ડુમસ સી-ફેસ પર હવે એન્ટ્રી ફી વસૂલવામાં આવી શકે:પીપીપી મોડલ પર ખાનગી એજન્સીને કામગીરી સોંપવા મનપાની કવાયત, દરોજ 12 હજાર મુલાકાતી પહોંચે છે

Gujarat5/24/2026, 8:00:45 AM
ડુમસ સી-ફેસ પર હવે એન્ટ્રી ફી વસૂલવામાં આવી શકે:પીપીપી મોડલ પર ખાનગી એજન્સીને કામગીરી સોંપવા મનપાની કવાયત, દરોજ 12 હજાર મુલાકાતી પહોંચે છે
સુરત મહાનગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે વિકસાવવામાં આવેલો અને પર્યટન સ્થળ તરીકે ઉભરી આવેલો ડુમસ સી-ફેસ પ્રોજેક્ટ હવે એક નવા વહીવટી મોડલ તરફ આગળ વધી રહ્યો છે. વિકેન્ડ અને તહેવારોમાં અહીં ઉમટતી ભારે ભીડ, ટ્રાફિક વ્યવસ્થાપન, સુરક્ષા અને સ્વચ્છતાની જાળવણી પાલિકા માટે મોટો પડકાર બની રહી છે. આ પડકારોને પહોંચી વળવા અને સમગ્ર પ્રોજેક્ટનું મેઇન્ટેનન્સ જાળવી રાખવા માટે મહાનગરપાલિકા હવે ઓપરેશન એન્ડ મેઇન્ટેનન્સની કામગીરી જાહેર-ખાનગી ભાગીદારી (PPP) ધોરણે ખાનગી એજન્સીને સોંપવાની કવાયત હાથ ધરી છે. આ અંતર્ગત ભવિષ્યમાં મુલાકાતીઓ પાસેથી નજીવી પ્રવેશ ફી વસૂલવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ખાનગી એજન્સીને શરૂઆતમાં 10 વર્ષ જવાબદારી સોંપાશે મહાનગરપાલિકાના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ડુમસ સી-ફેસના પ્રોજેક્ટ ઓપરેશન અને મેઇન્ટેનન્સ માટે એજન્સીઓ પાસેથી 'એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ' મંગાવવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. પાલિકા દ્વારા પ્રસિદ્ધ કરાયેલા નિયમો અને શરતો અનુસાર, પસંદગી પામનારી ખાનગી એજન્સીને શરૂઆતમાં 10 વર્ષ માટે ડુમસ સી-ફેસની સંપૂર્ણ જવાબદારી સોંપવામાં આવશે. જો આ સમયગાળા દરમિયાન એજન્સીની કામગીરી સંતોષકારક અને ઉત્કૃષ્ટ રહેશે, તો કરારની સમયમર્યાદામાં વધુ 5 પાંચ વર્ષનો વધારો કરવાની જોગવાઈ પણ રાખવામાં આવી છે. પાલિકા પ્રશાસનનો અંદાજ છે કે આ આખી વ્યવસ્થાથી આગામી 10 વર્ષમાં પાલિકાને આશરે રૂ. 50 કરોડ જેટલી રેવન્યુ આવક થશે. જો કે, આ અંતિમ આંકડો એજન્સીઓ પાસેથી મળનારી આખરી ઓફર અને તેમના બિઝનેસ પ્રપોઝલ પર આધારિત રહેશે. રોજના 12 હજાર મુલાકાતીઓ પહોંચે પાલિકાના આંકડાઓ અને સર્વેક્ષણ દર્શાવે છે કે ડુમસ સી-ફેસ પર રોજ સરેરાશ 12,000 જેટલા મુલાકાતીઓ પહોંચે છે, જ્યારે શનિ-રવિ અને જાહેર રજાઓમાં આ આંકડો ઘણો મોટો થઈ જાય છે. આ વિશાળ જનમેદનીને ધ્યાનમાં રાખીને સમગ્ર પ્રોજેક્ટ વિસ્તારને મુખ્ય પાંચ અલગ-અલગ ઝોનમાં વહેંચીને તેની કામગીરી ખાનગી એજન્સીને સોંપવામાં આવશે. સંપૂર્ણ જવાબદારી એજન્સીની જ રહેશે આમા પ્રવેશ માર્ગ, વિશાળ પ્લાઝા અને વ્યવસ્થિત પાર્કિંગ સુવિધાઓનું સંચાલન એજન્સીના હસ્તક રહેશે. આ ઝોનમાં બાળકો માટેનું કિડ્સ ઝોન, અર્બન બીચ, મનોરંજન માટે બોક્સ ક્રિકેટ અને વેલનેસ માટે યોગા વિસ્તારનો સમાવેશ થાય છે. અહીં સાંસ્કૃતિક પ્રદર્શનો, જાહેર કાર્યક્રમો અને આસપાસના ધાર્મિક સ્થળોની પવિત્રતા તથા જાળવણીની જવાબદારી એજન્સીની રહેશે. આ ઝોનમાં મુલાકાતીઓની ખાણી-પીણીની સુવિધા માટે આધુનિક કાફે અને રેસ્ટોરાં જેવી સેવાઓનું સંચાલન કરવામાં આવશે. સમગ્ર સી-ફેસ વિસ્તારમાં સાર્વજનિક શૌચાલયો, બેઠક વ્યવસ્થા, લાઇટિંગ અને ગ્રીનરીની દેખરેખ અને સફાઈનું મોનિટરિંગ પણ એજન્સીની સીધી જવાબદારીમાં સામેલ કરાશે. એજન્સીઓની ઓફરના આધારે પ્રવેશ ફી નક્કી થશે રૂપિયા 244 કરોડના જંગી ખર્ચે તૈયાર કરાયેલા ડુમસ સી-ફેસ ફેઝ-1 પ્રોજેક્ટના લોકાર્પણ બાદ હાલમાં સુરતવાસીઓ અને પ્રવાસીઓ માટે પ્રવેશ તદ્દન મફત રાખવામાં આવ્યો છે. પરંતુ સતત વધતી ભીડને લીધે સર્જાતી સુરક્ષા અને સ્વચ્છતાની સમસ્યાઓ નિવારવા માટે હવે એન્ટ્રી ફી અનિવાર્ય મનાઈ રહી છે. પાલિકાના જણાવ્યા અનુસાર, પ્રવેશ માટે હજી સુધી કોઈ ચોક્કસ ફી નિર્ધારિત કરવામાં આવી નથી. ટૂંક સમયમાં જ એજન્સીઓ દ્વારા સબમિટ કરવામાં આવનારી ઓફર, પ્રોજેક્ટનો ઓપરેશનલ ખર્ચ અને સુનિશ્ચિત કરવામાં આવનારા સંચાલન મોડલના આધારે ટિકિટના દરો નક્કી કરવામાં આવશે. વિશિષ્ટ મનોરંજન સુવિધાઓ માટે ચાર્જ રાખવામાં આવી શકે મુલાકાતીઓની સુવિધા માટે એન્ટ્રી ગેટ પર ફિઝિકલ કાઉન્ટરની સાથે-સાથે આધુનિક ડિજિટલ ટિકિટિંગ અને ઓનલાઇન બુકિંગ વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવશે જેથી ગેટ પર લાંબી લાઈનો ન લાગે. પ્રવેશ ફી ઉપરાંત, વાહન પાર્કિંગ અને બોક્સ ક્રિકેટ જેવી વિશિષ્ટ મનોરંજન સુવિધાઓનો ઉપયોગ કરવા માટે મુલાકાતીઓ પાસેથી અલગથી ચાર્જ વસૂલવાની પણ પૂરેપૂરી શક્યતા છે. એજન્સીઓ માટે મનપાની કડક જોગવાઈઓ ખાનગીકરણ તરફ આગળ વધવાની સાથે જ સુરત મહાનગરપાલિકાએ મુલાકાતીઓના હિતો અને સુવિધાનું રક્ષણ કરવા માટે કડક આકરા નિયમો પણ ઘડ્યા છે. પ્રોજેક્ટનું કામ ભલે ખાનગી એજન્સીને સોંપવામાં આવે, પરંતુ સમગ્ર સંકુલ પર સુરત મહાનગરપાલિકાનું સીધું મોનિટરિંગ અને વહીવટી નિયંત્રણ કાયમ રહેશે. જો કોઈ પણ એજન્સી કામગીરીમાં સહેજ પણ બેદરકારી દાખવશે, સફાઈ અને સુરક્ષાના માપદંડો ચૂકશે અથવા મુલાકાતીઓ સાથે ગેરવર્તણૂક કરશે, તો પાલિકા તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની નોટિસ આપ્યા વિના કરાર તત્કાલિક ધોરણે રદ કરવાની કડક જોગવાઈ રાખવામાં આવી છે. હાલમાં આ આખી પ્રક્રિયા માટેની ટેકનિકલ મૂલ્યાંકનની કામગીરી પાલિકાના ઉચ્ચ અધિકારીઓની દેખરેખ હેઠળ ચાલી રહી છે. આગામી 30 મે સુધીમાં તમામ રસ ધરાવતી એજન્સીઓ પાસેથી ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી છે. ત્યારબાદ તમામ ટેકનિકલ અને ફાયનાન્સિયલ પ્રપોઝલની ઝીણવટભરી ચકાસણી કરીને આખરી નિર્ણય લેવામાં આવશે.
Read Original Article →