સુરતમાં બકરી ઈદ માટે નકલી નોટોથી બકરા ખરીદતી ગેંગનો પર્દાફાશ:સિલાઈકામની આડમાં આરોપીઓ ઘરમાં જ નોટો છાપતા, પોલીસ પકડવા પહોંચી તો ડુપ્લિકેટ નોટો પાણીમાં પલાળી
આગામી બકરી ઈદના તહેવારને લઈને સુરત શહેરના બકરા બજારોમાં ભારે ચહલપહલ જોવા મળી રહી છે. તહેવારની આ ભીડ અને માહોલનો ફાયદો ઉઠાવીને કેટલાક ભેજાબાજ ગુનેગારો પણ સક્રિય થયા છે. સુરતના સચિન વિસ્તારમાં એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં બકરી ઈદ માટે બકરા ખરીદવા કેટલાક શખસોએ નકલી નોટોનો સહારો લીધો હતો. આ ભેજાબાજોએ ઘરે જ કલર પ્રિન્ટર મારફતે 500 રૂપિયાના દરની નકલી નોટો છાપી હતી અને રાજસ્થાનથી આવેલા એક ગરીબ વેપારીને પધરાવી દીધી હતી. જોકે, વેપારીની સતર્કતા અને સચિન પોલીસની ત્વરિત કાર્યવાહીને પગલે આ આખીય ગેંગનો પર્દાફાશ થયો છે. સચિન પલસાણા ટી-પોઇન્ટ પાસે ₹50 હજારનો સોદો થયો
મળતી માહિતી મુજબ, ગત તારીખ 17 મે, 2026ના રોજ સુરતના સચીન પલસાણા ટી-પોઇન્ટ પાસે આવેલ બ્રીજની નીચે જાહેરમાં એક હંગામી બકરા મંડી ભરાઈ હતી. આ મંડીમાં રાજસ્થાનના ભીલવાડા જિલ્લાના કરેડા થાના અંતર્ગત આવતા દાદાજીકરેડા ગામના વતની 35 વર્ષીય ભવારલાલ જયચંદ ભાગરીયા પોતાના બકરા વેચવા માટે આવ્યા હતા. વતનમાં પશુપાલન અને બકરા વેચાણનો વ્યવસાય કરતા ભવારલાલ પાસે મોહમ્મદ ઉલ્ફત શેખ, નાઝીર અંસારી અને રઇશ સીદીકી નામના ત્રણ શખસો આવ્યા હતા. ભાવતાલના અંતે, એક બકરાના 25,000 રૂપિયા લેખે એમ કુલ બે બકરાના 50,000 રૂપિયા નક્કી કરવામાં આવ્યા હતા. ઉપર-નીચે અસલી અને વચ્ચે નકલી નોટોની થોકડી પધરાવી
સોદો નક્કી થયા બાદ, આ ભેજાબાજ ગ્રાહકોએ ભવારલાલને 500 રૂપિયાના દરની કુલ 100 નોટોનું એક બંડલ આપ્યું હતું. ભવારલાલ એક સાધારણ અને ભોળો વેપારી હોવાથી, તેણે તે સમયે બંડલની ઉપર અને નીચેની નોટો જોઈને સંતોષ માની લીધો હતો અને બંને બકરા તેમને સોંપી દીધા હતા. આરોપીઓ બકરા લઈને ત્યાંથી રફુચક્કર થઈ ગયા હતા પરંતુ, બીજા દિવસે જ્યારે ભવારલાલે આ નોટો બરાબર ચેક કરી ત્યારે તેના હોશ ઉડી ગયા હતા. તેણે જોયું કે બંડલમાં ઉપર અને નીચેની માત્ર 3 નોટો જ અસલી હતી, જ્યારે બાકીની 97 નોટો એકદમ નવી અને એક જ સરખા સિરિયલ નંબરવાળી ડુપ્લિકેટ નોટો હતી. સચિન પોલીસની ત્વરિત કાર્યવાહી અને સીસીટીવી તપાસ
પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતાં જ ભવારલાલ ભાગરીયાએ તાત્કાલિક સચિન પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધ્યો હતો. બનાવની ગંભીરતા જોતા સચિન પીઆઈ અને તેમની ટીમે તુરંત જ એક્શન લીધા હતા. ડુપ્લીકેટ નોટો બજારમાં ફરતી કરવી એ દેશના અર્થતંત્રને ખોખલું કરવાનું ષડયંત્ર હોવાથી પોલીસે આ કેસને ટોપ પ્રાયોરિટી આપીને સચિન ટી પોઇન્ટ આજુબાજુના તમામ સીસીટીવી ફૂટેજ ચકાસવાનું શરૂ કર્યું હતું, જેમાં આરોપીઓના ચહેરા અને વાહનની સ્પષ્ટ ભાળ મળી ગઈ હતી. પુરાવા નાશ કરવાનો પ્રયાસ નિષ્ફળ, ચારેય આરોપીઓ સકંજામાં
પોલીસે ટેકનિકલ સર્વેલન્સના આધારે ગણતરીના કલાકોમાં જ મુખ્ય ચાર આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પકડાયેલા આરોપીઓમાં મોહમ્મદ ઉલ્ફત આલમ સતાર શેખ (ઉ.વ.32), નાઝીર અનુલ અંસારી (ઉ.વ.33), મો. રઇસ રસીદ સીદ્દીક (ઉ.વ.49) અને મોહમ્મદ જમાલ અબ્દુલ સતાર શેખ (ઉ.વ.34) નો સમાવેશ થાય છે. જ્યારે પોલીસ આરોપી મોહમ્મદ ઉલ્ફતના ઘરે રેડ કરવા પહોંચી ત્યારે તેણે પૂરાવાનો નાશ કરવા 205 જેટલી નોટો પાણીની ડોલમાં પલાળી દીધી હતી અને અમુક નોટો બાથરૂમમાં સળગાવી દીધી હતી. જોકે, પોલીસે અડધી બળેલી અને પલાળેલી નોટો કબ્જે કરી ગુનામાં પુરાવા નાશ કરવાની કલમનો ઉમેરો કર્યો હતો. ઘરમાંથી કુલ ₹1.61 લાખની નકલી નોટો અને બકરા જપ્ત
આરોપીઓના ઘેરથી અને ઓનલાઇન સેલિંગના ગોડાઉનમાંથી પોલીસે ૫૦૦ ના દરની કુલ ૩૨૨ નકલી નોટો જપ્ત કરી હતી, જેની ફેસ વેલ્યૂ 1,61,000 રૂપિયા થાય છે. આ ઉપરાંત, ગુનામાં વપરાયેલી બુલેટ બાઈક, ચાર મોબાઈલ ફોન અને ભવારલાલ પાસેથી ખરીદેલા બંને બકરા પણ પોલીસે સહી-સલામત રિકવર કરી લીધા હતા. આ અંગે એસીપી સુનીલ તળદેએ જણાવ્યું હતું કે, આરોપીઓએ જાણીજોઈને ભારતીય ચલણની નકલી નોટો બજારમાં ઘૂસાડવાનો પ્રયાસ કર્યો છે અને સચિન પોલીસે આ રેકેટનો પર્દાફાશ કરીને ખૂબ જ પ્રશંસનીય કામગીરી કરી છે. સિલાઈકામની આડમાં ચાલતો હતો કાળો કારોબાર
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે પકડાયેલા મોટાભાગના આરોપીઓ મૂળ ઝારખંડના ગીરેડી જિલ્લાના વતની છે અને હાલ લિંબાયત વિસ્તારમાં રહેતા હતા. સ્થાનિક લોકોમાં કોઈને શંકા ન જાય તે માટે તેઓ સિલાઈકામ અને ટેમ્પો ડ્રાઇવિંગ જેવા સામાન્ય વ્યવસાયો કરતા હતા. પરંતુ રાતોરાત અમીર બનવાની લ્હાયમાં તેમણે ઘરમાં જ સ્કેનર અને પ્રિન્ટરની મદદથી નકલી નોટો છાપવાનું શાતિર આયોજન કર્યું હતું. પોલીસની જાહેર જનતાને અપીલ
ACP સુનીલ તળદેએ સુરતની જાહેર જનતા અને નાના વેપારીઓને ખાસ અપીલ કરી છે કે જો કોઈ આ ટોળકીની છેતરપિંડીનો ભોગ બન્યા હોય, તો તેઓએ ડર્યા વિના સચિન પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો. હાલમાં સચિન પોલીસે ચારેય આરોપીઓની ધરપકડ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. પોલીસ હવે એ દિશામાં ઊંડી તપાસ કરી રહી છે કે આ નકલી નોટો છાપવા માટેનો કાગળ, શાહી અને સોફ્ટવેર કોણે પ્રોવાઈડ કર્યા હતા અને આમાં કોઈ આંતરરાજ્ય મોટું નેટવર્ક સંડોવાયેલું છે કે કેમ.
Read Original Article →