સુરત પોલીસે યુપીના મિર્જાપુરમાં જીવના જોખમે આરોપીને દબોચ્યો:વેશપલટો કરી 13 વર્ષીય કિશોરીના અપહરણ અને દુષ્કર્મના આરોપીને પકડી પાડ્યો

Gujarat5/26/2026, 7:55:34 AM
સુરત પોલીસે યુપીના મિર્જાપુરમાં જીવના જોખમે આરોપીને દબોચ્યો:વેશપલટો કરી 13 વર્ષીય કિશોરીના અપહરણ અને દુષ્કર્મના આરોપીને પકડી પાડ્યો
સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમાંથી ગતવર્ષે એક સગીર વયની બાળકીને લગ્નની લાલચ આપી અપહરણ કરી જવાના અને તેની પર દુષ્કર્મ આચરવાના ગંભીર ગુનામાં કાપોદ્રા પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે ઉત્તર પ્રદેશના અત્યંત ભયજનક અને દહેશતવાળા મિર્જાપુરના બિહડ વિસ્તારમાં જીવના જોખમે ગુપ્ત ઓપરેશન પાર પાડી આરોપીને ભોગ બનનાર બાળકી સાથે દબોચી લીધો છે. લગ્નની લાલચ આપી 13 વર્ષની કિશોરીનું અપહરણ કરાયું હતું પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ગત તા. 16 જુલાઈ 2025ના રોજ કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં એક પિતાએ ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યું હતું કે, તેમની 13 વર્ષની સગીર દીકરીને ગત તા. 14 જુલાઈ 2025ના રોજ બપોરે બે વાગ્યાની આસપાસ કોઈ અજ્ઞાત ઇસમ કાયદેસરના વાલીપણામાંથી લલચાવી-ફોસલાવીને અપહરણ કરી ગયો છે. આ મામલે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. યુપીના 'મિર્જાપુર' કનેક્શનનો પર્દાફાશ, પોલીસ પર હુમલાનો ઈતિહાસ ધરાવતો વિસ્તાર કાપોદ્રા પોલીસ ઇન્સ્પેક્ટર એમ.આર. સોલંકીના માર્ગદર્શન હેઠળ વુમન પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન.એ. પટેલ આ કેસની ઝીણવટભરી તપાસ ચલાવી રહ્યા હતા. ટેકનિકલ સર્વેલન્સ અને કડીઓ મેળવતા માલૂમ પડ્યું કે, બાળકીનું અપહરણ કરનાર ઉત્તર પ્રદેશના મિર્જાપુર જિલ્લાનો આકાશ નિશાદ નામનો યુવક છે. જોકે, જે વિસ્તારમાં આરોપી છુપાયો હતો તે મિર્જાપુરનો બિહડ વિસ્તાર ભૂતકાળમાં પોલીસ ટીમો પર હુમલા અને એસોર્ટના બનાવો માટે કુખ્યાત હતો, જ્યાં તપાસમાં જવું એટલે જાનનું જોખમ ખેડવા બરાબર હતું. વેશપલટો કરી પોલીસે રાખી છૂપી નજર, આખરે આરોપી આકાશ ઝડપાયો પરિસ્થિતિની ગંભીરતાને જોતાં કાપોદ્રા પોલીસની એક મજબૂત ઇન્વેસ્ટિગેશન ટીમ બનાવવામાં આવી હતી. જેમાં સર્વેલન્સ સ્ટાફના એ.એસ.આઈ. દામજીભાઈ ધનજીભાઈ તથા અ.પો.કો. રઘુભાઈ મગનભાઈને તાબડતોબ ઉત્તર પ્રદેશ મોકલવામાં આવ્યા. આ જાંબાઝ પોલીસકર્મીઓએ ભયાનક ગણાતા એ વિસ્તારમાં પોતાની ઓળખ છુપાવી વેશપલટો કરી સ્થાનિક હ્યુમન સોર્સીસની મદદ લીધી હતી. સતત રેકી કર્યા બાદ આખરે 23 વર્ષીય બેરોજગાર આરોપી આકાશકુમાર લુસાઈ નિશાદ (રહે. ગામ-નિફરા, તા. બિજયપુર, જી. મિર્જાપુર, યુપી) ને ભોગ બનનાર બાળકી સાથે સહીસલામત ઝડપી પાડવામાં આવ્યો હતો. પોક્સો અને દુષ્કર્મની ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ પોલીસે બાળકીને મુક્ત કરાવી આરોપીને સુરત લાવવાની તજવીજ હાથ ધરી છે. આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમો તેમજ જાતીય ગુનાઓ સામે બાળકોને રક્ષણ આપતો અધિનિયમ (POCSO) 2012ની કલમ 3(A), 4(2), 5(L), 6, 8 અને 12 હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરાઈ છે.
Read Original Article →