પિતા-પુત્ર પર ચપ્પુથી જીવલેણ હુમલો:રૂપિયા આપવાના બહાને બોલાવી હત્યાનો પ્રયાસ,હુમલાખોર પિતા-પુત્રની ધરપકડ,પત્નીને ભગાવવામાં સાળીની સંડોવણીની શંકા હતી

Gujarat6/5/2026, 8:01:13 AM
પિતા-પુત્ર પર ચપ્પુથી જીવલેણ હુમલો:રૂપિયા આપવાના બહાને બોલાવી હત્યાનો પ્રયાસ,હુમલાખોર પિતા-પુત્રની ધરપકડ,પત્નીને ભગાવવામાં સાળીની સંડોવણીની શંકા હતી
સુરતના વરાછા વિસ્તારમાં કૌટુંબિક ઝઘડામાં પિતા-પુત્રની હત્યાના ઈરાદે સાઢુભાઈ અને તેના 18 વર્ષના પુત્રએ ચપ્પુના ઘા ઝીંકી જીવલેણ હુમલો કર્યો હોવાની સનસનાટીભરી ઘટના સામે આવી છે.રૂપિયા પરત આપવાના બહાને ચાની કીટલી પર બોલાવીને આ લોહિયાળ ખેલ ખેલવામાં આવ્યો હતો.ઘટનાની ગંભીરતાને જોતાં વરાછા પોલીસે તત્કાલીન ધોરણે ગુનો નોંધી હુમલાખોર પિતા-પુત્રની ધરપકડ કરી લીધી છે. બાકી નીકળતા રૂપિયા લેવા ચાની કીટલી પર બોલાવ્યા પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ,વરાછા સીતાનગર ચોકડી પાસે શ્રીનાથ સોસાયટીમાં 21 વર્ષીય ગૌતમ સોંડાગર પોતાના પરિવાર સાથે રહે છે અને મિનીબજારમાં હીરાના કારખાનામાં નોકરી કરે છે. 4 જૂને ગૌતમને ચામુંડાનગર સોસાયટીમાં રહેતા માસા જગદીશ યાદવ (ઉ.વ. 48)નો ફોન આવ્યો હતો.જગદીશે બાકી નીકળતા રૂપિયા પરત આપવાના બહાને ગૌતમને સીતાનગર ચોકડી પાસે આવેલા ખેતલાઆપા ટી-સ્ટોલ પર બોલાવ્યો હતો.જોકે,ગૌતમ પોતે બહાર હોવાથી તેણે પોતાના પિતા દિનેશભાઈ સોંડાગર અને મોટાભાઈ વિપુલને રૂપિયા લેવા માટે મોકલ્યા હતા. પિતા-પુત્ર લોહીલુહાણ હાલતમાં મળ્યા રાત્રે સાડા નવ વાગ્યાની આસપાસ ગૌતમના મોબાઈલ પર એક અજાણ્યા વ્યક્તિનો ફોન આવ્યો હતો,જેણે જણાવ્યું કે તેના પિતા અને ભાઈ પર જીવલેણ હુમલો થયો છે.ગૌતમ તાત્કાલિક ઘટનાસ્થળે અને ત્યારબાદ હોસ્પિટલ પહોંચ્યો હતો.હુમલાખોરોએ પિતા દિનેશભાઈને પેટ,જમણા ખભા, હાથ અને માથાના ભાગે ચપ્પુના ઉપરાઉપરી ઘા માર્યા હતા.જ્યારે મોટાભાઈ વિપુલને છાતીના મધ્ય ભાગમાં તીક્ષ્ણ હથિયારનો ઊંડો ઘા ઝીંકી દીધો હતો.બંનેને અત્યંત ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. માતાના મૈત્રી કરાર અને સાળી પર શંકા હુમલાનું કારણ બની પોલીસ ફરિયાદમાં ખુલાસો થયો છે કે 28 એપ્રિલ,2026 ના દિવસે ગૌતમના માતા મંગુબેન ઘરેથી અચાનક ગુમ થઈ ગયા હતા.જે અંગે વરાછા પોલીસમાં મિસિંગ ફરિયાદ પણ થઈ હતી. બાદમાં જાણવા મળ્યું હતું કે મંગુબેન વતન ભાવનગરમાં ભરત રાઠોડ નામના શખ્સ સાથે મૈત્રી કરાર કરીને રહેવા લાગ્યા છે.સોંડાગર પરિવારને આશંકા હતી કે માતાને ભગાડવામાં તેમના માસી ભાવુબેન (જગદીશ યાદવની પત્ની)ની મોટી સંડોવણી છે.આ શંકાના કારણે બંને પરિવારો વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ભારે તણાવ અને ઝઘડા ચાલતા હતા. બંને હુમલાખોરોને પોલીસે દબોચી લીધા આ કૌટુંબિક અદાવતનો બદલો લેવા માટે માસા જગદીશ યાદવ અને તેના 18 વર્ષના પુત્ર માનવ યાદવે કાવતરું ઘડ્યું હતું અને નાણાં આપવાના બહાને બોલાવી પિતા-પુત્રની હત્યાનો પ્રયાસ કર્યો હતો.ઘટનાની જાણ થતાં જ વરાછા પોલીસનો કાફલો હોસ્પિટલ અને ઘટનાસ્થળે દોડી ગયો હતો.પોલીસે ગૌતમ સોંડાગરની ફરિયાદના આધારે હત્યાની કોશિશની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો.સબ ઈન્સ્પેક્ટર પી.બી.ગોલે ટેકનિકલ સોર્સ અને બાતમીદારોની મદદથી હુમલાખોર પિતા-પુત્ર જગદીશ અને માનવ યાદવની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Read Original Article →