સુરતમાં મનપા ચૂંટણીમાં આપ-કોંગ્રેસના ભાજપ પર આક્ષેપો:પોલીસનો દુરૂપયોગ કરી ઉમેદવારોને ધમકાવ્યા: કોંગ્રેસ, ઈટાલિયાએ કહ્યું- ભાજપે કોંગ્રેસની ટિકિટ પર પોતાના મળતિયાઓને ઉભા રાખ્યા

Gujarat4/12/2026, 12:25:12 PM
સુરતમાં મનપા ચૂંટણીમાં આપ-કોંગ્રેસના ભાજપ પર આક્ષેપો:પોલીસનો દુરૂપયોગ કરી ઉમેદવારોને ધમકાવ્યા: કોંગ્રેસ, ઈટાલિયાએ કહ્યું- ભાજપે કોંગ્રેસની ટિકિટ પર પોતાના મળતિયાઓને ઉભા રાખ્યા
સુરત મહાનગરપાલિકાની આગામી ચૂંટણી પૂર્વે વહીવટી તંત્રની તટસ્થતા અને પોલીસની કાર્યપદ્ધતિ પર ગંભીર સવાલો ઉભા થયા છે. કોંગ્રેસે સાદા ડ્રેસમાં પોલીસ દ્વારા ઉમેદવારોને ધમકાવવાનો આક્ષેપ કરી કલેક્ટર કચેરીએ મોરચો માંડ્યો છે, જ્યારે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલિયાએ ભાજપ-કોંગ્રેસ વચ્ચેની કથિત સાંઠગાંઠ અને ઉમેદવારોને તોડવા માટે સામ-દામ-દંડ-ભેદની નીતિ અપનાવાતી હોવાના સનસનીખેજ આરોપો લગાવ્યા છે. SOGના અધિકારીઓ સાદા કપડામાં ઉમેદવારોના ઘરે જઈ રહ્યા છે સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ વિપુલ ઉધનાવાલાએ પોલીસ અને વહીવટી તંત્રની તટસ્થતા પર સવાલો ઉઠાવ્યા હતા. જેમાં આરોપ છે કે SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) ના અધિકારીઓ યુનિફોર્મ વગર, સાદા કપડામાં ઉમેદવારોના ઘરે જઈ રહ્યા છે. ઉમેદવારોને ફોર્મ ખેંચવા, ચૂંટણી ન લડવા અથવા પક્ષપલટો કરવા માટે માનસિક ત્રાસ અને ધમકીઓ આપવામાં આવી રહી હોવાનો દાવો છે. કોંગ્રેસ પ્રમુખ વિપુલ ઉધનાવાલાના જણાવ્યા મુજબ, હથિયારધારી પોલીસકર્મીઓ ચૂંટણી ઓફિસોમાં ફરીને ભયનો માહોલ ઉભો કરી રહ્યા છે. જો જવાબદાર અધિકારીઓની તાત્કાલિક બદલી કરવામાં નહીં આવે, તો ઉમેદવારો સાથે કલેક્ટર કચેરી સામે ધરણા કરવાની ચીમકી ઉચ્ચારી છે. આ ગંભીર પરિસ્થિતિને જોતા સુરત શહેર કોંગ્રેસના પ્રમુખ, પૂર્વ ધારાસભ્યો અને અગ્રણી નેતાઓનો કાફલો સુરત કલેક્ટર કચેરી ખાતે પહોંચી વિરોધ નોંધાવ્યો હતો. 'આપ'ના ઉમેદવારોથી ડરીને ભાજપ લાખોની લાલચ આપી રહ્યું છે 'આપ' નેતા ગોપાલ ઈટાલિયાએ ભાજપ અને કોંગ્રેસ બંને પર આકરા પ્રહારો કર્યા છે. જેમાં ઈટાલિયાએ આરોપ લગાવ્યો કે 'આપ' ના 6,000 ઉમેદવારોથી ડરીને ભાજપ તેમને લાખોની લાલચ આપી રહ્યું છે અથવા દારૂ-ડ્રગ્સના ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી રહ્યું છે. વહીવટી તંત્રને ઉપરથી આદેશ હોવાનો દાવો કરાયો છે કે 'આપ' ના ઉમેદવારોના ફોર્મમાં નાની ભૂલો શોધી તેને રદ કરવા. ઈટાલિયાનો સનસનીખેજ દાવો છે કે ગુજરાતમાં આશરે 200 બેઠકો પર ભાજપે જ પોતાના મળતિયાઓને કોંગ્રેસની ટિકિટ પર ઉભા રાખ્યા છે, જેથી વિપક્ષી મતોનું વિભાજન થઈ શકે. તેમની પાસે પોલીસ, બુટલેગરો અને ભાજપના નેતાઓ વચ્ચેની વાતચીતના રેકોર્ડિંગ હોવાનું જણાવી યોગ્ય સમયે જાહેર કરવાની ખાતરી આપી છે.
Read Original Article →