રમતા બાળકો પર 4 હિંસક કૂતરાનો હુમલો, CCTV:એકને હાથના ભાગે બચકું ભર્યું, ઓનલાઈન ફરિયાદ છતાં સુરત મનપા તંત્ર 24 કલાક નિષ્ક્રિય રહ્યું
સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલા ખાનપુરામાં રખડતા શ્વાનનો આતંક સામે આવ્યો છે, જેના સીસીટીવી ફૂટેજ પણ સોશિયલ મીડિયા પર વાઇરલ થયા છે. સીસીટીવીમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, ગલીમાં તમામ સ્થિતિ બિલકુલ સામાન્ય હતી અને માસૂમ બાળકો રમી રહ્યા હતા. આ દરમિયાન અચાનક જ 3થી 4 હિંસક શ્વાન ભસતા-ભસતા ધસી આવે છે અને રમી રહેલા બાળકો પર હિચકારો હુમલો કરી દે છે. કૂતરાઓને પોતાની તરફ આવતા જોઈ બાળકો જીવ બચાવવા ભાગે છે, પરંતુ એક હિંસક શ્વાન દોડીને એક બાળકનો હાથ પકડી લે છે અને તેને ગંભીર રીતે બચકાં ભરી લે છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે આફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો છે. ઉલ્લેખનીય છે કે, ગતરોજની સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, ખતરનાક અને બીમાર કૂતરાઓને ઇન્જેક્શન આપીને મારી શકાય છે. માનવ જીવનનું રક્ષણ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. કોઈપણ અધિકારી જે નિર્દેશનું ઉલ્લંઘન કરે છે તેના પર અવમાનનોનો કેસ ચલાવવો જોઈએ. અગાઉથી ફરિયાદ કરવા છતાં મનપા ઊંઘતી રહી
આ ચોંકાવનારી ઘટના પાછળ સુરત મહાનગરપાલિકાના વહીવટી તંત્રની આળસ અને બેદરકારી મુખ્ય કારણ હોવાનું સામે આવ્યું છે. સ્થાનિક યુવા અગ્રણી સાજીદ કુરેશીએ આ વિસ્તારમાં રખડતા અને કરડતા કૂતરાઓના વધી રહેલા ત્રાસ અંગે ગત 18 મેના રોજ મનપાની ઓનલાઈન સિસ્ટમ પર સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદમાં તેમણે તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવા અને કૂતરાઓને પકડવા માટે માંગ કરી હતી. પરંતુ મનપાના ડિજિટલ વિભાગે આ ગંભીર ફરિયાદને તદ્દન હળવાશથી લીધી અને 24 કલાક વીતી જવા છતાં કોઈ જ એક્શન ન લીધા. તંત્રની આ નિષ્ક્રિયતાના બીજા જ દિવસે એટલે કે 19 મેના રોજ ખાનપુરામાં આ ભયાનક હુમલો થયો, જેમાં નિર્દોષ બાળકો લોહીલુહાણ થયા હતા. બાળકો લોહીલુહાણ થતાં સ્થાનિક રહીશોમાં પ્રચંડ આક્રોશ
મનપા દ્વારા સમયસર કોઈ પગલાં ન ભરાતા, કૂતરાઓના હિંસક હુમલામાં માસૂમ બાળકો ગંભીર રીતે ઘવાયા છે. હુમલાનો ભોગ બનેલા બાળકો લોહીલુહાણ હાલતમાં મળી આવતા વાલીઓ અને સ્થાનિક રહીશોમાં તંત્ર સામે પ્રચંડ આક્રોશ ફાટી નીકળ્યો છે. સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે જો મનપાએ 18 તારીખની ઓનલાઈન ફરિયાદ પર ત્વરિત પગલાં લીધા હોત, તો 19 તારીખે બાળકો આ દુર્ઘટનાનો ભોગ બનતા બચી ગયા હોત. મનપા કમિશનરને ઉગ્ર રજૂઆત, ‘કાગળ પર નહીં, ગ્રાઉન્ડ પર કામ કરો’
ખાનપુરાના રહીશો વતી યુવા અગ્રણી સાજીદ કુરેશીએ સુરત મનપા કમિશનર સમક્ષ ઉગ્ર રજૂઆત કરી છે કે લિંબાયત સહિતના વિસ્તારોને રખડતા કૂતરાઓના ત્રાસમાંથી કાયમી મુક્તિ અપાવવામાં આવે. તેમણે માંગ કરી છે કે આ મામલે હવે કોઈ ઢીલ સહન કરવામાં નહીં આવે અને તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવે. માત્ર કાગળ પર કે ઓનલાઈન સ્ટેટસ અપડેટ કરવાને બદલે ગ્રાઉન્ડ લેવલ પર કૂતરા પકડવાની અને તેમના ખસીકરણની કામગીરી વેગવંતી બનાવવામાં આવે, જેથી ભવિષ્યમાં કોઈ બાળકનો જીવ જોખમમાં ન મુકાય. પૂર્વ કોર્પોરેટર અસલમ સાયકલવાલાએ કમિશનરને લેખિત પત્ર પાઠવ્યો
આ ગંભીર મુદ્દે રાજકીય અને સામાજિક સ્તરેથી પણ તંત્ર પર દબાણ વધ્યું છે. કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર અસલમ સાયકલવાલાએ પણ આ મામલાની ગંભીરતા સમજીને સુરત મ્યુનિસિપલ કમિશનરને એક લેખિત રજૂઆત પત્ર મોકલ્યો છે. તેમણે પોતાના પત્રમાં લિંબાયતની ઘટનાનો ઉલ્લેખ કરીને જણાવ્યું છે કે, રખડતા શ્વાન પર કાબૂ મેળવવામાં મનપા તંત્ર સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થયું છે. વારંવાર થતા હુમલાઓ છતાં લોકોની સુરક્ષા રામભરોસે છોડી દેવામાં આવી છે, જે અત્યંત નિંદનીય છે. સુપ્રીમ કોર્ટના આદેશો છતાં શ્વાન નિયંત્રણ વિભાગ માત્ર કાગળ પર
સ્થાનિક લોકો અને સામાજિક કાર્યકરોનો આક્ષેપ છે કે સુરત મનપાના શ્વાન નિયંત્રણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્વારા નીચલા સ્તરના કર્મચારીઓને કોઈ કડક કે સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવતી નથી, જેના કારણે આખો વિભાગ સાવ નિષ્ક્રિય બની ગયો છે. શહેરી વિસ્તારોમાં રખડતા કૂતરાઓની સંખ્યા નિયંત્રિત કરવા માટે સુપ્રીમ કોર્ટ દ્વારા અનેક કડક આદેશો અને માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે, પરંતુ સુરત મનપા આ આદેશોનું અસરકારક પાલન કરવામાં સદંતર નિષ્ફળ રહી છે. રોજબરોજ સેંકડો ફરિયાદો મળવા છતાં નાગરિકોને કોઈ ત્વરિત ઉકેલ મળતો નથી, જેના પરિણામે આજે નિર્દોષ બાળકોએ લોહી વહાવવાનો વારો આવ્યો છે. આ પણ વાંચો… સુપ્રીમ કોર્ટે કહ્યું- ખતરનાક કૂતરાઓને મોતનું ઇન્જેક્શન આપો, લોકોના જીવનું રક્ષણ કરવું તે મહત્વપૂર્ણ સુપ્રીમ કોર્ટે મંગળવારે (19 મે, 2026) કહ્યું કે, ખતરનાક અને બીમાર કૂતરાઓને ઇન્જેક્શન આપીને મારી શકાય છે. માનવ જીવનનું રક્ષણ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. કોઈપણ અધિકારી જે નિર્દેશનું ઉલ્લંઘન કરે છે તેના પર અવમાનનોનો કેસ ચલાવવો જોઈએ. કોર્ટે એ પણ નોંધ્યું હતું કે રાજસ્થાનના શ્રીગંગાનગર શહેરમાં એક જ મહિનામાં 1,084 કૂતરા કરડવાના કિસ્સા નોંધાયા હતા. અહેવાલો દર્શાવે છે કે નાના બાળકોને ગંભીર ઇજાઓ થઈ હતી, તેમના ચહેરા પર ઊંડા ઘા હતા. તમિલનાડુમાં, વર્ષના પ્રથમ ચાર મહિનામાં લગભગ 2 લાખ કૂતરા કરડવાના કિસ્સા નોંધાયા હતા. નવેમ્બર 2025માં, સુપ્રીમ કોર્ટે સ્કૂલો, હોસ્પિટલો, બસ સ્ટેન્ડ અને રેલ્વે સ્ટેશનો જેવા જાહેર સ્થળોએથી રખડતા કૂતરાઓને હટાવવા માટેનિર્દેશ આપ્યા હતા. કહ્યું હતું કે કૂતરાઓને શેલ્ટર હોમમાં રાખવા જોઈએ અને તેમને પાછા છોડવા જોઈએ નહીં. રસ્તા પર કૂતરાઓને ખવડાવવા પર પણ પ્રતિબંધ લગાવ્યો હતો. આ પછી, ડોગ લવર્સ અને NGOએ આ નિર્દેશોને રદ કરવા માટે અરજી કરી હતી. કોર્ટે 29 જાન્યુઆરીએ પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો. જસ્ટિસ વિક્રમ નાથ, સંદીપ મહેતા અને એન.વી. અંજારિયાની બેન્ચે કેસની સુનાવણી કરી. વાંચો સંપૂર્ણ અહેવાલ
Read Original Article →