ટિકિટ કપાવાના બે દિવસ પહેલા જ ભાજપના ઈતિહાસ પર Ph.D:પૂર્વ કોર્પોરેટર સ્વાતિ સોસાએ ‘ભાજપ’ પર જ થીસીસ લખ્યું, ટિકિટ ન મળી છતાં કહ્યું-‘હું નારાજ નથી

Gujarat4/13/2026, 8:11:10 AM
ટિકિટ કપાવાના બે દિવસ પહેલા જ ભાજપના ઈતિહાસ પર Ph.D:પૂર્વ કોર્પોરેટર સ્વાતિ સોસાએ ‘ભાજપ’ પર જ થીસીસ લખ્યું, ટિકિટ ન મળી છતાં કહ્યું-‘હું નારાજ નથી
રાજકારણમાં જ્યારે ટિકિટ કપાય ત્યારે નેતાઓ કા તો ઘરે બેસી જાય અથવા પક્ષ સામે બળવો કરે. પણ સુરતના પૂર્વ કોર્પોરેટર ડૉ. સ્વાતિ સોસાનો કિસ્સો કંઈક અલગ જ છે. જે દિવસે પાર્ટીએ તેમનું નામ કાપ્યું, તેના માત્ર 48 કલાક પહેલા જ તેમણે ભાજપના ઈતિહાસ પર પીએચ.ડી. પૂર્ણ કરી 'ડૉક્ટરેટ'ની પદવી મેળવી હતી. નવાઈની વાત એ છે કે જે પાર્ટીએ તેમને ઉમેદવાર ન બનાવ્યા, તે જ પાર્ટીની પ્રગતિના રહસ્યો પર તેમણે થીસીસ લખ્યો છે અને હવે ટિકિટ વગર પણ તેઓ ચૂંટણી મેદાનમાં પ્રચાર કરી રહ્યા છે. સોમવારે Ph.D મળ્યું અને બુધવારે ટિકિટ કપાઈ ગઈ સ્વાતિબેન સોસા માટે છેલ્લા કેટલાક દિવસો લાગણીઓના રોલર-કોસ્ટર જેવા રહ્યા. એકતરફ વર્ષોની મહેનત બાદ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ તેમને પીએચ.ડી.ની ડિગ્રી એનાયત કરી, તો બીજી તરફ રાજકીય મોરચે જે વોર્ડ નંબર 13માંથી તેમણે દાવેદારી કરી હતી ત્યાંથી તેમનું પત્તું કપાઈ ગયું. સામાન્ય રીતે કોઈ પણ કાર્યકર્તા ભાંગી પડે, પણ ડૉ. સ્વાતિએ સ્મિત સાથે કહ્યું, "ટિકિટ મળે કે ન મળે, હું ભાજપની વિચારધારા સાથે પરણેલી છું." જનસંઘના નેતાઓને ડેટા માટે ફોન કર્યા પોતાના સંશોધન દરમિયાન સ્વાતિબેને ભાજપના વરિષ્ઠ નેતાઓથી લઈને જનસંઘ સુધીના નેતાઓનો સંપર્ક કર્યો હતો. તેમણે ભાજપની 1947 થી 2022 સુધીના સફરને થીસીસમાં કંડારી છે. જ્યારે તેમને પૂછાયું કે ટિકિટ ન મળી તો દુઃખ નથી? ત્યારે તેમણે જવાબ આપ્યો, "પાર્ટી વ્યક્તિ કરતા મોટી છે. મેં પાર્ટીની કાર્યપદ્ધતિ પર રિસર્ચ કર્યું છે, એટલે મને ખબર છે કે પક્ષ જે પણ નિર્ણય લે તે યોગ્ય જ હોય." દિલ્હીની સેન્ટ્રલ લાઈબ્રેરીમાં ગુંજશે સુરતની દીકરીનો થીસીસ સ્વાતિ સોસાએ તૈયાર કરેલા આ રિસર્ચ પેપર માટે દિલ્હીની નેશનલ લાઈબ્રેરીમાંથી તેમને ફોન આવ્યો છે. આ થીસીસને ઈ-લાઈબ્રેરીમાં સ્થાન મળશે. એટલે કે, જે ભાજપે સુરતના એક વોર્ડમાં તેમને સ્થાન ન આપ્યું, તે જ ભાજપનો ઈતિહાસ હવે આખી દુનિયા સ્વાતિબેનની નજરે વાંચશે. સ્વાતિબેને થીસીસ લખવા માટે લાઈબ્રેરીઓમાં કલાકો વિતાવ્યા છે, જૂના જનસંઘીઓના ઈન્ટરવ્યુ લીધા છે. હવે ચૂંટણીના જંગમાં તેઓ આ જ જ્ઞાનનો ઉપયોગ કરશે. તેમણે જાહેરાત કરી છે કે, "મારી ટિકિટ કપાઈ છે, મારા સંસ્કાર નહીં. હું એક વોર્ડ માટે નહીં, પણ સુરતના તમામ 30 વોર્ડમાં ભાજપના ઉમેદવારોને જીતાડવા માટે લોહી-પરસેવો એક કરીશ." વોર્ડ નંબર 13 નું ગણિત અને ‘લોકલ’ ફેક્ટર નડ્યું? સ્વાતિબેને વોર્ડ નંબર 13ની અનામત બેઠક પરથી પ્રબળ દાવેદારી કરી હતી. જોકે, પાર્ટીએ સ્થાનિક ચહેરાઓને પ્રાધાન્ય આપવાની નીતિ અપનાવતા તેમની બાદબાકી થઈ હતી. રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે સ્વાતિબેન જેવા ભણેલા-ગણેલા અને પીએચ.ડી. થયેલા કાર્યકર્તાનો ઉપયોગ પાર્ટી આગામી સમયમાં કોઈ મોટા હોદ્દા માટે કરી શકે છે.
Read Original Article →