પેટ્રોલ-ડીઝલની અછત વચ્ચે સુરતમાં દર કલાકે 8 EVનું વેચાણ:માર્ચ-એપ્રિલમાં તમામ રેકોર્ડ તૂટ્યા, 2 માસમાં 100%થી વધુનો ઉછાળો; ટેક્સમાં 5%ની રાહત
ખાડી દેશોમાં વધી રહેલા યુદ્ધના સંકટ અને આંતરરાષ્ટ્રીય બજારમાં પેટ્રોલ-ડીઝલના ભાવ આકાશે આંબવાની ભીતિ વચ્ચે સુરતના નાગરિકોએ એક મોટો અને સમજદારીભર્યો વૈકલ્પિક સ્વીકાર્યો છે. ડાયમંડ સિટી સુરતમાં ઇલેક્ટ્રિક વાહનો (EV)ની ખરીદીમાં જબરદસ્ત તેજી જોવા મળી રહી છે. ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે ઇલેક્ટ્રિક વાહનોના વેચાણમાં 100 ટકાથી વધુનો આશ્ચર્યજનક ઉછાળો નોંધાયો છે, જે દર્શાવે છે કે સુરતીઓ હવે ગ્રીન એનર્જી તરફ ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યા છે. એપ્રિલ-2026ના આંકડા મુજબ, સુરતમાં દર એક કલાકે 8 ઈલેકટ્રીક વાહનનું વેચાણ થઈ રહ્યું છે. શો રૂમમાં દિવસમાં 8 કલાક વાહનોની ડિલેવરી આપવામાં આવતી હોય છે. છેલ્લા 2 મહિનામાં ખરીદીના તમામ જૂના રેકોર્ડ ધ્વસ્ત
માર્ચ અને એપ્રિલ, 2026 દરમિયાન સુરતમાં જે પ્રકારે ઇવીનું વેચાણ થયું છે, તેણે અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. માર્ચ 2026માં જ 1987 જેટલા ઇલેક્ટ્રિક વાહનો રોડ પર ઉતારવામાં આવ્યા હતા. આ ટ્રેન્ડ એપ્રિલ મહિનામાં પણ જારી રહ્યો હતો અને માત્ર એક જ મહિનામાં 2011 ઇલેક્ટ્રિક વાહનોની ખરીદી થઈ છે. લોકો કોઈપણ વિલંબ વગર પેટ્રોલ વાહનો છોડીને ઇલેક્ટ્રિક વાહનોની ડિલિવરી લઈ રહ્યા છે. ચાલુ નાણાકીય વર્ષ, 2026-27માં એપ્રિલ, 2026માં આ આંકડો સીધો વધીને 2011 પર પહોંચી ગયો છે, એટલે કે સીધો 100 ટકાથી વધુનો ઉછાળો. આ ઉપરાંત મે, 2026માં અત્યાર સુધીમાં 1176 ઇલેક્ટ્રિક વાહનોની ખરીદી કરવામાં આવી ચૂકી છે. મોટર વ્હીકલ ટેક્સમાં સીધો 5 ટકાનો મોટો ફાયદો: અંકિત શાહ
સુરત આરટીઓના આસિસ્ટન્ટ આરટીઓ અંકિત શાહે આ અંગે માહિતી આપતા જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં ફ્યુઅલ બચાવવા માટે જે અપીલ કરી છે, એના પરિણામ સ્વરૂપે સુરત જિલ્લામાં ઇલેક્ટ્રિક વાહનોની ખરીદીમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. સામાન્ય રીતે પેટ્રોલ અને ડીઝલ વાહનોની ખરીદી પર 6 ટકા મોટર વ્હીકલ ટેક્સ ચૂકવવો પડે છે, પરંતુ ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા માટે સરકારે આ ટેક્સ 6 ટકાથી ઘટાડીને માત્ર 1 ટકા કરી દીધો છે. જેના કારણે ગ્રાહકોને ટુ-વ્હીલરમાં અંદાજે ₹3,000થી ₹4,000 અને ફોર-વ્હીલરમાં ₹10,000થી ₹15,000 સુધીનો સીધો ટેક્સ બેનિફિટ મળી રહ્યો છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, ઇલેક્ટ્રિક વ્હીકલ્સમાં મેન્ટેનન્સ કોસ્ટ પેટ્રોલ વાહનોની સરખામણીએ ખૂબ જ ઓછી હોય છે. આ ઉપરાંત, તેની પર કિલોમીટર રનિંગ કોસ્ટ એટલી ઓછી છે કે મધ્યમ વર્ગના પરિવાર માટે તે આશીર્વાદ સમાન સાબિત થઈ રહી છે. પ્રદૂષણ મુક્ત ડ્રાઇવિંગના કારણે તે સુરતના પર્યાવરણને શુદ્ધ રાખવામાં પણ મોટો ભાગ ભજવી રહ્યું છે. 3 મહિનામાં જ આખા વર્ષના વેચાણની 50% ગાડીઓ વેચાઈ: સેલ્સ મેનેજર
સુરતના જાણીતા શ્રીજી ટાટા ઇવી શોરૂમના સેલ્સ મેનેજર અભિષેક વ્યાસે માર્કેટની લાઈવ સ્થિતિ અંગે વાત કરતા જણાવ્યું કે, આ આંતરરાષ્ટ્રીય યુદ્ધ અને તણાવની સ્થિતિના કારણે લોકોની માનસિકતામાં મોટો બદલાવ આવ્યો છે. જેટલી ગાડીઓ અમે આખા ગયા વર્ષ દરમિયાન વેચી હતી, તેની સામે છેલ્લા માત્ર 3 મહિનાની અંદર જ અમે 50 ટકા જેટલી ગાડીઓ વેચી દીધી છે. ઇન્ટરનેશનલ વોર અને ક્રૂડ ઓઇલના વધતા ભાવો જોઈને ગ્રાહકો હવે સમજી રહ્યા છે કે આપણે પેટ્રોલ-ડીઝલ કરતા ઇવી ગાડી લેશું તો વધારે ફાયદામાં રહીશું. બિઝનેસ લોબીનો નવો ટ્રેન્ડ, 'ઘરમાં એક EV તો હોવી જ જોઈએ'
સુરતના વ્યાપારીઓ અને બિઝનેસ લોબીમાં પણ ઇવીને લઈને ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે. સુરતના જે પ્રતિષ્ઠિત વ્યાપારીઓ પાસે અગાઉથી જ 2 કે 3 મોંઘી પેટ્રોલ-ડીઝલ ગાડીઓ ઉપલબ્ધ છે, તેઓ પણ હવે એવું માની રહ્યા છે કે અમારા ઘરમાં એક ઇવી તો ફરજિયાત હોવી જ જોઈએ. રોજબરોજના લોકલ ટ્રાન્સપોર્ટેશન અને સિટી ડ્રાઇવિંગ માટે જો ઇવીનો ઉપયોગ કરવામાં આવે તો કંપની અને ઘરનો મોટો આર્થિક ખર્ચ બચાવી શકાય છે.
Read Original Article →