સુરત મનપાની ચૂંટણીમાં 'પર્સ અને સાડી'ના જોરે જંગ જિતાશે?:3D ખેસ અને ડિજિટલ માસ્કના ઓર્ડરમાં ભાજપ નંબર-1, બકલ-લોકેટની ડિમાન્ડ; મતદારોને આકર્ષવા ઉમેદવારોએ ખજાનો ખોલ્યો
સુરત મહાનગરપાલિકાની ચૂંટણીના ઢોલ વાગી ચૂક્યા છે ત્યારે ડાયમંડ સિટીના રાજકીય ગલિયારાઓમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચેના ત્રિ-પાંખિયા જંગમાં હવે માત્ર સભાઓ અને રેલીઓ જ નહીં 'પ્રચાર સામગ્રી' પણ હથિયાર બની છે. સુરતના બજારોમાં અત્યારે દરેક પક્ષના ઝંડા, ટોપી અને ખેસની સાથે અવનવી વેરાયટીઓનો પૂર આવ્યો છે. ઉમેદવારો જાહેર થાય તે પહેલા જ પક્ષના કાર્યકરોએ મતદારોના ઘર સુધી પહોંચવા માટે આકર્ષક પ્રચાર સાહિત્યનું બુકિંગ કરાવી દીધું છે. પ્રચાર સામગ્રીમાં 3D અને ડિજિટલ પ્રિન્ટનું આકર્ષણ
આ વખતની ચૂંટણીમાં પરંપરાગત પ્રચારના બદલે હાઈટેક પ્રચાર પર વધુ ભાર મૂકવામાં આવી રહ્યો છે. બજારમાં અત્યારે સૌથી વધુ ડિમાન્ડ 3D ઇફેક્ટ ધરાવતી પ્રચાર સામગ્રીની છે. ખાસ કરીને ડિજિટલ પ્રિન્ટવાળા ખેસ અને ઝંડાઓ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. વેપારીઓના જણાવ્યા અનુસાર, પહેલા સામાન્ય કાપડ પર સ્ક્રીન પ્રિન્ટિંગ થતું હતું, પરંતુ હવે ડિજિટલ પ્રિન્ટિંગને કારણે નેતાઓના ચહેરા વધુ સ્પષ્ટ અને આકર્ષક દેખાય છે. આ સામગ્રી માત્ર દેખાવમાં જ નહીં પણ ક્વોલિટીમાં પણ ઉચ્ચ કક્ષાની હોવાથી કાર્યકરો તેની વધુ પસંદગી કરી રહ્યા છે. મહિલા મતદારો માટે સાડી, પર્સ અને બ્રોચની બોલબાલા
સુરત એ કાપડનું હબ છે અને તેનો પ્રભાવ ચૂંટણી પ્રચારમાં પણ જોવા મળી રહ્યો છે. મહિલા મતદારોને આકર્ષવા માટે રાજકીય પક્ષોએ ખાસ ડિઝાઈન કરેલી સાડીઓ તૈયાર કરાવી છે. જે સાડી પર પક્ષના ચિન્હ અને નેતાઓની છબી છે. આ ઉપરાંત લેડીઝ પર્સ, સાડી પિન, બકલ અને બ્રોચ જેવી ચીજોની પણ ભારે માંગ છે. માસ્ક અને ખેસમાં વડાપ્રધાનનો ચહેરો પ્રથમ પસંદ
ભલે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય પણ સુરતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતામાં કોઈ ઘટાડો થયો નથી. બજારમાં સૌથી વધુ ઓર્ડર નરેન્દ્ર મોદીની તસવીરવાળા માસ્ક અને ખેસના છે. બાળકો માટે મોદીના ફેસ-માસ્ક અને યુવાનો માટે ખાસ ડિઝાઈનર મફલરની ધૂમ ખરીદી થઈ રહી છે. પક્ષના ચિન્હવાળા પેન્ડન્ટ અને ચેઈન
ચૂંટણી સામગ્રીમાં આ વખતે જ્વેલરીનો પણ સમાવેશ થયો છે. ખાસ પ્રકારના ચેન બનાવવામાં આવ્યા છે, જેમાં પક્ષના ચિન્હ (કમળ, પંજો કે ઝાડુ) ના લોકેટ હોય છે. આ ઉપરાંત ટાઈ બટન અને કી-ચેન જેવી એક્સેસરીઝ પણ માર્કેટમાં ધૂમ મચાવી રહી છે. પક્ષના સમર્થકો ગળામાં પક્ષના લોકેટ પહેરીને પોતાના પક્ષ પ્રત્યેની વફાદારી દર્શાવતા નજરે પડે છે. આ વેરાયટીઓ ખાસ કરીને યુવા મતદારોને આકર્ષવા માટે તૈયાર કરવામાં આવી છે. ત્રિપાંખિયા જંગમાં ભાજપ સૌથી આગળ
સુરતમાં રાજકીય પક્ષો વચ્ચેની લડાઈ હવે ઓર્ડરના આંકડામાં પણ દેખાઈ રહી છે. પ્રચાર સામગ્રીના વેપારી મનોજભાઈના જણાવ્યા અનુસાર, ખરીદીમાં ભારતીય જનતા પાર્ટી અત્યારે પ્રથમ ક્રમે છે. બીજા ક્રમે આશ્ચર્યજનક રીતે આમ આદમી પાર્ટી (AAP) એ પોતાની પકડ જમાવી છે, જ્યારે કોંગ્રેસ હજુ સુધી ખરીદીના મામલે સુસ્ત જણાઈ રહી છે. કોંગ્રેસમાં રાહુલ ગાંધીની તસવીરવાળા સાહિત્યની માંગ છે, પરંતુ ભાજપની સરખામણીએ તેની માત્રા ઓછી છે. આમ આદમી પાર્ટીનો નવો અભિગમ અને નેતાઓના ચહેરાનો અભાવ
આ વખતે સુરતની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી એક મજબૂત મજબૂત પક્ષ તરીકે ઉભરી રહી છે, પરંતુ પ્રચાર સામગ્રીમાં એક વિચિત્ર વળાંક જોવા મળ્યો છે. ભાજપ અને કોંગ્રેસમાં જ્યાં પક્ષના ટોચના નેતાઓના ફોટાની બોલબાલા છે, ત્યાં 'આપ'ની સામગ્રીમાં અરવિંદ કેજરીવાલ કે અન્ય મોટા નેતાઓની તસવીરો ઓછી જોવા મળી રહી છે. વેપારીઓના મતે, આમ આદમી પાર્ટીમાં અત્યારે કોઈ ચોક્કસ ચહેરા કરતા પક્ષના નિશાન 'ઝાડુ' પર વધુ ભાર મૂકવામાં આવી રહ્યો છે. ઉમેદવારોના નામ જાહેર થયા બાદ બજારમાં આવશે તેજી
અત્યારે જે ખરીદી થઈ રહી છે તે માત્ર પક્ષના સ્તરે છે, પરંતુ અસલી તેજી ઉમેદવારોના નામ જાહેર થયા બાદ આવશે. વેપારીઓનું અનુમાન છે કે, જ્યારે વોર્ડવાઈઝ ઉમેદવારો નક્કી થશે ત્યારે તેઓ પોતાની વ્યક્તિગત તસવીરવાળા ટી-શર્ટ, બેનરો અને પેમ્ફલેટ બનાવશે. ઉમેદવારો પોતાના પ્રચારને વધુ વ્યક્તિગત બનાવવા માટે કસ્ટમાઈઝ્ડ ગિફ્ટ્સનો પણ ઓર્ડર આપશે, જેનાથી પ્રચાર બજારનું ટર્નઓવર કરોડોમાં પહોંચવાની શક્યતા છે. ડોર-ટુ-ડોર કેમ્પેઈન માટે નાની વસ્તુઓ પર ભાર
મોટી રેલીઓ કરતા હવે રાજકીય પક્ષો ડોર-ટુ-ડોર સંપર્ક પર વધુ ધ્યાન આપી રહ્યા છે. આ માટે ખિસ્સામાં સમાઈ જાય એવી અથવા ઘરમાં કામ લાગે એવી વસ્તુઓ જેવી કે બોલપેન, ડાયરી અને સ્ટીકરોની મોટી માંગ છે. ભાજપ યુવા મોરચાના કાર્યકરો અત્યારથી જ વોર્ડ દીઠ કીટ તૈયાર કરી રહ્યા છે જે સીધી મતદારોના ઘર સુધી પહોંચાડવામાં આવશે. આ રણનીતિ પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય મતદારના મન પર પક્ષની છાપ છોડવાનો છે. સોશિયલ મીડિયાના યુગમાં પણ ભૌતિક સામગ્રીનો દબદબો
સોશિયલ મીડિયા પ્રચારનું મોટું માધ્યમ હોવા છતાં, ભૌતિક પ્રચાર સામગ્રીનું મહત્વ ઘટ્યું નથી. લોકો હજુ પણ ખેસ પહેરીને કે ટોપી લગાવીને પોતાની પક્ષભક્તિ બતાવવાનું પસંદ કરે છે. સુરતના વેપારીઓ માટે આ ચૂંટણી એક ઉત્સવ સમાન બની છે. છેલ્લા બે વર્ષની મંદી બાદ ચૂંટણીના કારણે પ્રિન્ટિંગ અને ટેક્સટાઇલ માર્કેટમાં કરોડો રૂપિયાના ઓર્ડર આવતા વેપારીઓમાં પણ ખુશીનો માહોલ છે.
Read Original Article →