PMની અપીલ બાદ ગુજરાતીઓ ફોરેનની ટ્રિપ કેન્સલ કરવા લાગ્યા:સુરતની 3 યુવતી વિયેતનામના બદલે હવે દાર્જિલિંગમાં માણશે વેકેશન, ઇન્ટરનેશનલ ઇન્ક્વાયરીમાં 10થી 30%નો ઘટાડો

Gujarat5/13/2026, 12:30:00 AM
PMની અપીલ બાદ ગુજરાતીઓ ફોરેનની ટ્રિપ કેન્સલ કરવા લાગ્યા:સુરતની 3 યુવતી વિયેતનામના બદલે હવે દાર્જિલિંગમાં માણશે વેકેશન, ઇન્ટરનેશનલ ઇન્ક્વાયરીમાં 10થી 30%નો ઘટાડો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના અર્થતંત્રને મજબૂત કરવા માટે અને વધતી જતી આયાતને અંકુશમાં લાવવા માટે દેશવાસીઓને અપીલ કરી છે કે વિદેશમાં પ્રવાસ કરવાનું ટાળો અને ભારતમાં જ લગ્ન કરો. PMની અપીલના કારણે ટૂર એન્ડ ટ્રાવેલ્સ એજન્સીઓને તેમજ ઈવેન્ટ મેનેજમેન્ટ એજન્સીઓને કેટલો ફાયદો થશે તે જાણવાનો દિવ્ય ભાસ્કરે પ્રયાસ કર્યો છે. વડાપ્રધાનના નિવેદનના માત્ર 48 કલાકમાં જ ટ્રાવેલ માર્કેટમાં અસર જોવા મળી રહી છે. ખાસ કરીને ઉનાળુ વેકેશન માટે જે લોકો વિદેશ જવાના હતા, તેઓ હવે દેશના જ વિવિધ પ્રવાસન સ્થળો પર સ્વિચ થઈ રહ્યા છે. વિયેતનામ જવાનો પ્લાન કરી રહેલી સુરતની 3 યુવતીઓએ તેમની વિદેશી ટૂર રદ કરી દેશપ્રેમ અને આર્થિક હિતને પ્રાધાન્ય આપી સૌનું ધ્યાન ખેંચ્યું છે. PMના નિવેદન બાદ ટ્રાવેલ એજન્સીઓમાં ઈન્ક્વાયરી ઘટી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યારે ભારતીયોને વિદેશમાં લગ્ન કરવાને બદલે 'વેડ ઈન ઈન્ડિયા' અને વિદેશ પ્રવાસને બદલે દેશના સ્થળોને પ્રાધાન્ય આપવાની અપીલ કરી, ત્યારે તેની સીધી અસર હવે જમીની સ્તરે દેખાઈ રહી છે. ગુજરાતની અગ્રણી ટ્રાવેલ એજન્સીઓના જણાવ્યા અનુસાર, છેલ્લા બે દિવસથી ઇન્ટરનેશનલ ટ્રિપ માટે આવતી ઇન્ક્વાયરીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. જે લોકો અત્યાર સુધી દુબઈ, થાઈલેન્ડ કે વિયેતનામ જવા માટે ક્લોઝિંગ પર હતા, તેઓ હવે અચાનક પોતાના પ્લાન બદલી રહ્યા છે. 10થી 30% સુધી વિદેશી ટૂર કેન્સલ થવાની સંભાવના સુરતના ટ્રાવેલ એજન્ટ કુલદીપ સોનીએ જણાવ્યું હતું કે, પીએમ મોદીના નિવેદન પછી તરત જ 10% જેટલી અસર દેખાઈ રહી છે. ઘણા બુકિંગ જે ફાઇનલ સ્ટેજ પર હતા, તે અટકી ગયા છે. ગ્રાહકો હવે ડોમેસ્ટિક પેકેજની માગ કરી રહ્યા છે. આગામી દિવસોમાં આ અસર 30થી 50 ટકા સુધી વધવાની શક્યતા છે. લોકો હવે ઇન્ટરનેશનલ ટ્રિપ્સ કેન્સલ કરાવીને એ જ બજેટમાં ભારતના જ બેસ્ટ ડેસ્ટિનેશન પર જવા માટે ઉત્સુક છે. ટ્રાવેલ એજન્ટોના મતે, ડોમેસ્ટિક ટુરિઝમ વધવાને કારણે ભારતના સ્થાનિક રોજગારમાં મોટો ફાયદો થશે અને હોટલ ઉદ્યોગને પણ વેગ મળશે. વિદેશી હૂંડિયામણ બચશે ભારતીયો દર વર્ષે કરોડો રૂપિયા વિદેશી પ્રવાસ પાછળ ખર્ચે છે, જેનાથી વિદેશી હૂંડિયામણ બહાર જાય છે. વડાપ્રધાનના આહવાનનો મુખ્ય હેતુ આ નાણાં દેશમાં જ રહે અને સ્થાનિક પર્યટન સ્થળોનો વિકાસ થાય તે છે. પ્રવાસીઓમાં હવે એવી સમજણ કેળવાઈ રહી છે કે ભારતમાં પણ વિશ્વકક્ષાના સ્થળો ઉપલબ્ધ છે, તો પછી શા માટે વિદેશ જવું? આ માનસિકતાના કારણે વિદેશી હૂંડિયામણ બચશે અને દેશની ઈકોનોમી મજબૂત થશે. ટ્રાવેલર્સનો બદલાતો મિજાજ; સ્વિચ ટુ ડોમેસ્ટિક ટ્રાવેલ એજન્સીઓ પાસે આવતા ગ્રાહકો હવે ચોખ્ખું કહી રહ્યા છે કે અમને ભારતના જ સારા ડેસ્ટિનેશન બતાવો. કુલદીપ સોની કહે છે કે જે બુકિંગ ઈન્ટરનેશનલ માટે થઈ ગયા હતા, તેમાંથી પણ ઘણા લોકો હવે પૂછી રહ્યા છે કે શું આને ડોમેસ્ટિકમાં ફેરવી શકાય? લોકોનો આ બદલાયેલો મૂડ દર્શાવે છે કે વડાપ્રધાનની વાત સામાન્ય જનતાના દિલ સુધી પહોંચી છે. આવનારા સમયમાં જોવા મળી શકે મોટો ઉછાળો નિષ્ણાતોનું માનવું છે કે જો આ ટ્રેન્ડ ચાલુ રહ્યો તો આગામી શિયાળુ વેકેશન અને દિવાળી વેકેશનમાં ભારતનું પ્રવાસન ક્ષેત્ર રેકોર્ડ તોડશે. જે રીતે 10%થી શરૂ થયેલી આ અસર અત્યારે દેખાઈ રહી છે, તે જોતા ભવિષ્યમાં ડોમેસ્ટિક ટુરિઝમ 50% સુધી વધી શકે છે. પ્રવાસીઓ હવે માત્ર મોજમજા જ નહીં પણ રાષ્ટ્રના આર્થિક હિતને પણ ધ્યાનમાં રાખીને પોતાના વેકેશન પ્લાન કરી રહ્યા છે, જે એક હકારાત્મક સંકેત છે. 3 યુવતીઓની વિયેતનામ ટ્રીપ કેન્સલ સુરતમાં આ બદલાતા ટ્રેન્ડનું સૌથી મોટું ઉદાહરણ ભૂમિકા કદમ અને તેમની બે બહેનપણીઓ છે. ભૂમિકાએ જણાવ્યું કે તેઓ છેલ્લા 6-7 મહિનાથી વિયેતનામની તેમની પ્રથમ ઇન્ટરનેશનલ સોલો ટ્રિપનું પ્લાનિંગ કરી રહ્યા હતા. પરંતુ વડાપ્રધાનની અપીલ સાંભળ્યા બાદ તેમણે પરસ્પર સહમતીથી આ વિદેશી ટૂર કેન્સલ કરવાનો નિર્ણય લીધો છે. હવે આ ત્રણેય યુવતીઓ સિક્કિમ-દાર્જીલિંગના પ્રવાસે જશે. તેમણે અન્ય નાગરિકોને પણ અપીલ કરી છે કે દેશનું હૂંડિયામણ બચાવવા માટે અત્યારે ડોમેસ્ટિક ટૂર પર ધ્યાન આપવું જોઈએ. આપણે જ દેશના પ્રવાસનને ટેકો નહીં આપીએ તો કોણ આપશે? ભૂમિકા કદમે જણાવ્યું હતું કે, અમે વિયેતનામ માટે ખૂબ જ ઉત્સાહિત હતા, પણ પીએમના નિવેદન પછી અમને લાગ્યું કે જો આપણે જ આપણા દેશના પ્રવાસનને ટેકો નહીં આપીએ તો કોણ આપશે? એટલે જ અમે સિક્કિમ-દાર્જીલિંગ જવાનું નક્કી કર્યું છે. ‘દિવાળી પ્રવાસમાં અસર જોવા મળશે’ તો આ અંગે અમદાવાદથી અજય મોદી ટ્રાવેલ્સ એજન્સીના માલિક આલાપ મોદીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જે અપીલ કરી છે તે યોગ્ય છે. કારણ કે ઘણા બધા લોકોનું વિદેશ જવાનું સપનું હોય છે તેથી વિદેશનો પ્રવાસ કરતા હોય છે. પરંતુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અપીલ બાદ લોકો હવે વિદેશ જવાનું ટાળશે. ‘હોટલના ભાડા અને ફ્લાઈટની ટિકિટ મોંઘી થઈ શકે’ વધુમાં આલાપ મોદીએ જણાવ્યું હતું કે, વિદેશી પ્રવાસીઓ જો ભારતમાં પ્રવાસ કરશે તો પછી ડિમાન્ડ વધતા ભાવમાં પણ વધારો થઈ શકે છે. હોટલના ફ્લાઈટની ટિકિટના સહિતના ભાવમાં વધારો જોવા મળી શકે છે. તેમજ રોડ રસ્તા અને હોટલ સહિતની સુવિધાઓ દરેક સ્થળે મળવા લાગી છે તેથી લોકો ભારતનો પ્રવાસ વધુ કરી શકે છે. અત્યારે સૌથી વધુ લોકો કાશ્મીર, લેહ-લદાખ, હિમાચલ પ્રદેશ તેમજ આસામ અને સિક્કિમ વધુ પ્રવાસ કરી રહ્યા છે. જ્યારે દિવાળીના સમયમાં લોકો સાઉથમાં પ્રવાસ કરવાનું વધારે પસંદ કરતા હોય છે. તેમજ જે લોકો ઠંડી સહન કરી શકતા હોય તે લોકો નોર્થમાં પણ પ્રવાસ કરતા હોય છે. ભારતમાં પ્રવાસનું પેકેજ 20થી 70 હજાર સુધીનું ભારતમાં અને વિદેશના પ્રવાસના પેકેજને લઈને આલાપ મોદીએ જણાવ્યું હતું કે, ભારતમાં પ્રવાસ માટેનું પેકેજ 20 હજારથી લઈને 70 હજાર સુધીનું હોય છે. જ્યારે વિદેશમાં પ્રવાસ માટેનું પેકેજ 50 હજારથી શરૂ થઈને 7 લાખ સુધી હોય છે. તેમજ અલગ અલગ ડેસ્ટિનેશનના રાત્રિ રોકાણ પ્રમાણે પેકેજમાં વધારો-ઘટાડો થતો હોય છે. દ્વારકા, સોમનાથ, દીવ-દમણ, ગીરની ડિમાન્ડ વધશે અમદાવાદથી શ્રીનગર, અમદાવાદથી દિલ્હી, અમદાવાદથી કોચી અમદાવાદથી બેંગ્લોર સહિતની સીધી કનેક્ટિવિટી ખૂબ સારી છે. તેમજ ધાર્મિક ડેસ્ટિનેશનની વાત કરીએ તો અમદાવાદથી અયોધ્યા, અમદાવાદથી વારાણસીની સીધી ફ્લાઈટ મળી રહે છે. તેમજ હવે આવનાર સમયમાં ગુજરાતમાં પણ અનેક એવી જગ્યા છે જ્યાં લોકો વધારે જવાનું પસંદ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અપીલ બાદ ગુજરાતના ડેસ્ટિનેશન પર પ્રવાસ કરવાનું પણ લોકો વધારે પસંદ કરશે. દ્વારકા, સોમનાથ, દીવ-દમણ, ગીર સહિતના સ્થળો પર લોકોને ડિમાન્ડ વધશે. ‘ભારતના લોકોને ફાયદો થશે’ તો વડોદરા ટૂર એન્ડ ટ્રાવેલ્સ એસોસિયેશનના પ્રમુખ મનીષ શાહે જણાવ્યું હતું કે, વડાપ્રધાનની અપીલથી વિદેશના ટૂર એન્ડ ટ્રાવેલ્સના બિઝનેસને અસર થશે, જોકે, વડાપ્રધાનની અપીલ માનીને લોકો ભારતમાં ફરશે, તો ભારતના લોકોને જ ફાયદો થશે. ભારતની હોટલોને બિઝનેસ મળશે ટ્રાવેલ્સ એજન્ટને બિઝનેસ મળશે. સાથે સાથે ટ્રાવેલ અને ટ્રાન્સપોર્ટ સાથે જોડાયેલા તમામ બિઝનેસને ફાયદો થશે. જોકે હકીકત એ પણ છે કે આ વખતે ગરમીના કારણે ટૂર એન્ડ ટ્રાવેલ્સના બિઝનેસમાં અસર પડી છે. વડોદરામાં ગણતરીના કલાકોમાં જ વેડિંગ પ્લાનર્સ પાસે ઈન્ક્વાયરીનો ધસારો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઇકાલે વડોદરાથી દેશવાસીઓને વિદેશમાં લગ્ન કરવાને બદલે ભારતમાં જ ‘ડેસ્ટિનેશન વેડિંગ’ કરવા માટે જે અપીલ કરી છે, તેની સીધી અને હકારાત્મક અસર વેડિંગ ઇન્ડસ્ટ્રી પર જોવા મળી રહી છે. એક સ્થાનિક વેડિંગ પ્લાનરે આ અંગે દિવ્ય ભાસ્કર સાથે વાત કરી હતી. વડાપ્રધાનની જાહેરાત બાદ ગણતરીના કલાકોમાં જ વેડિંગ પ્લાનર્સ પાસે ઈન્ક્વાયરીનો ધસારો વધ્યો છે. ફ્લાઇટ્સના ભાડા વધતા વિદેશમાં લગ્ન મોંઘા લોકો હવે વિદેશ જવાને બદલે ઋષિકેશ,ગોવા અને ઉદયપુર જેવા ભારતીય શહેરોમાં લગ્ન કરવાનું આયોજન કરી રહ્યા છે. ઈન્ટરનેશનલ ફ્લાઇટ્સના વધતા ભાડાને કારણે વિદેશમાં લગ્ન કરવાનું આયોજન મોંઘું પડી રહ્યું છે, જ્યારે ભારતમાં તે વધુ પોષાય તેમ છે. વિદેશમાં લગ્ન કરવાથી મહેમાનોની સંખ્યા 150થી 200 સુધી સીમિત રાખવી પડતી હોય છે, જ્યારે ભારતમાં આ મર્યાદા રહેતી નથી. ‘ડેસ્ટિનેશન વેડિંગની ઈન્કવાયરી વધી’ વડોદરાના વેડિંગ પ્લાનર ચિરાગ શેઠે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વડોદરાથી વેડિંગ ઇન્ડસ્ટ્રી માટે જે જાહેરાત કરી છે, તેના કારણે સવારથી જ અમને ડેસ્ટિનેશન વેડિંગ માટેના અનેક કોલ્સ આવી રહ્યા છે. જે લોકો ઇન્ટરનેશનલ વેડિંગનું આયોજન કરી રહ્યા હતા, તેઓ હવે ભારતમાં જ લગ્ન કરવાનું વિચારી રહ્યા છે. અત્યાર સુધીમાં અમારી પાસે 10થી 15 નવી ઈન્ક્વાયરી આવી છે. હાલમાં એરલાઇન્સના ભાવ પણ ખૂબ વધી ગયા છે, તેથી ભારતમાં વેડિંગ પ્લાનિંગ કરવું એક ઉત્તમ વિકલ્પ છે. આનાથી ભારતીય વેડિંગ ઇન્ડસ્ટ્રીને મોટો ફાયદો થશે અને લોકો વધુ મહેમાનો સાથે લગ્નનો આનંદ માણી શકશે. ‘ભારતમાં વેડિંગ કરવાનો મેસેજ આવકારદાયક’ તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, જ્યારે પણ ઇન્ટરનેશનલ વેડિંગ પ્લાન થતું હોય, ત્યારે સામાન્ય રીતે મેક્સિમમ 200 ગેસ્ટ માટે આયોજન કરવામાં આવતું હોય છે. પરંતુ જો આપણે ભારતમાં ડેસ્ટિનેશન વેડિંગ કરીએ, તો આશરે 400 મહેમાનો માટે ખૂબ જ સરસ આયોજન થઈ શકે છે. આથી, આપણે ભારતમાં વેડિંગ કરીએ એ એક ખૂબ જ આવકારવા જેવો મેસેજ છે અને તે દરેક માટે ફાયદાકારક છે. ‘રોજગારીની તકો વધશે’ તેઓએ કહ્યું કે, આનાથી આપણા ભારતને ઘણો મોટો ફાયદો છે. વેડિંગ ઇન્ડસ્ટ્રી ખૂબ જ વિશાળ છે, જેમાં અનેક લોકો જોડાયેલા છે. જો ડેસ્ટિનેશન વેડિંગ ભારતમાં થાય તો હોટલ ઇન્ડસ્ટ્રી માટે કામ વધશે. લોકલ લોકોને રોજગારીની તકો મળશે. ફ્લોરલ ડેકોરેશન અને અન્ય ડેકોરેટર્સને અહીં જ કામ મળી રહેશે. કેટરર્સ પણ આમાં કામ કરી શકશે. ‘ઈવેન્ટ ઈન્ડસ્ટ્રીઝને ઘણો ફાયદો થશે’ અમદાવાદના ઇવેન્ટ પ્લાનર આનંદ દોશીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જે અપીલ કરી છે તેનાથી ઘણો બધો ફાયદો અમને થવાનો છે. તેમજ આપણા દેશમાં ઘણા બધા એવા ડેસ્ટિનેશન સારા છે જ્યાં લગ્ન થઈ શકે છે. વિદેશમાં જે પ્રકારનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે તેવું જ આપણા દેશમાં પણ મળી શકે છે. જે પણ વસ્તુ કરવી હોય તે તમામ આપણા દેશમાં ડેસ્ટિનેશન વેડિંગ માટે થઈ શકે છે. કારણ કે લોકો કરોડો રૂપિયા વિદેશમાં ડેસ્ટિનેશન વેડિંગ માટે ખર્ચ કરે છે જે આપણા દેશમાં રહેતા નથી અને બહારના દેશમાં જતા રહે છે. જેથી જો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અપીલનું લોકો પાલન કરશે તો ઇવેન્ટ ઇન્ડસ્ટ્રીને ઘણો ફાયદો થશે. કેરળ, ગોવા, ઉદયપુર હોટ ફેવરિટ વધુમાં આનંદ દોશીએ જણાવ્યું હતું કે, અમદાવાદના દર વર્ષે 300થી 400 લોકો વિદેશમાં ડેસ્ટિનેશન વેડિંગ કરતા હોય છે. જ્યારે ભારતના ઘણા બધા લોકો વિદેશમાં લગ્ન કરતા હોય છે. જે માટે અહીંયાથી લોકોને લઈ જવા ત્યાં બધી વ્યવસ્થા કરવી તે માટે ઘણો ખર્ચ થઈ જતો હોય છે. જેથી જો 50 ટકા લોકો પણ ભારતમાં લગ્ન કરતાં થાય તો આપણા ઇવેન્ટ ઇન્ડસ્ટ્રીને ઘણો બધો ફાયદો થઈ શકે છે. કેરળ, ગોવા, ઉદયપુર સહિતના અનેક સ્થળો પર ડેસ્ટિનેશન વેડિંગ ખૂબ સારી રીતે થઈ શકે છે. ગુજરાતમાં ડેસ્ટિનેશન વેડિંગ વધે તે માટે પણ સરકાર પ્રયાસ કરી રહી છે. ‘ઈવેન્ટ ઇન્ડસ્ટ્રીને ફાયદો થશે’ વિદેશમાં લગ્નના ખર્ચ અંગે આનંદ દોશીએ જણાવ્યું હતું કે, વિદેશમાં જો લગ્ન કરવા જઈએ તો સૌથી સસ્તા શહેરમાં પણ 3થી 4 કરોડ રૂપિયાનો ખર્ચ થઈ શકે છે. જ્યારે બીજી મોંઘી સિટીઓમાં તો આ ખર્ચ વધી શકે છે. તેમજ તે બાદ આવવા જવાની ટિકિટ પણ અલગથી ખર્ચ કરવી પડતી હોય છે. જેથી લોકો ભારતમાં લગ્ન કરવા લાગશે તો દેશના ઇવેન્ટ ઇન્ડસ્ટ્રીને ફાયદો થશે સાથે સાથે નાના-મોટા કારીગરોને પણ રોજગારી મળી રહેશે અને તે લોકોને પણ ઘણો બધો ફાયદો થવાનો છે.
Read Original Article →