બપોરે 2 વાગ્યે ઘરેથી નીકળ્યા ને 3.45એ મળી લાશ:સુરતમાં કોઈને કહ્યા વગર બહાર ગયેલા 85 વર્ષીય વૃદ્ધનો મૃતદેહ પોણા બે કલાકે તાપી નદીમાં તરતો મળ્યો, પોલીસ તપાસ શરુ
સુરત શહેરના નાના વરાછા વિસ્તારમાં આજે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં આવેલી ગિરનાર સોસાયટીની પાછળ વહેતી તાપી નદીમાંથી એક 85 વર્ષીય વૃદ્ધનો મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ અને પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. હાલમાં આ મોત અકસ્માત છે કે આપઘાત, તેને લઈને રહસ્ય સર્જાયું છે. ફાયર બ્રિગેડની ટીમે મૃતદેહ બહાર કાઢ્યો
નદીમાં વૃદ્ધનો મૃતદેહ તરતો હોવાની માહિતી મળતા જ કાપોદ્રા ફાયર સ્ટેશનને કોલ કરવામાં આવ્યો હતો. ઘટનાની ગંભીરતા જોઈને સબ ફાયર ઓફિસર દિનુ પટેલ સહિતનો ફાયર સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. ફાયર બ્રિગેડના જવાનોએ ભારે જહેમત બાદ વૃદ્ધના મૃતદેહને નદીમાંથી બહાર કાઢી સ્થાનિક પોલીસને સોંપ્યો હતો. મૃતકની ઓળખ થઈ, સ્મીમેર હોસ્પિટલ ખસેડાયા
પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક વૃદ્ધની ઓળખ થઈ ગઈ છે. તેઓ નાના વરાછા વિસ્તારની ગિરનાર સોસાયટીમાં જ રહેતા 85 વર્ષીય લાભુભાઈ દેવશીભાઈ રાદડિયા હોવાનું સામે આવ્યું છે. ઘટના અંગે કાપોદ્રા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ કાફલો પણ સ્થળ પર પહોંચી ગયો હતો. હાલ પોલીસે મૃતદેહનો કબ્જો મેળવીને પોસ્ટમોર્ટમ અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડ્યો છે. બપોરે 2 વાગ્યે ઘરેથી નીકળ્યા અને 3:45 વાગ્યે લાશ મળી
મૃતક લાભુભાઈના પરિવારજનોને આ દુખદ ઘટનાની જાણ કરવામાં આવતા જ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પરિવારના જણાવ્યા અનુસાર, લાભુભાઈ બપોરે આશરે 2:00 વાગ્યાની આસપાસ કોઈને કહ્યા વગર ઘરેથી નીકળી ગયા હતા. ત્યાર બાદ ગણતરીના સમયમાં જ એટલે કે બપોરે 3:45 કલાકે તેમનો મૃતદેહ તાપી નદીમાં તરતી હાલતમાં મળી આવ્યો હતો. મોતનું કારણ અકબંધ, પોલીસ તપાસ તેજ
85 વર્ષના વૃદ્ધનું તાપી નદીમાં ડૂબી જવાથી મોત નીપજતા અનેક સવાલો ઊભા થયા છે. લાભુભાઈ પગ લપસવાને કારણે નદીમાં પડી ગયા કે પછી કોઈ માનસિક તણાવમાં આવીને તેમણે આપઘાતનું પગલું ભર્યું, તે અંગે હાલ રહસ્ય સર્જાયું છે. આ મામલે કાપોદ્રા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને પીએમ રિપોર્ટ અને પરિવારના નિવેદનના આધારે આગળની વધુ તપાસ હાથ ધરી છે.
Read Original Article →