સુરતમાં ખાડીપૂર રોકવા મનપા એક્શનમાં:દિલ્હીથી મંગાવેલા 4 સ્પેશિયલ 'ફ્લોટિંગ મશીનો'મેદાને, 540 કલાકમાં 7300 ઘન મીટર કચરો બહાર ફેંક્યો
સુરત શહેરમાં દર વર્ષે ચોમાસા દરમિયાન આવતા ખાડી પૂરની ગંભીર સમસ્યાને જડમૂળથી ઉખાડી ફેંકવા માટે આ વખતે મ્યુનિસિપલ કોર્પોરેશને પરંપરાગત પદ્ધતિઓ બાજુ પર મૂકીને અત્યંત આધુનિક 'ફ્લોટિંગ મશીનરી' પર પોતાનો સંપૂર્ણ દરોમદાર રાખ્યો છે. વહીવટી તંત્ર દ્વારા આ ખાસ મશીનોના ઉપયોગ માટે માર્ચ મહિનાથી જ પ્રી-મોન્સૂન એક્શન પ્લાન અંતર્ગત સઘન કામગીરી આરંભી દેવાઈ હતી. આ અદ્યતન હાઇટેક મશીનો લાવવાનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે, ખાડીના એવા દુર્ગમ ભાગો જ્યાં અત્યાર સુધી સામાન્ય પોકલેન પહોંચી શકતા નહોતા, ત્યાં આ મશીનો પાણી પર તરતા રહીને અંદર સુધી ઘૂસી શકે અને કચરાનો સંપૂર્ણ નિકાલ કરીને પૂરની સ્થિતિને આવતા પહેલા જ નિવારી શકે. પરંપરાગત મશીનોની મર્યાદા સામે નવો વ્યૂહ
ડેપ્યુટી કમિશનર ડી. સી. ભગવાકરે મશીનોના ડિપ્લોયમેન્ટ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, દર વર્ષે રૂટીનમાં વપરાતા કન્વેન્શનલ ટાઈપના પોકલેન મશીનો માત્ર ખાડીના કિનારા પરથી જ ડ્રેજીંગ કરી શકતા હતા, જેના કારણે બૂમની લંબાઈ ઓછી પડતી હતી. ભૂતકાળમાં લીંબાયત ઝોનમાં બૂમની ઓછી લંબાઈને કારણે બનેલી એક દુર્ઘટના બાદ કોર્પોરેશને આ વખતે લોન્ગ બૂમ પોકલેન અને ખાસ દિલ્હીથી મંગાવેલા ફ્લોટિંગ ટાઈપ મશીનોનું એવું અદભુત મિક્સ આયોજન કર્યું છે કે કચરો કાઢવાની કેપેસિટી અને કામની ઇફેક્ટિવનેસ બંને અનેક ગણી વધી ગઈ છે. આ અદ્યતન મશીનરીના પાવરફુલ પર્ફોર્મન્સને કારણે જ તંત્ર આ વખતે લો વેલી વિસ્તારોમાં ખાડી પૂર સામે 100% રાહત આપવાનો આત્મવિશ્વાસ ધરાવે છે. પ્રથમ રાઉન્ડ પૂર્ણ, 45 કિમીની સફાઈ સાથે બીજો રાઉન્ડ વેગવંતો
સુરત મહાનગરપાલિકાના સત્તાવાર ડેટા અનુસાર શહેરમાં કુલ 95 કિલોમીટર લાંબી ખાડી સફાઈની અત્યંત મહત્વની કામગીરી હાથ ધરવાની હોય છે. આ અંતર્ગત તમામ ઝોનમાં વહેંચણી કરીને સફાઈનો પ્રથમ રાઉન્ડ સંપૂર્ણપણે સફળતાપૂર્વક પૂર્ણ કરી દેવામાં આવ્યો છે. તંત્ર દ્વારા હાથ ધરાયેલી આ સઘન ઝુંબેશના ભાગરૂપે, બીજા રાઉન્ડની કામગીરી પણ અત્યંત વેગવંતી બની છે અને ગઈકાલ સુધીમાં 45 કિલોમીટર જેટલી લાંબી ખાડી સફાઈનું કામ આટોપી લેવાયું છે. બાકી બચેલી 50 કિલોમીટરની કામગીરી આગામી 20મી જૂન સુધીમાં અથવા તેનાથી પણ વહેલા પૂર્ણ કરી લેવા માટે ડેપ્યુટી કમિશનરના સીધા માર્ગદર્શન હેઠળ બે અલગ-અલગ એજન્સીઓ રાત-દિવસ કાર્યરત છે. આધુનિક ટેકનોલોજી માટે ₹3.40 કરોડની વિશેષ જોગવાઈ
આ સમગ્ર મેગા પ્રોજેક્ટ માટે મહાનગરપાલિકા દ્વારા કુલ 10 કરોડ રૂપિયાનું માતબર બજેટ ફાળવવામાં આવ્યું છે, જેમાંથી ખાસ ફ્લોટિંગ મશીનો માટે 3.40 કરોડ રૂપિયાની મોટી જોગવાઈ અલગથી કરવામાં આવી છે. દિલ્હીની એક્સપર્ટ એજન્સી દ્વારા કુલ 4 અદ્યતન એમ્ફિબિયન અને ફ્લોટિંગ મશીનો કોયલી ખાડી અને મીઠી ખાડી સહિતની તમામ નાની-મોટી ખાડીઓમાં ઉતારવામાં આવ્યા છે. આ મશીનોની વિશેષતા એ છે કે તે પાણીની સપાટી પર અત્યંત સરળતાથી તરી શકે છે અને સાથે-સાથે જમીન તથા ખાડી બંને પર એટલી જ ક્ષમતાથી કામ કરી શકે છે. ખાડીઓની પહોળાઈ મુજબ અલગ-અલગ મશીનો તૈનાત
દિલ્હીથી લાવવામાં આવેલા આ 4 મશીનોને બે અલગ-અલગ સાઈઝમાં વહેંચવામાં આવ્યા છે, જેથી કામગીરીની ઈફેક્ટિવનેસ વધારી શકાય. સાંકડી અને ઓછી પહોળાઈ ધરાવતી ખાડીઓ માટે નાની બકેટ સાઈઝ અને નાની બૂમ લંબાઈ ધરાવતા બે મશીનો તૈનાત કરાયા છે. જ્યારે મોટી, પહોળી અને ઊંડી ખાડીઓ માટે મોટા બકેટ સાઈઝ અને લાંબી બૂમ ધરાવતા બે વિશાળ મશીનો ડિપ્લોય કરવામાં આવ્યા છે. આ વ્યૂહાત્મક ગોઠવણને કારણે ભૂતકાળમાં જે વિસ્તારો સામાન્ય પોકલેનથી સાફ થઈ શકતા નહોતા, ત્યાં હવે અત્યંત અસરકારક રીતે સિલ્ટ અને ગંદકી દૂર કરવાનું કામ ચાલી રહ્યું છે. વૉટર ડેપ્થ વગર પણ ક્રાઉલિંગ કરવાની ક્ષમતા
આ ફ્લોટિંગ ટાઈપ મશીનરી ટેકનિકલ ભાષામાં ક્રાઉલર માઉન્ટેડ સિસ્ટમ પર કામ કરે છે. આ અદ્યતન ટેકનોલોજીનો સૌથી મોટો ફાયદો એ છે કે મશીનને આગળ વધવા કે ઓપરેટ થવા માટે કોઈ ચોક્કસ કે લઘુત્તમ પાણીની ઊંડાઈ હોવી અનિવાર્ય નથી. જો ખાડીમાં પાણીનું સ્તર ખૂબ ઓછું હોય, તો પણ આ મશીન પોતાના શક્તિશાળી ક્રાઉલર દ્વારા ક્રાઉલિંગ કરીને એટલે કે સરકીને પણ સરળતાથી આગળ વધી શકે છે. 4 વર્ષ પહેલા ઉધનાની કંકર ખાડીમાં આ પ્રયોગ આંશિક ધોરણે કરાયો હતો, જેને આ વર્ષે વ્યાપક સ્તરે લાગુ કરાયો છે. 540 કલાકમાં 7300 ઘન મીટર કચરો બહાર કઢાયો
મનપાના એન્જિનિયરિંગ વિભાગ દ્વારા સઘન સર્વે કરીને શહેરના 23 કિલોમીટર લાંબા સ્ટ્રેચને ખાસ આઇડેન્ટીફાય કરવામાં આવ્યા છે, જ્યાં વારંવાર પાણી ભરાવાની સમસ્યા થાય છે. જેમાંથી અત્યાર સુધીમાં 10.50 કિલોમીટર લાંબી ખાડીઓમાં અદ્યતન મશીનો દ્વારા તળિયામાં ન્યૂનતમ 1 મીટર સુધીનું ઊંડું ડ્રેજીંગ કરવામાં આવી રહ્યું છે. આ મશીનોએ સતત 540 કલાક જેટલું રેકોર્ડબ્રેક કામ કરીને અંદાજે 7300 ઘન મીટર જેટલો જંગી કચરો અને કાંપ બહાર કાઢ્યો છે, જેનાથી ખાડીની વહન ક્ષમતા બમણી થઈ ગઈ છે. બ્રિજના થાંભલાઓની નીચેથી પણ થશે લાઈવ સફાઈ
આ આખા એક્શન પ્લાન અંતર્ગત સૌથી મહત્વનો નિર્ણય ખાડી પર આવેલા નાના-મોટા તમામ બ્રિજ (પુલ) ની નીચે સફાઈ કરવાનો લેવાયો છે. સામાન્ય રીતે પુલના થાંભલાઓ (પિયર્સ) ની વચ્ચેનો ભાગ સાદા મશીનોથી બરાબર સાફ થઈ શકતો નથી, જેના કારણે 'અપફ્લક્સ' (પાણીનું સ્તર પાછળની તરફ વધવું) ની સ્થિતિ સર્જાય છે. આ વખતે ફ્લોટિંગ મશીનો સીધા પુલની નીચે ઉતારીને પ્રોપર સફાઈ કરાઈ રહી છે. ડેપ્યુટી કમિશનરે જણાવ્યું કે આ મશીનો ચોમાસા દરમિયાન પૂરની સ્થિતિમાં પણ ખાડીમાં જ રહેશે અને લાઈવ કચરો હટાવી જનતાને પૂરથી મોટી રાહત આપશે.
Read Original Article →