથી. પરિણામે, અડધો ખોદાયેલો અને માટીથી ભરેલો આ મુખ્ય રસ્તો વાહનચાલકો અને ખાસ કરીને ટૂ-વ્હીલર ચાલકો માટે કાળ સમાન સાબિત થઈ રહ્યો છે. સૌથી બદતર સ્થિતિ ગૌરવ પથ પર આવેલા પ્રખ્યાત રેસિડેન્શિયલ કોમ્પ્લેક્સ સૂર્યમ પ્રાઇમરોઝ અને શુભમ સ્કાયની આસપાસ જોવા મળી રહી છે. આ હાઈરાઈઝ બિલ્ડિંગોમાં સેંકડો પરિવારો વસવાટ કરે છે, જેમના માટે રોજબરોજની અવરજવર કરવી હવે એક મોટો પડકાર બની ગઈ છે. ડ્રેનેજની કામગીરી બાદ રસ્તાનું પુરાણ યોગ્ય રીતે ન થવાના કારણે સમગ્ર વિસ્તારમાં માટી અને કાદવ-કિચનનું સામ્રાજ્ય સ્થપાઈ ગયું છે. પાકા રસ્તા માટે પણ તંત્ર સામે આજીજી
સ્થાનિક મહિલાઓ, વૃદ્ધો અને શાળાએ જતા નાના બાળકો માટે ઘરેથી બહાર નીકળવું પણ દુષ્કર બન્યું છે. વાહનચાલકો રોજ અહીં લપસીને પડી રહ્યા છે અને નાની-મોટી અકસ્માતની ઘટનાઓ રોજિંદી બની ગઈ છે. લાખો રૂપિયાના વેરા ચૂકવતા પ્રામાણિક નાગરિકો આજે પ્રાથમિક સુવિધા એવા પાકા રસ્તા માટે પણ તંત્ર સામે આજીજી કરવા મજબૂર બન્યા છે. 'અધિકારીઓ બેજવાબદાર બહાનું ધરી દે છે કે'
આ મામલે જ્યારે સ્થાનિક લોકોના સબરનો બાંધ તૂટ્યો, ત્યારે તેમણે સુરત મહાનગરપાલિકાના જવાબદાર અધિકારીઓનો સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ અધિકારીઓ તરફથી જે જવાબ મળ્યો તે આઘાતજનક અને તંત્રની નફ્ફટાઈ છતી કરનારો છે. સ્થાનિક રહીશોએ જણાવ્યું કે, જ્યારે પણ ડ્રેનેજ કે રોડના કામ અંગે અધિકારીઓને ફોન કરીને પૂછવામાં આવે છે, ત્યારે તેઓ એવું બેજવાબદાર બહાનું ધરી દે છે કે, અમે અત્યારે વસ્તી ગણતરીની કામગીરીમાં વ્યસ્ત છીએ, અમારી પાસે અત્યારે આ જોવા માટે સમય નથી. પાલિકાના અધિકારીઓનું આવું ઉદ્ધત વલણ જોઈને લોકોમાં વહીવટી તંત્ર સામે ભારે ફિટકારની લાગણી જન્મી છે અને લોકો સવાલ પૂછી રહ્યા છે કે શું અન્ય કામગીરીના બહાને નાગરિકોના જીવ જોખમમાં મૂકી શકાય? 'ચૂંટણી જીતી ગયા પછી કોઈ આવવાની તસ્દી લેતા નથી'
સ્થાનિક લોકોનો ગુસ્સો માત્ર સરકારી અધિકારીઓ પૂરતો સીમિત નથી, પણ તેમના દ્વારા ચુંટાયેલા જનપ્રતિનિધિઓ એટલે કે કોર્પોરેટરો સામે પણ એટલો જ છે. તાજેતરમાં જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્ણ થઈ છે, જેમાં આ જ રસ્તાઓ પર મતોની ભીખ માંગવા માટે જે કોર્પોરેટરો હાથ જોડીને સોસાયટીઓમાં આંટા મારતા હતા, તેઓ જીત્યા પછી જાણે ગાયબ થઈ ગયા છે. રહીશોએ આક્રોશપૂર્વક જણાવ્યું કે, સ્થાનિક કોર્પોરેટરોને રૂબરૂ અને ફોન પર અસંખ્ય રજૂઆતો કરવા છતાં તેમજ રસ્તાની ગંભીર સ્થિતિના ફોટા-વીડિયો મોકલવા છતાં કોઈ ફરક પડ્યો નથી. ચૂંટણી જીતી ગયા પછી હવે આ નેતાઓ લોકોને મુશ્કેલીમાં જોઈને પણ સ્થળ પર આવવાની તસ્દી લેતા નથી અને જનતાની પીડા સાંભળવા માટે તેમની પાસે સમય નથી. કમિશનર સુધી રજૂઆત છતાં સમસ્યાનું કોઈ જ નિરાકરણ આવ્યું નથી
સ્થાનિક નેતાઓ અને ઝોનના અધિકારીઓથી નારાજ થઈને આખરે સોસાયટીના પ્રતિનિધિ મંડળે સુરત મ્યુનિસિપલ કમિશનર એમ. નાગરાજ સુધી લેખિત અને મૌખિક રજૂઆતો પહોંચાડી હતી. કમિશનર કક્ષાએથી આ બાબતે તાત્કાલિક યોગ્ય પગલાં લેવાની અને રોડ રીપેર કરવાની ખાતરી તો આપવામાં આવી હતી, પરંતુ જમીની હકીકત એ છે કે આજે દિવસો વીતી જવા છતાં સમસ્યાનું કોઈ જ નિરાકરણ આવ્યું નથી. કે કે બી પ્રાઇવેટ લિમિટેડના સત્તાવાળાઓ હજુ પણ અત્યંત ધીમી ગતિએ કામ કરી રહ્યા છે અને પાલિકાનું તંત્ર મૂકપ્રેક્ષક બનીને બધું જોઈ રહ્યું છે, જેના કારણે પ્રી-મોન્સૂન કામગીરીના દાવાઓ પોકળ સાબિત થયા છે. સ્થાનિકોની વેરો ન ભરવાની ચીમકી
કાચબા ગતિએ ચાલતા વહીવટ અને ભ્રષ્ટાચારની ગંધ આવતી આ બેદરકારીથી કંટાળીને હવે ગૌરવ પથ વિસ્તારની તમામ સોસાયટીઓએ આરપારની લડાઈ લડવાનો મૂડ બનાવી લીધો છે. રહીશોએ ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી બેથી ત્રણ દિવસમાં આ રોડનું ડામર કામ તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં નહીં આવે, તો તેઓ પાલિકાને વેરો ભરવાનું સંપૂર્ણપણે બંધ કરશે અને સોસાયટીઓની બહાર રાજકીય નેતાઓ માટે પ્રવેશબંધીના બોર્ડ લગાવી દેશે. આ સાથે જ કમિશનર કચેરી બહાર ઘેરાવ કરીને ઉગ્ર આંદોલન કરવાની પણ સ્થાનિકોએ તૈયારીઓ કરી લીધી છે, ત્યારે હવે જોવાનું એ રહે છે કે જનતાના આ આક્રોશ પછી પાલિકા તંત્ર જાગે છે કે નહીં.
Read Original Article →