ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરમાં ઉતરેલા 4 સફાઇ કર્મીના મોત:'ઝેરી ગેસની અસરથી ચારેય બેભાન થઈને અંદર ફસાયા હતા', સુરતનો બનાવ

Gujarat6/7/2026, 5:54:24 AM
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરમાં ઉતરેલા 4 સફાઇ કર્મીના મોત:'ઝેરી ગેસની અસરથી ચારેય બેભાન થઈને અંદર ફસાયા હતા', સુરતનો બનાવ
સુરતના ખાંડ બજાર વિસ્તારમાં આજે 7 જૂને સવારે એક ગંભીર દુર્ઘટના સામે આવી છે. ચોર્યાસી ડેરીની બાજુમાં આવેલા રતિ હાઉસ (રતિ જ્વેલર્સ) ખાતે વહેલી સવારે અંડરગ્રાઉન્ડ ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ કરવા ઉતરેલા ચાર શ્રમિકો ઝેરી ગેસની અસરને કારણે અંદર જ ફસાઈ ગયા હતાં. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને યુદ્ધના ધોરણે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી ચારેય શ્રમિકોને બહાર કાઢી સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડ્યા હતા. જ્યાં ડોક્ટરે ચારેયને મૃત જાહેર કર્યા હતા. ETP શું છે? ETP (એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ) એ ઔદ્યોગિક ગંદા પાણીને શુદ્ધ કરવાની એક સિસ્ટમ છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય ઉદ્યોગોમાંથી નીકળતા રસાયણો અને ઝેરી કચરાને દૂર કરી, પાણીને પર્યાવરણમાં છોડવા લાયક અથવા ફરીથી વાપરવા યોગ્ય બનાવવાનો છે. 'ઝેરી ગેસની અસરથી ચારેય બેભાન થઈને ફસાઈ ગયા હતાં' ઘટના અંગે વિગત આપતા ભાવિનભાઈ જગદીશભાઇ કોસીયાએ જણાવ્યું હતું કે, આજે રવિવારે સવારે 10:22 કલાકે ફાયર કંટ્રોલ રૂમને એક કોલ મળ્યો હતો કે ખાંડ બજાર પાસે એક વ્યક્તિ ચેમ્બરમાં ફસાયેલ છે. કોલ મળતાની સાથે જ ફાયરની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. જોકે, ઘટનાસ્થળે પહોંચ્યા બાદ ફાયરના જવાનોને ખબર પડી કે ત્યાં સ્થિતિ વધુ ગંભીર હતી. સ્લજ (કાદવ-કચરો) ક્લીનિંગ માટે એક નહીં પરંતુ કુલ ચાર વ્યક્તિઓ ટેંક ચેમ્બરમાં ઉતરી હતી અને કોઈક અજ્ઞાત ઝેરી ગેસની અસર થવાના કારણે ચારેય જણા ત્યાં જ બેભાન થઈને ફસાઈ ગયા હતાં. ઓક્સિજન કીટ સાથે રેસ્ક્યુ કરી હોસ્પિટલ મોકલ્યા છતાં ના બચ્યા ડેપ્યુટી ફાયર ઓફિસર પ્રકાશ ઇડાવે આ અંગે સત્તાવાર માહિતી આપતા જણાવ્યું હતું કે, અમને સવારે 10 વાગ્યેને 22 મિનિટે કંટ્રોલ રૂમ પર કોલ મળ્યો હતો કે રતિ જ્વેલર્સમાં ક્લીનિંગ કરતી વખતે એક માણસ બેભાન થયો છે. અમારી ટીમ જ્યારે પહોંચી ત્યારે જોયું કે સ્લજ ક્લીનિંગની ચેમ્બરમાં ચાર લોકો ફસાયેલા હતાં. ફાયરની ટીમે ભારે જહેમત બાદ ચારેય લોકોને તાત્કાલિક બહાર કાઢ્યા હતા અને સમય સૂચકતા વાપરીને હાજર 108 એમ્બ્યુલન્સ મારફતે તેઓને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં રવાના કરી દીધા છે. સેફ્ટીના અભાવની આશંકા: SMC અંડર આવતું નથી, ફેક્ટરી એક્ટ લાગુ પડશે આ દુર્ઘટનામાં પ્રાથમિક દ્રષ્ટિએ સેફ્ટીના સાધનોનો અભાવ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ડેપ્યુટી ફાયર ઓફિસર પ્રકાશ ઇડાવે વધુમાં ઉમેર્યું હતું કે, આ ઇન્ડસ્ટ્રીયલ એરિયા પ્રોપર્ટી છે, જેથી આ સુરત મહાનગરપાલિકા હેઠળ આવતું નથી. આમાં ફેક્ટરી એક્ટના અલગ નિયમો લાગુ પડે છે. શ્રમિકોની સેફ્ટી તરફ ધ્યાન આપવામાં આવ્યું હતું કે નહીં, તે કદાચ તપાસનો વિષય હોઈ શકે છે, પરંતુ અત્યારે આ બાબતે અમે સત્તાવાર કંઈ કહી શકીએ નહીં. શ્રમિકોની સ્થિતિ કેટલી ગંભીર છે તે તો હવે ડોક્ટરોની તપાસ બાદ જ જાણી શકાશે. હાલમાં ચારેય શ્રમિકો સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને ત્યારે તેને મૃત જાહેર કરવામાં આવ્યા છે. અને પોલીસ તેમજ સંબંધિત વિભાગો દ્વારા આ મામલે આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. આ પણ વાંચો કલોલની સઈજ GIDCમાં ગેસ ગળતરથી ત્રણ શ્રમિકોના મોત ઔદ્યોગિક હબ ગણાતા કલોલના સઈજ GIDC વિસ્તારમાં 14 મેની રાત્રિએ એક કાળજું કંપાવનારી દુર્ઘટના ઘટી છે. મફતલાલ ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ નામની કંપનીમાં આવેલા ઈટીપી (ETP) પ્લાન્ટની અંડરગ્રાઉન્ડ ટાંકી સાફ કરવા ઉતરેલા ત્રણ પરપ્રાંતીય શ્રમિકોના ઝેરી ગેસ ગળતરને કારણે ગૂંગળામણને કારણે મોત નિપજ્યાં છે. જ્યારે અન્ય એક શ્રમિક ગંભીર હાલતમાં હોસ્પિટલ સાવરાવર હેઠળ છે. ઉલ્લેખનીય છે કે, આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને ઔદ્યોગિક એકમોમાં શ્રમિકોની સુરક્ષાને લઈને ફરી એવાર ગંભીર સવાલો ઊભા થયા છે. આ મામલે કલોલ તાલુકા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. (વાંચો સંપૂર્ણ સમાચાર)
Read Original Article →