12 કલાકમાં 3 વિસ્તારમાં આગ:વેસુમાં હાઇડ્રોલિક પ્લેટફોર્મથી 60થી વધુ લોકોનું દિલધડક રેસ્ક્યુ, ડભોલીમાં કરોડોનો ઇ-કોમર્સ સામાન ખાક

Gujarat5/22/2026, 5:57:03 AM
12 કલાકમાં 3 વિસ્તારમાં આગ:વેસુમાં હાઇડ્રોલિક પ્લેટફોર્મથી 60થી વધુ લોકોનું દિલધડક રેસ્ક્યુ, ડભોલીમાં કરોડોનો ઇ-કોમર્સ સામાન ખાક
સુરત શહેરમાં છેલ્લા 12 કલાક દરમિયાન આગની ત્રણ મોટી અને ગંભીર ઘટનાઓ સામે આવતા સમગ્ર વહીવટી તંત્ર અને ફાયર બ્રિગેડમાં ભારે દોડધામ મચી ગઈ છે. ઉનાળાની આકરી ગરમી અને વધતા તાપમાન વચ્ચે શહેરના અલગ-અલગ ત્રણ છેડા પર લાગેલી આ ભીષણ આગને કારણે કરોડો રૂપિયાની સંપત્તિ બળીને ખાખ થઈ ગઈ છે. શહેરના પોશ ગણાતા વેસુ વિસ્તારમાં આવેલી હાઈરાઈઝ બિલ્ડિંગ, ડભોલીમાં આવેલું ઓનલાઈન ડિલિવરી પ્રોડક્ટ્સનું વિશાળ ગોડાઉન અને પાંડેસરા વિસ્તારમાં આવેલો એક ખુલ્લો પ્લોટ આગની ચપેટમાં આવ્યા હતા. જોકે, ફાયર વિભાગે હાઇરાઇઝ બિલ્ડિંગમાંથી અનેક રહીશોને મોતના મુખમાંથી ઉગારી લીધા છે. વેસુમાં જૈનમ ધ ગ્રાન્ડ અલ્ટીમાના સી ટાવરમાં આગ લાગી પહેલી મોટી ઘટના સુરતના સૌથી આધુનિક અને પોશ ગણાતા વેસુ વિસ્તારમાં આવેલી પ્રખ્યાત અગ્રવાલ સ્કૂલની નજીક સ્થિત 'જૈનમ ધ ગ્રાન્ડ અલ્ટીમા' નામના હાઇરાઇઝ એપાર્ટમેન્ટના સી-ટાવરમાં મોડી રાત્રે બની હતી. આ 13 માળની બિલ્ડિંગના નવમા અને દસમા માળે આવેલા ફ્લેટમાંથી અચાનક ધુમાડાના ગોટેગોટા અને આગની જ્વાળાઓ નીકળતી જોઈ આજુબાજુના રહીશો અને બિલ્ડિંગના લોકોમાં ચીસાચીસ મચી ગઈ હતી. બાલ્કનીમાં આવીને બચાવો-બચાવોની બૂમો પાડવા લાગ્યા મધ્યરાત્રિએ લાગેલી આ આગ સમયે મોટાભાગના પરિવારો ઘરમાં સૂતા હતા અને બિલ્ડિંગના દાદર તેમજ લોબીમાં ધુમાડો ભરાઈ જવાને કારણે ઉપરના માળના લોકો નીચે ઉતરી શક્યા ન હતા. તેઓ પોતાના ફ્લેટની બાલ્કનીમાં આવીને બચાવો-બચાવોની બૂમો પાડવા લાગ્યા હતા. 60થી વધુ લોકોને ક્રેન મારફતે સુરક્ષિત નીચે ઉતાર્યા ઘટનાની ગંભીરતા જોતા સ્થાનિક લોકોએ તાત્કાલિક ફાયર કંટ્રોલ રૂમને જાણ કરી હતી, જેના પગલે અદ્યતન 90 મીટરનું હાઇડ્રોલિક પ્લેટફોર્મ વાહન ઘટનાસ્થળે તહેનાત કરવામાં આવ્યું હતું. ફાયર વિભાગની ટીમે દિલધડક ઓપરેશન શરૂ કરીને બાલ્કનીઓમાં ફસાયેલા માસૂમ બાળકો, મહિલાઓ અને વડીલો સહિત 60થી વધુ લોકોને ક્રેન મારફતે સુરક્ષિત નીચે ઉતાર્યા હતા અને સાથે જ હાઇડ્રોલિક પ્લેટફોર્મની મદદથી બિલ્ડિંગની સમાંતર ઊંચાઈ પર જઈને સીધો આગ પર પાણીનો મારો ચલાવી લાંબી જહેમત બાદ કાબૂ મેળવ્યો હતો. ડિડોલીમાં ઇ-કોમર્સ કંપનીના ગોડાઉનમાં આગ આગની બીજી મોટી અને આર્થિક રીતે નુકસાનકારક ઘટના ડભોલી વિસ્તારમાંથી સામે આવી છે, જ્યાં ઓનલાઇન ખરીદી માટેની વસ્તુઓ સંગ્રહિત કરી રાખવાના એક વિશાળ ખાનગી ગોડાઉનમાં ગુરુવારે મોડી રાત્રે આશરે 3 વાગ્યાના સુમારે અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. આ ગોડાઉનમાં ઇ-કોમર્સ કંપનીઓ દ્વારા ઓનલાઇન વેચાણ માટે રાખવામાં આવેલો ઇલેક્ટ્રોનિક્સ સામાન, કપડાં, પ્લાસ્ટિકની વસ્તુઓ, હોમ એપ્લાયન્સિસ અને પેકિંગ માટેના કાર્ટન બોક્સનો મોટો જથ્થો હોવાથી આગે મિનિટોમાં જ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. કરોડોનો માલસામાન બળીને ખાક મધ્યરાત્રિના શાંત વાતાવરણમાં ગોડાઉનમાંથી ઉઠેલી આગની જ્વાળાઓ અને ધુમાડો દૂર-દૂરથી જોઈ શકાતો હતો, જેના કારણે આજુબાજુના વિસ્તારોમાં પણ લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગી હતી. આ ભીષણ આગમાં અંદર રાખેલો કરોડો રૂપિયાનો ઇ-કોમર્સનો માલસામાન સંપૂર્ણપણે બળીને ખાક થઈ ગયો છે, જેનાથી વેપારીઓને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ઘટનાની જાણ થતાં જ કતારગામ સહિત આસપાસના ફાયર સ્ટેશનની અનેક ટીમો ઘટનાસ્થળે દોડી આવી હતી અને ગોડાઉનની ચારેય તરફથી પાણીનો મારો ચલાવીને આગને વધુ ફેલાતી અટકાવવા માટે મોડી રાતથી સવાર સુધી યુદ્ધના ધોરણે કામગીરી કરી હતી. ડુંડી ગામના ખુલ્લા પ્લોટમાં કચરામાં આગ ત્રીજી ઘટના સુરતના ઔદ્યોગિક વિસ્તાર પાંડેસરા નજીક આવેલા ડુંડી ગામના એક ખુલ્લા પ્લોટમાં બની હતી, જ્યાં પ્લોટમાં પડેલા કચરા અથવા જ્વલનશીલ સામગ્રીમાં અચાનક આગ ફાટી નીકળતા સ્થાનિક વિસ્તારમાં અફરાતફરી અને નાસભાગનો માહોલ સર્જાયો હતો. આ ખુલ્લા પ્લોટમાં લાગેલી આગ એટલી ઝડપથી ફેલાઈ કે ત્યાં નજીકમાં પાર્ક કરેલી એક ઓટો રિક્ષા તેની ઝપેટમાં આવી ગઈ હતી અને જોતજોતામાં આખી રિક્ષા સળગીને ખાક થઈ ગઈ હતી. આસપાસ રહેણાંક ઝૂંપપટ્ટીઓ અને મકાનો હોવાથી જો આગ વધુ ફેલાઈ હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ શકી હોત, પરંતુ સ્થાનિક લોકોની સતર્કતાને કારણે પાંડેસરા અને ભેસ્તાન સ્ટેશનથી ફાયર વિભાગની બે ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ફાયરમેનોએ સમયસૂચકતા વાપરીને રિક્ષાની આસપાસના વિસ્તારમાં પાણીનો મારો ચલાવી આગને આગળ વધતી અટકાવી દીધી હતી અને થોડી જ વારમાં તેના પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો, જેથી સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી.
Read Original Article →