10.43 કરોડ કાપડ ઓળવી જનાર ઠગ ટોળકી ઝડપાઈ:શેરબજારના નામે 18 કરોડના ફ્રોડ કરનાર અને ઓનલાઇન શોપિંગના બહાને છેતરતી ગેંગને દબોચી લેવાઈ

Gujarat4/7/2026, 3:39:05 PM
10.43 કરોડ કાપડ ઓળવી જનાર ઠગ ટોળકી ઝડપાઈ:શેરબજારના નામે 18 કરોડના ફ્રોડ કરનાર અને ઓનલાઇન શોપિંગના બહાને છેતરતી ગેંગને દબોચી લેવાઈ
સુરત ઇકોસેલ અને ક્રાઈમ બ્રાંચે આધારકાર્ડમાં છેડછાડ કરી ટેક્સટાઈલ વેપારી સાથે 10.43 કરોડની છેતરપિંડી કરનાર તમિલનાડુની ગેંગને ઝડપી પાડી છે. બીજી તરફ, સાયબર ક્રાઈમ સેલે શેરબજારમાં ઉંચા નફાની લાલચ આપી લાખો રૂપિયા પડાવનાર રીઢા ગુનેગારની ધરપકડ કરી છે, જેના બેંક ખાતામાંથી 17.97 કરોડના શંકાસ્પદ વ્યવહારો મળી આવ્યા છે. આ ઉપરાંત, સારોલી વિસ્તારમાં ઓફિસ ખોલી ખોટી વેબસાઇટ દ્વારા ઓનલાઇન ઓર્ડર મેળવી છેતરપિંડી કરતી વધુ એક ટોળકીને મુદ્દામાલ સાથે દબોચી લેવામાં આવી છે. ટેક્સટાઈલ માર્કેટમાં 10.43 કરોડની ઠગાઈ સુરતના કાપડ બજારમાં વેપારીઓનો વિશ્વાસ જીતી કરોડોનો માલ પડાવી લેવાનું મોટું ષડયંત્ર ઇકોસેલ અને ક્રાઈમ બ્રાંચે ખુલ્લું પાડ્યું છે. આરોપીઓએ કર્ણાટકના મૈસુર ખાતે 'શિવમ ટ્રેડર્સ' નામે ખોટી પેઢી ઉભી કરી હતી. આ માટે તેઓએ પોતાના આધારકાર્ડમાં એડ્રેસ બદલીને બનાવટી દસ્તાવેજો તૈયાર કર્યા હતા. શરૂઆતમાં સુરતની ‘ઓશ્યનવેવ્સ’ ફર્મના વેપારી પાસેથી માલ ખરીદી સમયસર પેમેન્ટ કરી વિશ્વાસ કેળવ્યો હતો. ત્યારબાદ 2.84 કરોડના એડવાન્સ ચેકો આપીને કુલ 1,75,491 નંગ જેકાર્ડ સાડીઓ, જેની કિંમત 10,43,43,748/- થાય છે, તે વી.આર.એલ ટ્રાન્સપોર્ટ મારફતે મંગાવી લીધી હતી. 3 આરોપીની ધરપકડ માલ મળી ગયા બાદ આરોપીઓએ પેમેન્ટ ચુકવ્યું નહોતું અને આપેલા ચેકો પણ રિટર્ન થયા હતા. આ મામલે સચિન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા તપાસ હાથ ધરવામાં આવી હતી. ઇકોસેલે તમિલનાડુના કૃષ્ણા ગિરી જિલ્લાના ત્રણ શખ્સો રમેશ સાગાદેવન, માધૈયન મુરૂગન ઉર્ફે રાહુલ અને ગોવીંધરાજ સોકકાનની ધરપકડ કરી છે. આ ટોળકી ટેક્સટાઈલ માર્કેટમાં આ જ મોડસ ઓપરેન્ડીથી અન્ય વેપારીઓને પણ નિશાન બનાવતી હોવાની આશંકા સેવાઈ રહી છે. શેરબજારમાં રોકાણના નામે ફ્રોડ સુરત સાયબર ક્રાઈમ સેલે શેરબજારમાં રોકાણ કરી 300% નફો મેળવવાની લાલચ આપી છેતરપિંડી આચરતા હિરેન સોજીત્રા નામના આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપીઓ “Mo Prospera X” અને “Ares Diversified” જેવી બનાવટી ટ્રેડિંગ એપ્સ અને વેબસાઇટ બનાવી લોકો પાસે રજિસ્ટ્રેશન કરાવતા હતા. ફરિયાદીઓ પાસેથી લાખો રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા બાદ જ્યારે તેઓ નફો ઉપાડવા માંગતા ત્યારે ટેક્સ અને અન્ય ચાર્જના બહાને વધુ નાણાંની માંગણી કરી છેતરપિંડી આચરવામાં આવતી હતી. આ કેસમાં અગાઉ બે આરોપીઓ રાજેશ રૂડાણી અને પ્રફુલ માંડણકા પકડાઈ ચૂક્યા છે. આરોપીના ખાતામાં 17.97 કરોડના ટ્રાન્ઝેક્શન ધરપકડ કરાયેલા હિરેન સોજીત્રાની તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. તે 1.50% કમિશન પર સાયબર ફ્રોડ માટે બેંક એકાઉન્ટ પૂરા પાડતો હતો. તેના નામે રહેલા ઇન્ડસઇન્ડ બેંકના ખાતામાં ભારતભરમાંથી કુલ 12 જેટલી ફરિયાદીઓ નોંધાયેલી છે, જેમાં કુલ 17,97,11,348/- ના ફ્રોડની રકમ સંડોવાયેલી હોવાનું બહાર આવ્યું છે. આ આરોપી વિરુદ્ધ તેલંગાણા, તમિલનાડુ અને કર્ણાટકમાં પણ ગુનાઓ નોંધાયેલા છે. સારોલીમાં ઓનલાઇન શોપિંગના નામે ચાલતું રેકેટ પકડાયું સુરતના સારોલી વિસ્તારમાં આવેલા કોહીનુર-2 ટેક્સટાઈલ પ્લાઝામાં ઓફિસ ભાડે રાખી ઓનલાઇન શોપિંગના નામે લોકો સાથે છેતરપિંડી કરતી ટોળકીને સાયબર સેલે ઝડપી લીધી છે. બાતમીના આધારે કરવામાં આવેલી રેઇડમાં અંકિત અજુડીયા અને મૌલિક દુધાગરા નામના બે શખ્સો પકડાયા છે. આ શખ્સો સોશિયલ મીડિયા અને વેબસાઇટ પર કિંમતી કપડાંની આકર્ષક જાહેરાતો મૂકતા હતા. ગ્રાહકો જ્યારે ઓર્ડર આપે ત્યારે તેમની પાસેથી પ્રી-પેઇડ અથવા સીઓડી (COD) દ્વારા નાણાં મેળવી લેતા હતા, પરંતુ વસ્તુઓ મોકલતા નહોતા અથવા હલકી ગુણવત્તાનો માલ પધરાવી દેતા હતા. દેશભરમાં 3762 ઓર્ડર મેળવીને છેતરપિંડી કરી પોલીસે આ ઓફિસમાંથી 10 મોબાઈલ ફોન, અલગ-અલગ કંપનીના સિક્કા, સીપીયુ અને ચેકબુક સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ ટોળકીએ અત્યાર સુધીમાં દેશભરના વિવિધ રાજ્યોમાંથી 3762 ઓર્ડર મેળવી કુલ 22,86,685/- ની છેતરપિંડી આચરી છે. સાયબર ક્રાઈમે ગુનો નોંધી આરોપીઓ દ્વારા જે બેંક ખાતાઓમાં નાણાં મેળવવામાં આવ્યા હતા તેની વિગતો મેળવી આગળની તપાસ તેજ કરી છે.
Read Original Article →