પથ્થર, ધોકા, બૂટ-ચપલથી ધિંગાણુ,VIDEO:સુરતમાં 15 હજારની લેતીદેતીમાં બે જૂથ જામી પડ્યા, રોડ પર ફિલ્મ દૃશ્યો સર્જાયા

Gujarat4/10/2026, 6:51:58 AM
પથ્થર, ધોકા, બૂટ-ચપલથી ધિંગાણુ,VIDEO:સુરતમાં 15 હજારની લેતીદેતીમાં બે જૂથ જામી પડ્યા, રોડ પર ફિલ્મ દૃશ્યો સર્જાયા
સુરતના અડાજણ વિસ્તારમાં હનીપાર્ક રોડ પર સાઈ સ્પોર્ટ્સ નામની દુકાનની સામે રુપિયાની લેતીદેતીમાં બે જૂથ વચ્ચે મારામારી થઈ હતી. ભીડભાડવાળા આ રસ્તા પર અચાનક જ સાતથી આઠ લોકો એકબીજા પર તૂટી પડ્યા હતા. આ મારામારી એટલી ઉગ્ર હતી કે આસપાસના વેપારીઓ અને રાહદારીઓમાં નાસભાગ મચી ગઈ હતી. સ્થાનિકોએ આ સમગ્ર ઘટનાના લાઈવ વીડિયો મોબાઈલમાં કેદ કર્યાં હતા. જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.સમગ્ર મુદ્દે પોલીસે બંન્ને પક્ષે સામસામે ફરિયાદ નોંધી છે. લાકડાના ફટકા, પથ્થર અને બૂટ-ચપલ વરસાવ્યા વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે બંને પક્ષના લોકો હાથમાં લાકડાના ફટકા લઈને એકબીજા પર હુમલો કરી રહ્યા છે. માત્ર લાકડીઓ જ નહીં, પણ રસ્તા પર પડેલા પથ્થરો અને ચપ્પલોથી પણ એકબીજાને માર મારી રહ્યા હતા. આ હિંસક અથડામણને કારણે હનીપાર્ક રોડ પર થોડીવાર માટે ટ્રાફિક જામ થઈ ગયો હતો અને લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. મારામારીમાં કેટલાકને નાની-મોટી ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. 15 હજાર રૂપિયા માટે ખેલાયો જંગ પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ મારામારી પાછળનું મુખ્ય કારણ આર્થિક વ્યવહાર હતો. આરોપી કાર્તિક ઓમ પ્રકાશ પ્રજાપતિને ધ્રુવ યાદવ પાસેથી 15,000 રૂપિયા લેવાના નીકળતા હતા. આ રકમની ઉઘરાણી બાબતે બંને વચ્ચે છેલ્લા કેટલાય સમયથી ખેંચતાણ ચાલી રહી હતી. શુક્રવારે આ બાબતે પહેલા ઉગ્ર બોલાચાલી થઈ હતી અને જોતજોતામાં મામલો બિચક્યો હતો. સામાન્ય રકમની લેતીદેતીમાં બંને પક્ષોએ હિંસક સ્વરૂપ ધારણ કરી રસ્તા પર જંગના મેદાન જેવી સ્થિતિ સર્જી દીધી હતી. બંન્ને પક્ષ સામસામે ફરિયાદ નોંધાવી આ ઘટના બાદ અડાજણ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે મામલો થાળે પાડી બંને પક્ષોને પોલીસ સ્ટેશન તેડાવ્યા હતા. સમગ્ર મામલે સામસામી ફરિયાદ નોંધવામાં આવી હતી. પ્રથમ ફરિયાદ ધ્રુવ યાદવે નોંધાવી છે, જેમાં કાર્તિક પ્રજાપતિને આરોપી બનાવવામાં આવ્યો હતો. જ્યારે બીજી તરફ, ઓમ પ્રકાશ પ્રજાપતિએ ફરિયાદ નોંધાવતા ધ્રુવ યાદવ અને સની આહીર સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે રાયોટિંગ અને મારામારીની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. CCTV અને વીડિયોના આધારે તપાસ તેજ અડાજણ પોલીસે ઘટનાસ્થળના CCTV ફૂટેજ તેમજ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા લાઈવ વીડિયોને પુરાવા તરીકે કબજે કર્યાં છે. વીડિયોમાં દેખાતા તમામ શખ્સોની ઓળખ કરી તેમની ધરપકડ કરવાની તજવીજ શરૂ કરવામાં આવી છે. પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, જાહેર રોડ પર આ પ્રકારે આતંક મચાવનારા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે જેથી ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન બને. હાલ આ વિસ્તારમાં શાંતિ છે, પરંતુ ગુંડાગીરીને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
Read Original Article →