સુરતના કોસાડ આવાસમાં હથિયારો સાથે આતંક,VIDEO:પરિવાર પર જીવલેણ હુમલો કરી ત્રણ સભ્યોને ગંભીર ઈજા પહોંચાડી, ટોળકીના 8 સાગરીતો ગણતરીની કલાકોમાં ઝડપાયા

Gujarat5/15/2026, 7:24:49 AM
સુરતના કોસાડ આવાસમાં હથિયારો સાથે આતંક,VIDEO:પરિવાર પર જીવલેણ હુમલો કરી ત્રણ સભ્યોને ગંભીર ઈજા પહોંચાડી, ટોળકીના 8 સાગરીતો ગણતરીની કલાકોમાં ઝડપાયા
સુરતના અમરોલી વિસ્તારમાં આવેલા કોસાડ આવાસમાં મોડી રાત્રે જૂની અદાવતમાં હથિયારો સાથે ધસી આવેલા અસામાજિક તત્વોએ રીતસરનો આતંક મચાવ્યો હતો. આ ટોળકીએ એક પરિવાર પર જીવલેણ હુમલો કરી ત્રણ સભ્યોને ગંભીર ઈજા પહોંચાડી હતી અને વાહનોમાં તોડફોડ કરી આશરે 30,000નું નુકસાન કર્યું હતું. જોકે, અમરોલી પોલીસે ત્વરિત કાર્યવાહી કરી ગણતરીની કલાકોમાં જ મુખ્ય આરોપીઓ સહિત 8 શખ્સોને દબોચી લીધા છે. 16 જેટલા શખ્સોના ટોળાએ છરી, ચપ્પુ અને લોખંડના પાઈપોથી આતંક મચાવ્યો આ ઘટનાની વિગત મુજબ, ગત 14 મે 2026ના રોજ રાત્રે આશરે 12:30 વાગ્યાના સુમારે કોસાડ આવાસ બિલ્ડીંગ નં. 31 પાસે 16 જેટલા શખ્સોનું ટોળું છરી, ચપ્પુ અને લોખંડના પાઈપો જેવા ઘાતક હથિયારો સાથે ધસી આવ્યું હતું. હુમલાખોરોએ 29 વર્ષીય ચાંદનીબેનના પરિવારને ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ આરોપીઓએ ચપ્પુ વડે હુમલો કરી ફરિયાદીના સાસુ, ભાઈ અને નણંદને ઇજાઓ પહોંચાડી હતી. આટલેથી ન અટકતા, આરોપીઓએ બિલ્ડીંગ નીચે પાર્ક કરેલા વાહનોમાં તોડફોડ કરી આતંક ફેલાવ્યો હતો. 8 આરોપીઓને ઝડપી પાડ્યા બનાવ અંગેની જાણ થતા જ અમરોલી પોલીસની ટીમે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી સર્વેલન્સ સ્ટાફની મદદથી બાતમીદારો અને ટેકનિકલ સર્વેલન્સના આધારે 8 આરોપીઓને ઝડપી પાડ્યા છે. ઝડપાયેલા આરોપીઓમાં કાર્તિક ઉર્ફે પિન્ટુ રાઠોડ, ચિરાગ રાઠોડ, રાહુલ ઉર્ફે બટાકુ પારઘી, રોનક રાઠોડ, અલ્પેશ વસાવા, વિક્કી સોનવણે, પરેશ પારઘી અને અરમાન પરીડાનો સમાવેશ થાય છે. આ સફળ કામગીરી અમરોલી પી.આઈ. જે.બી. વનાર અને સેકન્ડ પી.આઈ. ડી.કે. પટેલના માર્ગદર્શન હેઠળ પો.સ.ઈ. જે.જી. કામળીયા તથા સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓએ ટીમવર્કથી પાર પાડી છે. પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આ ગુનામાં સંડોવાયેલા અન્ય ફરાર આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.
Read Original Article →