બે વર્ષ બાદ ઈદ મનાવવા જવાના હતાં, પહોંચી ગયા હોસ્પિટલ:સુરતમાં કૂતરાઓએ બાળકનું માથું ફાડી નાખ્યું, પિતાએ કહ્યું- કલાકો સુધી સારવાર ન થઈ; ક્યારે જાગશે કોર્પોરેશન?
સુરત શહેરના સલાબતપુરા વિસ્તારમાં આવેલી તિરુપતિ માર્કેટના પાર્કિંગમાં બે દિવસ પહેલા (24 મે) સાંજે અત્યંત હૃદય કંપાવનારી ઘટના પ્રકાશમાં આવી હતી. વતનમાં જતાં પહેલાં બકરી-ઈદના તહેવારની ખરીદી કરવા ગયેલા પરિવારના એક 10 વર્ષના માસૂમ બાળક પર ત્રણ રખડતા કૂતરાઓએ હિંસક હુમલો કર્યો હતો. કૂતરાઓએ માત્ર 30થી 40 સેકન્ડના ગાળામાં બાળકના માથા, હાથ અને પગ સહિતના ભાગે 15થી વધુ ગંભીર બચકાં ભર્યા હતા. લોહીલુહાણ હાલતમાં માસૂમને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, જ્યાં તેના માથાના ભાગે અસંખ્ય ટાંકા લેવામાં આવ્યા હોય તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે. વતન જતાં પહેલાં કપડાં ખરીદવા ગયા ને દુર્ઘટના ઘટી
મળતી માહિતી અનુસાર, મૂળ ઉત્તર પ્રદેશના કાનપુરના વતની અને હાલ સલાબતપુરાની નવાબની ચાલમાં રહેતા 36 વર્ષીય મોહમ્મદ સાબીર સિદીકી સિલાઈ કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમનો 10 વર્ષનો પુત્ર મોહમ્મદ હમદાન ધોરણ-5માં અભ્યાસ કરે છે. સિદીકી પરિવાર બકરી ઈદનો તહેવાર મનાવવા માટે 2 વર્ષ પછી પોતાના વતન જવાનો હતો અને સોમવારે (25 મે) બપોરે તેમની ટ્રેન હતી. આથી રવિવારે સાંજે પરિવાર બેગમવાડી ખાતે આવેલી તિરુપતિ માર્કેટમાં કપડાંની ખરીદી કરવા ગયો હતો. દુકાનમાં જ્યારે પિતા કપડાંનું પેમેન્ટ કરી રહ્યા હતા, ત્યારે પુત્ર હમદાન ગેટની બહાર નીકળ્યો હતો. ગેટથી માંડ 5 મીટરના અંતરે એક રખડતા કૂતરાએ તેને નીચે પાડી દીધો હતો અને અન્ય બે કૂતરાઓએ પણ ધસી આવી તેના પર તૂટી પડ્યા હતા. સરકારી હોસ્પિટલની ગંભીર બેદરકારીનો આક્ષેપ
અંદાજીત 30થી 40 સેકેન્ડ સુધી કૂતરાએ હમદાન પર હુમલો કર્યો હતો. બાળકની ચીસાચીસ સાંભળી અને પિતાની નજર પડતા તરત દુકાનની બહાર દોડી આવી કૂતરાઓને ભગાડ્યા હતા. બાળકને માંથાના ભાગે, બંને પગ-હાથ સહિતના ભાગે 15થી વધુ બંચકાના લીધે ઈજા થતા લોહીલુહાણ હાલતમાં સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં લઈ જવાયો હતો. બાળકના પિતા મોહમ્મદ સાબીરે આક્ષેપ કર્યો છે કે, સરકારી હોસ્પિટલમાં કલાકો સુધી તેમના પુત્રને કોઈ યોગ્ય સારવાર આપવામાં આવી નહોતી. જ્યારે તેમણે ડોક્ટરો સામે ભારે આક્રોશ વ્યક્ત કર્યો, ત્યારે માંડ તેને હડકવા વિરોધી રસી (Anti-Rabies Vaccine)નું ઇન્જેક્શન આપવામાં આવ્યું હતું. કાલે બીજાના બાળક કે મહિલા સાથે પણ આવું બની શકેે, પિતાનો આક્રોશ
આ ઘટનાને પગલે બાળકના પિતા મોહમ્મદ સાબિરે સુરત મહાનગરપાલિકા અને સ્થાનિક રાજકીય નેતાઓ સામે ઉગ્ર રોષ ઠાલવતા જણાવ્યું હતું કે, ચૂંટણી વખતે તમામ નેતાઓ મોટા-મોટા વાયદા કરીને વોટ લેવા આવી જાય છે, પરંતુ કામ કોઈ કરતુ નથી. આજે મારા દીકરા સાથે આ ભયાનક ઘટના બની છે, કાલે કોઈ બીજાના બાળક કે મહિલા સાથે પણ આવું બની શકે છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, તેમના દીકરા પર હુમલો થયાના બીજા જ દિવસે (સોમવારે) તે જ સ્થળે કૂતરાએ અન્ય એક વ્યક્તિને પણ બચકાં ભર્યા હતા, છતાં મ્યુનિસિપાલિટીનું તંત્ર હજુ સુધી જાગ્યું નથી. આજે મંગળવાર આવી ગયો તોય કોઈ જ કાર્યવાહી થઈ નથી.બાળકને આટલી બધી ઈજાઓ થઈ હોવા છતાં, જ્યારે અમે તેને સરકારી હોસ્પિટલ લઈ ગયા, ત્યારે કલાકો સુધી ત્યાં કોઈ સારવાર જ ન થઈ. જ્યારે મેં ડૉક્ટર પર થોડો ગુસ્સો કર્યો ત્યારે જઈને તેમણે મારા દીકરાને ઇન્જેક્શન આપ્યું. બાકીની બધી સારવાર મેં બહાર ખાનગી હોસ્પિટલમાંથી કરાવી છે. ટીમ બે દિવસથી રાઉન્ડ લગાવી રહી છેઃ અધિકારી
ડોક્ટર દિગ્વિજયસિંહ રામ (પાલિકા માર્કેટ સુપ્રિટેન્ડેન્ટ)એ જણાવ્યું કે, તિરુપતિ માર્કેટ ખાતે શ્વાનના હુમલાની ઘટના અંગેની જાણ થયા બાદ ડોગ પકડવાની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. માર્કેટના સિક્યુરિટી ગાર્ડને સાથે રાખીને તપાસ કરવામાં આવી હતી, પણ ત્યાં એક પણ શ્વાન મળી આવ્યો ન હતો. સતત બે દિવસથી ત્યાં રાઉન્ડ લગાવવામાં આવી રહ્યો છે, પણ એક પણ શ્વાન મળ્યો નથી. ત્યાંથી એવું પણ જાણવા મળ્યું હતું કે, આ ઘટના બન્યા બાદ તમામને ત્યાંથી ભગાવી દેવામાં આવ્યા છે. આ સાથે જ્યાથી પણ શ્વાનના હુમલાની ઘટનાની ફરિયાદ મળે છે, ત્યાં સતત બે દિવસ રાઉન્ડ લગાવવામાં આવે છે અને ત્યાં રહેલા ડોગને પકડીને ભેસ્તાન એનિમલ બર્થ કંટ્રોલ સેન્ટર ખાતે રાખવામાં આવે છે. કોઈ શ્વાનને હડકવા છે કે નહીં? તેની પણ તપાસ કરવામાં આવે છે. વાંચો મુખ્ય સમાચાર... 40 સેકન્ડ સુધી 3 કૂતરાએ બચકાં ભર્યા, 10 ફૂટ ઢસડ્યો પાલિકાની નિષ્ક્રિયતા નિર્દોષનો ભોગ લેશે!
નોંધનીય છે કે, સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં અને ખાસ કરીને તિરુપતિ માર્કેટ આસપાસ કૂતરાઓના ટોળેટોળાં રખડતા હોવાથી સ્થાનિક વેપારીઓ અને રહીશોમાં ભયનો માહોલ છે. છેલ્લા થોડા દિવસોમાં માસૂમ બાળકો પર શ્વાનોના હુમલાના અનેક જીવલેણ કિસ્સાઓ સામે આવ્યા હોવા છતાં, પાલિકાના માર્કેટ વિભાગ દ્વારા કૂતરાઓને પકડવા કે તેમના ખસીકરણ માટે કોઈ નક્કર અને અસરકારક કામગીરી કરવામાં આવતી ન હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.
Read Original Article →