આપ-ભાજપની પાટીદારોના ગઢમાં 'વોર ઓફ ઓફિસ':એક જ કોમ્પ્લેક્સમાં બન્નેના કાર્યાલય, સામ સામે પોસ્ટર્સ-બેનર્સ લગાવ્યા

Gujarat4/9/2026, 7:40:10 AM
આપ-ભાજપની પાટીદારોના ગઢમાં 'વોર ઓફ ઓફિસ':એક જ કોમ્પ્લેક્સમાં બન્નેના કાર્યાલય, સામ સામે પોસ્ટર્સ-બેનર્સ લગાવ્યા
દક્ષિણ ગુજરાતના રાજકારણનું એપીસેન્ટર ગણાતા સુરત મહાનગરપાલિકાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. આગામી 26 એપ્રિલે યોજાનારા મતદાનને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે તમામ રાજકીય પક્ષોએ એડીચોટીનું જોર લગાવ્યું છે. ખાસ કરીને પાટીદાર પ્રભુત્વ ધરાવતા વોર્ડ નંબર 7 (વેડ-કતારગામ)માં ચૂંટણીનો માહોલ ગરમાયો છે. અહીં રાજકીય સ્પર્ધા એટલી હદે વધી ગઈ છે કે એક જ કોમ્પ્લેક્સમાં ભાજપ અને આમ આદમી પાર્ટીના કાર્યાલયો ખુલતા મતદારોમાં કુતૂહલ સર્જાયું છે. શિવાલિક રેસીડેન્સી બન્યું રાજકીય ગતિવિધિનું કેન્દ્ર કતારગામ વિસ્તારમાં આવેલી શિવાલિક રેસીડેન્સી હાલમાં સ્થાનિક રાજકારણનો અખાડો બની ગઈ હોય તેમ લાગે છે. આ કોમ્પ્લેક્સમાં આવેલી દુકાનોમાં બંને મુખ્ય પ્રતિસ્પર્ધી પાર્ટીઓએ પોતાના કાર્યાલયો શરૂ કર્યા છે. આશ્ચર્યની વાત એ છે કે ભાજપના કાર્યાલયથી માત્ર 30 મીટરના અંતરે જ આમ આદમી પાર્ટીનું કાર્યાલય ધમધમી રહ્યું છે. એક જ દિવાલ કે એક જ પેસેજમાં બંને પક્ષના કાર્યકરોની અવરજવરને કારણે અહીં રસાકસીનો માહોલ સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે. પાટીદારોના ગઢમાં 'વોટ બેંક' કબજે કરવાની હોડ વેડ-કતારગામ વિસ્તાર પરંપરાગત રીતે પાટીદાર સમાજનું વર્ચસ્વ છે. પાછલી ચૂંટણીઓના સમીકરણો જોતા આ વિસ્તાર જેની તરફ ઝુકે છે, તેનો રસ્તો મનપામાં સરળ બની જતો હોય છે. એક જ બિલ્ડિંગમાં બંને પક્ષોના મધ્યસ્થ કાર્યાલયો હોવા પાછળનું મુખ્ય કારણ પાટીદાર મતદારોને રીઝવવાની રણનીતિ માનવામાં આવે છે. બંને પક્ષો અહીં 'ડોર ટુ ડોર' પ્રચારમાં કોઈ કસર છોડવા માંગતા નથી, જેના કારણે જંગ વધુ રોમાંચક બન્યો છે. દિગ્ગજ નેતાઓના પોસ્ટર વોરથી વાતાવરણ ગરમાયું આમ આદમી પાર્ટીના કાર્યાલય પર પ્રદેશ કક્ષાના મોટા ચહેરાઓ જેવા કે ગોપાલ ઈટાલિયા અને ઈસુદાન ગઢવીની મોટી તસવીરો લગાવવામાં આવી છે. તેની સાથે જ સ્થાનિક નેતા ધર્મેશ ભંડેરી અને મનોજ સોરઠીયાના કટ-આઉટ્સ પણ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. બીજી તરફ, ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર ૭ ના મધ્યસ્થ કાર્યાલય પર કેસરિયો માહોલ જોવા મળી રહ્યો છે. સામસામે લાગેલા આ બેનરો અને પોસ્ટરો જાણે કે મતદારોને પોતાની તરફ ખેંચવા માટે મૂક સંવાદ કરી રહ્યા હોય તેવું લાગે છે. એક જ કોમ્પ્લેક્સમાં બંને કાર્યાલયો હોવા છતાં અત્યાર સુધી કોઈ ઘર્ષણની ઘટના સામે આવી નથી, પરંતુ કાર્યકરોમાં ભારે ઉત્સાહ અને હરીફાઈ જોવા મળી રહી છે. ભાજપના કાર્યકરો પોતાની સત્તા ટકાવી રાખવા મક્કમ છે, જ્યારે આમ આદમી પાર્ટી પરિવર્તનના નામે ગઢ જીતવા મેદાને પડી છે. હવે જોવાનું એ રહેશે કે 26 એપ્રિલે કતારગામની જનતા શિવાલિક રેસીડેન્સીના કયા ખૂણે જઈને પોતાનો કિંમતી મત 'કમળ' કે 'ઝાડુ'ને આપે છે.
Read Original Article →