કાપડના શો-રૂમમા ભીષણ આગ, 5 માળની બિલ્ડિંગમા અફરાતફરી:સુરતમાં 2-3જા માળે બે પરિવાર ફસાયા ને મદદ માટે બૂમાબૂમ, 20થી વધુ લોકોના જીવ બચ્યા
સુરતના કોટ વિસ્તારમાં આવેલા લાલગેટના રાણી તળાવ રોડ પર આજે એક પાંચ માળની ઇમારતમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતાં સમગ્ર વિસ્તારમાં ભારે દોડધામ મચી ગઈ હતી. G+5 માળની આ ઇમારતમાં નીચે કાપડનો શો-રૂમ અને ઉપરના માળે રહેણાંક ફ્લેટ્સ આવેલા હોવાથી આગના પગલે ઉપર રહેતા પરિવારોના જીવ તાળવે ચોંટી ગયા હતા. 2-3જા માળે બે પરિવાર ફસાયા હતા જે મદદ માટે બારીઓમાંથી બૂમાબૂમ કરી રહ્યા હતાં. જોકે, ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડનો મોટો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવાની સાથે સાથે બિલ્ડિંગમાં ફસાયેલા 20થી વધુ લોકોનું દિલધડક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. કપડાંના શો-રૂમમાં આગ ભભૂકીને ઘૂમાડાના ગોટેગોટા
મળતી માહિતી મુજબ, રાણી તળાવ વિસ્તારમાં આવેલી 'હનીફા મંઝિલ' નામની ગ્રાઉન્ડ પ્લસ પાંચ માળની ઇમારતમાં આ દુર્ઘટના સર્જાઈ હતી. આ બિલ્ડિંગમાં નીચે એક કપડાંનો મોટો શો-રૂમ આવેલો છે, જેમાં અચાનક કોઈ કારણસર આગ ફાટી નીકળી હતી. કાપડનો જથ્થો હોવાને કારણે જોતજોતામાં આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને ધુમાડાના ગોટેગોટા આખી ઇમારતમાં પ્રસરી ગયા હતા. નીચે આગ લાગવાને કારણે ઉપરના માળે રહેતા લોકો નીચે ઉતરી શકે તેવી સ્થિતિ રહી નહોતી. 5 ફાયર સ્ટેશનની 8થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે દોડી ગઈ
આગની ઘટના અંગે કંટ્રોલ રૂમમાં મેસેજ મળતા જ સુરત મહાનગરપાલિકાનું ફાયર વિભાગ તાત્કાલિક એક્શન મોડમાં આવી ગયું હતું. લાલગેટ સહિત આસપાસના કુલ 5 અલગ-અલગ ફાયર સ્ટેશનની 8થી વધુ ફાયર ફાઈટરની ગાડીઓ તાબડતોબ ઘટનાસ્થળે રવાના કરી દેવામાં આવી હતી. ફાયરના જવાનોએ સ્થળ પર પહોંચીને તાત્કાલિક પાણીનો મારો ચલાવી આગને વધુ ફેલાતી અટકાવવાના પ્રયાસો શરૂ કરી દીધા હતા. 2 અને 3 માળે બે પરિવાર ફસાયા હતા , ટર્ન ટેબલ લેડરથી રેસ્ક્યુ
આગ લાગી ત્યારે ઇમારતના બીજા અને ત્રીજા માળે બે પરિવારોના સભ્યો હાજર હતા. નીચેથી સતત વધી રહેલી આગ અને કાળા ડિબાંગ ધુમાડા વચ્ચે ફસાયેલા આ લોકો ગભરાઈ ગયા હતા અને બારીઓમાંથી મદદ માટે બૂમાબૂમ કરવા લાગ્યા હતાં. પરિસ્થિતિની ગંભીરતા જોઈને ફાયર વિભાગે તાત્કાલિક આધુનિક ટર્ન ટેબલ લેડર મશીનનો ઉપયોગ કર્યો હતો. હવામાં ઊંચે સુધી પહોંચતી આ હાઇડ્રોલિક સીડીની મદદથી ફાયરના જવાનો ઉપરના માળ સુધી પહોંચ્યા હતા. ફાયર બ્રિગેડે 20થી વધુ લોકોના જીવ બચાવ્યા
ફાયર વિભાગના જાંબાઝ જવાનોએ પોતાની જાનના જોખમે ધુમાડાના સામ્રાજ્ય વચ્ચે બિલ્ડિંગમાં પ્રવેશ કરીને અને ટર્ન ટેબલ લેડરની મદદથી બીજા તથા ત્રીજા માળે ફસાયેલા બાળકો અને મહિલાઓ સહિત કુલ 20થી વધુ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું અનુમાન
સુરત ફાયર વિભાગની આ ત્વરિત અને સચોટ કામગીરીને કારણે એક મોટી જાનહાનિ ટળી ગઈ હતી અને તમામ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. હાલ આગ સંપૂર્ણપણે કાબૂમાં છે અને કૂલિંગની કામગીરી ચાલી રહી છે, જ્યારે આગ લાગવાનું પ્રાથમિક કારણ શોર્ટ સર્કિટ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આ પણ વાંચો સુરતમાં શોરૂમ નજીક સ્કોર્પિયો સળગી ને ટાયરો ફાટ્યા સુરતના ઉધના-મગદલ્લા રોડ પર આજે 9 જૂનના એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં નવી કાર ખરીદવા નીકળેલા એક સુખી પરિવારની ખુશીઓ પલભરમાં ચિંતામાં ફેરવાઈ ગઈ હતી. જોગણી માતા મંદિર નજીક 20 લાખ રુપિયાની મહિન્દ્રા સ્કોર્પિયો કારમાં અચાનક ભયાનક આગ ફાટી નીકળી હતી. જોતજોતામાં આખી કાર અગનગોળો બની ગઈ હતી અને તેના પાંચેય ટાયરો ધડાકાભેર ફાટતાં સમગ્ર વિસ્તારમાં ગભરાટ જેવો માહોલ સર્જાયો હતો. જોકે, કાર ચાલકની સમયસૂચકતાને કારણે કારમાં સવાર 3 બાળકો અને 2 મહિલાઓ સહિત 6 લોકોનો બચાવ થયો હતો. (વાંચો સંપૂર્ણ સમાચાર)
Read Original Article →