સુરતમાં બકરી ઈદ પૂર્વે નકલી નોટોનું મસમોટું નેટવર્ક:ઝારખંડ કનેક્શન ખુલતા ATS, ક્રાઈમ બ્રાન્ચ અને IB એલર્ટ; સ્ટીચીંગના ધંધાની આડમાં ચાલતા રેકેટનો પર્દાફાશ
સુરતના સચિન-પલસાણા રોડ પરથી ઝડપાયેલું નકલી નોટોનું નેટવર્ક માત્ર એક સ્થાનિક છેતરપિંડીનો ગુનો નથી, પરંતુ તેની પાછળ રાષ્ટ્રીય સુરક્ષાને જોખમાવતું મસમોટું ષડયંત્ર હોવાની આશંકા સેવાઈ રહી છે. બકરી ઈદના તહેવારનો લાભ ઉઠાવીને બજારમાં નકલી નોટો ઘુસાડવાના આ રેકેટની ગંભીરતાને જોતાં હવે આ સમગ્ર નેટવર્કની તપાસમાં ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS), સુરત ક્રાઈમ બ્રાન્ચ અને ઇન્ટેલિજન્સ બ્યુરો (IB) જેવી સર્વોચ્ચ એજન્સીઓ જોડાઈ છે. પ્રાથમિક ઇનપુટ્સના આધારે એવું મનાઈ રહ્યું છે કે આ રેકેટના તાર દેશના અન્ય રાજ્યો સાથે જોડાયેલા છે, જેને પગલે એજન્સીઓ પણ સક્રિય થઈ ગઈ છે અને આરોપીઓની આકરી પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે. ઝારખંડથી લાવવામાં આવતી હતી નકલી નોટો
સચિન પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપીઓએ ચોંકાવનારો ખુલાસો કર્યો છે કે આ ગુનામાં વપરાયેલી તમામ જાલી નોટો છેક ઝારખંડથી સુરત લાવવામાં આવી હતી. પકડાયેલા આરોપીઓએ ઝારખંડના એક મુખ્ય હેન્ડલરનું નામ ઓક્યું છે, જે આ આખા નેટવર્કનો માસ્ટરમાઇન્ડ હોવાનું મનાય છે. આ વ્યક્તિ જ જથ્થાબંધ પ્રમાણમાં રૂ. 500 ના દરની હૂબહૂ અસલી દેખાતી નકલી નોટો સપ્લાય કરતો હતો. હાલમાં સચિન પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની એક વિશેષ ટીમ આ મુખ્ય સૂત્રધારને દબોચી લેવા માટે ઝારખંડ રવાના થવાની તૈયારી કરી રહી છે. આ કનેક્શન ખુલતાની સાથે જ નકલી નોટોના સોર્સ અને તેના પ્રિન્ટિંગ લોકેશન સુધી પહોંચવા તપાસ તેજ કરાઈ છે. રાજસ્થાનના પશુપાલકની સતર્કતાથી સમગ્ર આંતરરાજ્ય રેકેટનો પર્દાફાશ થયો
આ આખા કૌભાંડનો પર્દાફાશ રાજસ્થાનના ભીલવાડા જિલ્લાના કરેડા તાલુકાના દાદાજી કરેડા ગામના પશુપાલક ભવરલાલ જયચંદ ભાગરીયા (ઉ.વ. 35) ની સતર્કતાને કારણે શક્ય બન્યો છે. દર વર્ષે બકરી ઈદ નિમિત્તે વેપારીઓ તેમના વતનમાં બકરા ખરીદવા જતા હોય છે, પરંતુ આ વર્ષે કોઈ વેપારી ન આવતા ભવરલાલ તેમના મોટા ભાઈ લહરૂ ભાગરીયા સાથે બકરા વેચવા માટે સુરતના સચિન-પલસાણા ટી પોઈન્ટ બ્રિજ નીચે આવ્યા હતા. અહીં રાત્રિના સમયે આરોપીઓએ આવીને 2 બકરા ખરીદ્યા હતા અને પેમેન્ટ પેટે રૂ. 50 હજાર આપ્યા હતા. રાત્રે અંધારામાં નોટો બરાબર ન જોઈ શકાઈ, પરંતુ સવારે જ્યારે પશુપાલકે નોટો ચેક કરી તો એક જ સિરીયલ નંબરની અનેક નોટો મળી આવતા તેઓ ચોંકી ઉઠ્યા હતા અને તુરંત પોલીસનો સંપર્ક કર્યો હતો. લિંબાયતથી 15 કિમી દૂર સચિન આવી નિર્દોષ પશુપાલકોને ટાર્ગેટ કરવાનું ષડયંત્ર
આરોપીઓ મૂળ લિંબાયત વિસ્તારમાં રહેતા હોવા છતાં, તેઓ ગુનો આચરવા માટે પોતાના વિસ્તારથી છેક 15 કિલોમીટર દૂર સચિન-પલસાણા રોડ સુધી પહોંચ્યા હતા. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ પાછળ આરોપીઓનો ચોક્કસ પ્લાન હતો. તેઓ જાણતા હતા કે બકરી ઈદ પર બહારના રાજ્યો (જેમ કે રાજસ્થાન) માંથી આવતા પશુપાલકો અજાણ્યા હોય છે અને તેઓ બકરા વેચીને ટૂંક સમયમાં જ સુરત છોડીને વતન પરત ચાલ્યા જતા હોય છે. આથી, જો તેમને નકલી નોટો પધરાવી દેવામાં આવે તો તેઓ લાંબી કાયદાકીય માથાકૂટમાં પડ્યા વિના ચાલ્યા જશે અને ગુનો ક્યારેય પ્રકાશમાં નહીં આવે. આ જ ગણતરી સાથે પશુપાલકોને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા. સ્ટીચીંગના ધંધાની આડમાં બે સગા ભાઈઓ ચલાવતા હતા કાળો કારોબાર
પોલીસે સીસીટીવી ફૂટેજ અને બુલેટ બાઈકના નંબરના આધારે તપાસ કરતા આ ગુનામાં લિંબાયત વિસ્તારના બે સગા ભાઈઓ મોહમદ ઉલ્ફત આલમ સત્તાર શેખ (ઉ.વ. 32) અને મોહમદ જમાલ અબ્દુલ સત્તાર શેખ (ઉ.વ. 34) ની સંડોવણી બહાર આવી હતી. આ બંને ભાઈઓ લિંબાયતમાં કપડાં પર સ્ટીચીંગ (લાઈનિંગ/દોરા કટીંગ) નું કારખાનું ચલાવે છે. સમાજમાં અને આસપાસના લોકોમાં તેઓ સ્ટીચીંગના સામાન્ય વેપારી તરીકે ઓળખાતા હતા, પરંતુ આ કાયદેસરના ધંધાની આડમાં તેઓ ઝારખંડથી લાવવામાં આવેલી નકલી નોટોને બજારમાં વટાવવાનું મોટું નેટવર્ક ચલાવી રહ્યા હતા. કારખાનાના ગોડાઉનનો ઉપયોગ આ કાળા કારોબારના સંગ્રહ માટે થતો હતો. પુરાવાનો નાશ કરવા નોટો પાણીમાં પલાળી અને સળગાવી નાખી
પશુપાલકની ફરિયાદ બાદ સચિન પોલીસે જ્યારે લિંબાયત ખાતે આવેલા આરોપીઓના ગોડાઉન અને ઘરે દરોડા પાડ્યા ત્યારે આરોપીઓ ગભરાઈ ગયા હતા. પકડાઈ જવાના ડરથી અને કાયદાકીય પુરાવાનો નાશ કરવા માટે આરોપીઓએ રૂ. 500 ના દરની અસંખ્ય ડુપ્લીકેટ નોટોને પાણી ભરેલી ડોલમાં પલાળી દીધી હતી, જ્યારે કેટલીક નોટોને સળગાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, પોલીસની તત્પરતાને કારણે 20 જેટલી ડુપ્લીકેટ નોટો અને 205 જેટલી પાણીમાં પલાળેલી નોટો જપ્ત કરી લેવામાં આવી હતી. આ ઉપરાંત પોલીસે આરોપીઓ પાસેથી વધુ 322 નકલી નોટો (કિંમત રૂ. 1.61 લાખ), 4 મોબાઈલ ફોન અને ગુનામાં વપરાયેલી બુલેટ બાઈક (GJ-05-LX-6383) તથા બંને બકરા કબજે કર્યા છે. ચારેય આરોપીઓ 3 દિવસના રિમાન્ડ પર, સઘન પૂછપરછ શરૂ
આ સમગ્ર કૌભાંડમાં પોલીસે કુલ 4 આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં બે સગા ભાઈઓ ઉપરાંત રીક્ષા લઈને બકરા લેવા આવનાર નાઝીર અનુલ અંસારી (ઉ.વ. 33, મૂળ ઝારખંડ) અને મોહમદ રઈશ રસીદ સિદ્દીકી (ઉ.વ. 49, મૂળ યુ.પી.) નો સમાવેશ થાય છે. પશુપાલકને આપવામાં આવેલી 100 નોટોમાંથી માત્ર 3 નોટો જ અસલી હતી, જ્યારે 97 નોટો નકલી અને એક જ સિરીયલ નંબરવાળી હતી. આ નોટો ક્યાંથી લાવવામાં આવી, અત્યાર સુધી બજારમાં કેટલી નોટો વટાવવામાં આવી છે અને આ રેકેટમાં અન્ય કોણ કોણ સામેલ છે તે તમામ મુદ્દાઓની તપાસ કરવા માટે પોલીસે ચારેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરી આગામી 3 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. એટીએસ અને ક્રાઈમ બ્રાન્ચ પણ રિમાન્ડ દરમિયાન આરોપીઓની સમાંતર પૂછપરછ કરશે.
Read Original Article →