કિન્નરોની મદદ કરવી ભારે પડી:રડતી બાળકીને ફેરવવા નીકળેલા પરિવાર પર હુમલો, 'કિન્નરો તમારા શું સગા થાય છે?' કહી હુમલો કર્યો, ચારની ધરપકડ
સુરતના ખટોદરા વિસ્તારમાં માનવતા અને કાયદો-વ્યવસ્થાને શરમાવે એવી ઘટના સામે આવી છે. 7 એપ્રિલ, 2026ની મોડી રાત્રે રડતી નવ મહિનાની બાળકીને શાંત રાખવા બહાર આંટો મારવા નીકળેલા એક પરિવાર પર ચાર શખસોએ ઘાતક હુમલો કર્યો હતો. રિંગ રોડ પર આવેલી ચામુંડા હોટલ પાસે કિન્નરોની મદદ કરવા ગયેલા આ પરિવાર સાથે આરોપીઓએ તકરાર કરી હતી, જે હિંસક સ્વરૂપ ધારણ કરી લેતા આરોપીઓએ રાકેશ નામના યુવકને પેટમાં ચપ્પુના ઉપરા-છાપરી ઘા મારી હત્યાની કોશિશ કરી હતી. આ મામલે પોલીસે બંને પક્ષે ફરિયાદ નોંધી હુમલાખોરોની ધરપકડ કરી લીધી છે. ચાર આરોપીની ધરપકડ કરાઈ છે. 9 મહિનાની દીકરી ગત રાત્રે સતત રડી રહી હતી
સુરત શહેરના ઉધના વિસ્તારમાં આવેલ પટેલ નગર પાસે હરીનગર-2ની પાછળ હેગડેવાર વસાહતમાં રહેતા રાકેશ એકનાથ મોહિતેના મિત્ર રાહુલની 9 મહિનાની દીકરી ગત રાત્રે સતત રડી રહી હતી. બાળકી શાંત ન થતા તેની માતા ઈશાએ રાહુલને દીકરીને બહાર આંટો મરાવી લાવવા જણાવ્યું હતું. આથી, રાકેશ, રાહુલ અને અજય એક બાઈક પર તથા રાહુલની પત્ની ઈશા, દક્ષા, નયન અને અન્ય સગા-સંબંધીઓ એક રિક્ષામાં રાત્રિના સમયે બહાર નીકળ્યા હતા. કોઈને કલ્પના પણ નહોતી કે, રડતી બાળકીને શાંત રાખવા નીકળેલા આ પરિવાર માટે આ રાત લોહિયાળ સાબિત થશે. ચામુંડા હોટેલ પાસે ચા-નાસ્તા દરમિયાન સર્જાયો વિવાદ
આ આખો પરિવાર ફરતા-ફરતા રાત્રિના આશરે સવા ત્રણ વાગ્યાના અરસામાં રિંગરોડ પર આવેલી જૂની સબજેલની સામે ચામુંડા હોટલ પાસે ચા-નાસ્તો કરવા માટે રોકાયો હતો. આ જ સમયે ત્યાં મનોજ ઉર્ફે મન્યો ચીરો (રહે. ડીડોલી), અક્ષય ઉર્ફે આદિ, વૈભવ કુલે અને પ્રણવ નામના ચાર શખ્સો હાજર હતા. આ ચારેય શખસો ત્યાં હાજર કિન્નરોની મજાક-મસ્તી કરીને તેમને પરેશાન કરી રહ્યા હતા. આ જોઈને કિન્નરોએ રાહુલની પત્ની ઈશા પાસે મદદ માંગી હતી અને પોતાની પાસે પડેલી ચાવી લાવી આપવા વિનંતી કરી હતી. 'કિન્નરો તમારા શું સગા થાય છે?' કહી હુમલો કર્યો
જ્યારે ઈશા કિન્નરોની મદદ કરવા માટે ચાવી લેવા ગઈ ત્યારે આરોપીઓ એકદમ ઉશ્કેરાઈ ગયા હતા. તેઓએ પરિવારને લપડાક મારતા કહ્યું કે, "આ કિન્નરો તમારા શું સગા થાય છે? તમે કેમ તેમની મદદ કરો છો?" આટલું કહીને આરોપીઓએ ગાળાગાળી શરૂ કરી દીધી હતી. રાકેશ અને રાહુલે વચ્ચે પડીને અપશબ્દો બોલવાની મનાઈ કરતા ચારેય શખ્સોએ ઉશ્કેરાઈને પરિવારના સભ્યોને ઢીંક-મુક્કીનો ઢોર માર મારવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન હોટલ પર હાજર અન્ય લોકોમાં પણ ફફડાટ ફેલાઈ ગયો હતો. પેટના ભાગે ચપ્પુના ઉપરા-છાપરી ઘા ઝીંક્યા
મારપીટ દરમિયાન મામલો વધુ બિચક્યો હતો. આરોપી અક્ષય ઉર્ફે આદીએ રાકેશને સંબોધીને ધમકી આપી હતી કે, "આજે તમને બતાવીએ કે અમે કોણ છીએ, આજે તારો ખેલ પૂરો કરી નાખીશ." આટલું બોલી તેણે પોતાની પાસે રહેલું તીક્ષ્ણ ચપ્પુ કાઢી રાકેશને જાનથી મારી નાખવાના ઈરાદે પેટના ભાગે ઉપરા-છાપરી ઘા ઝીંકી દીધા હતા. રાકેશ લોહીલુહાણ થઈ જમીન પર ઢળી પડ્યો હતો. બચાવવા વચ્ચે આવેલા તેના મિત્ર નયનને પણ આરોપીઓએ ચપ્પુના ઘા માર્યા હતા અને ત્યારબાદ ચારેય હુમલાખોરો અંધારાનો લાભ લઈ ઘટનાસ્થળેથી નાસી છૂટ્યા હતા. પોલીસે હત્યાની કોશિશનો ગુનો દાખલ કર્યો
ઘટના બાદ લોહીલુહાણ હાલતમાં રાકેશ અને નયનને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં રાકેશની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે ભોગ બનનાર રાકેશ મોહિતેએ ખટોદરા પોલીસ મથકમાં મનોજ, અક્ષય, વૈભવ અને પ્રણવ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ ચારેય શખ્સો સામે ભારતીય ન્યાય સંહિતાની ગંભીર કલમો અને હત્યાની કોશિશ હેઠળ ગુનો દાખલ કરીને તપાસનો ધમધમાટ તેજ કર્યો હતો. હુમલાખોરોએ પણ પોલીસમાં સામે ફરિયાદ નોંધાવી
બીજી તરફ, આ ઘટનામાં નવો વળાંક ત્યારે આવ્યો જ્યારે હુમલો કરનારા શખ્સો પૈકી મનોજ ઉર્ફે મન્યો રાજેન્દ્ર પાટીલે પણ સામી ફરિયાદ નોંધાવી. મનોજે આક્ષેપ કર્યો હતો કે રાકેશ ઉર્ફે બાલા અને તેના મિત્રોએ જ તેમની સાથે ઝઘડો શરૂ કર્યો હતો. કિન્નરો સાથેના વિવાદમાં રાકેશે તેમને ઉશ્કેરાઈને ગાળો આપી હતી અને મારામારીની શરૂઆત કરી હતી. આથી પોલીસે રાકેશ અને અન્ય બે અજાણ્યા ઈસમો સામે મારામારીનો ગુનો નોંધીને બંને પક્ષોની વાલીપણાની તપાસ હાથ ધરી છે. ખટોદરા પોલીસે ચારેય આરોપીઓની ધરપકડ કરી
શહેરના જાહેર માર્ગ પર રાત્રિના સમયે બનેલી આ ઘટનાને પગલે પોલીસ કમિશનર દ્વારા પણ કડક સૂચના આપવામાં આવી હતી. ખટોદરા પોલીસની ટીમે ગણતરીના કલાકોમાં જ ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોના આધારે મનોજ ઉર્ફે મન્યો ચીરો, અક્ષય ઉર્ફે આદિ, વૈભવ અને પ્રણવની ધરપકડ કરી લીધી છે. હાલમાં પોલીસ આરોપીઓના ગુનાહિત ઈતિહાસની પણ તપાસ કરી રહી છે અને હોટલ પાસેના સીસીટીવી ફૂટેજ કબજે કરીને પુરાવા એકત્ર કરવાની તજવીજ હાથ ધરી છે.
Read Original Article →