ગાડી પાર્કિંગ મામલે પુત્રની નજર સામે પિતાની હત્યા:સુરતમાં પ્લાસ્ટિકના વેપારી પર અસામાજિક તત્વોનો ચપ્પુથી હુમલો, ભેસ્તાન બ્રિજ નીચે એક મહિનામાં હત્યાની બીજી ઘટના

Gujarat5/12/2026, 2:49:22 PM
ગાડી પાર્કિંગ મામલે પુત્રની નજર સામે પિતાની હત્યા:સુરતમાં પ્લાસ્ટિકના વેપારી પર અસામાજિક તત્વોનો ચપ્પુથી હુમલો, ભેસ્તાન બ્રિજ નીચે એક મહિનામાં હત્યાની બીજી ઘટના
શહેરના ડીંડોલી અને પાંડેસરા વિસ્તારની સરહદ પર આવેલા ભેસ્તાન આવાસ બ્રિજ નીચે આજે 12મેએ બપોરે હત્યાની ઘટના બની હતી. વાહન પાર્કિંગ બાબતે પ્લાસ્ટિકના ભંગારનો વેપાર કરતા 57 વર્ષીય ઝાકીર પઠાણ પર અસામાજિક તત્વોએ જીવલેણ હુમલો કરી તેમની નિર્મમ હત્યા કરી નાખી છે. મૃતક ઝાકીરભાઈ ભાટેના રજા નગરના રહેવાસી હતા અને વર્ષોથી પસ્તી અને વેસ્ટ પ્લાસ્ટિકના વ્યવસાય સાથે સંકળાયેલા હતા. પાર્કિંગની સામાન્ય બોલાચાલીએ લોહીયાળ સ્વરૂપ ધારણ કર્યું મૃતકના ભત્રીજા સલમાન પઠાણના જણાવ્યા અનુસાર, આ સમગ્ર વિવાદ મંગળવારે બપોરે પાર્કિંગ અને પોટલા મૂકવા જેવી સામાન્ય બાબતથી શરૂ થયો હતો. વેપારીની ગાડી પાર્ક કરવા બાબતે ત્યાં હાજર અંકિત નેપાલી અને તેના ભાઈ સાથે બોલાચાલી થઈ હતી. જોતજોતામાં આ વિવાદ વકર્યો હતો અને અંકિત નેપાલી તથા તેની સાથે આવેલા અન્ય 12થી 15 જેટલા શખ્સોએ હથિયારો સાથે વેપારી પર તૂટી પડ્યા હતા. આ ટોળાએ ઝાકીરભાઈ પર તીક્ષ્ણ રેમ્બો ચપ્પુ વડે અનેક ઘા ઝીંક્યા હતા, જેના કારણે તેઓ લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યા હતા. પિતાને બચાવવા ગયેલા પુત્રો પર પણ જીવલેણ હુમલો જ્યારે હુમલાખોરો ઝાકીરભાઈ પર હુમલો કરી રહ્યા હતા, ત્યારે તેમને બચાવવા માટે તેમના બે પુત્રો વચ્ચે પડ્યા હતા. પરંતુ હુમલાખોરોએ પુત્રોને પણ છોડ્યા ન હતા. બંને પુત્રો પર પણ ચપ્પુથી હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં એક પુત્રને હાથમાં ગંભીર ઈજા થઈ છે, જ્યારે બીજા પુત્રને હાથ અને પગ બંને ભાગે ચપ્પુના ઘા વાગ્યા છે. હાલ બંને પુત્રો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જોકે પિતા ઝાકીરભાઈએ હોસ્પિટલ પહોંચતા પહેલા જ દમ તોડી દીધો હતો. પરિવાર દ્વારા પોલીસની નિષ્ક્રિયતા પર સવાલો પરિવારજનોએ પોલીસની કામગીરી સામે અત્યંત ગંભીર આક્ષેપો કર્યા છે. સલમાન પઠાણે જણાવ્યું કે, "અમે મંગળવારે બપોરે 3 વાગ્યાથી પોલીસને જાણ કરી રહ્યા હતા અને મદદ માંગી રહ્યા હતા, પરંતુ પોલીસ છેક સાંજે 6 વાગ્યે ઘટનાસ્થળે પહોંચી હતી." જો પોલીસે સમયસર પગલાં લીધા હોત તો કદાચ ઝાકીરભાઈનો જીવ બચી શક્યો હોત. આ વિલંબને કારણે સ્થાનિકોમાં પોલીસ પ્રત્યે ભારે નારાજગી જોવા મળી રહી છે અને પોલીસની પેટ્રોલિંગ વ્યવસ્થા પર સવાલો ઉઠી રહ્યા છે. અસામાજિક તત્વોની વધતી જતી દાદાગીરી હુમલાખોરોની હિંમત એટલી વધી ગઈ છે કે તેઓ જાહેરમાં પોલીસના નામે ધમકીઓ આપી રહ્યા હતા. સલમાનના દાવા મુજબ, હુમલાખોરો ખુલ્લેઆમ કહેતા હતા કે પોલીસ તેમનું કંઈ બગાડી શકશે નહીં. મંગળવારે બનેલી આ ઘટનાએ સાબિત કરી દીધું છે કે ગુનેગારોમાં પોલીસનો કોઈ ડર રહ્યો નથી. સામાન્ય નાગરિકો હવે આ વિસ્તારમાં અવરજવર કરતા પણ ડરી રહ્યા છે, કારણ કે ગુનેગારો રસ્તા વચ્ચે જ હુમલો કરતા અચકાતા નથી. ભેસ્તાન આવાસ બ્રિજ નીચે એક મહિનામાં બીજી હત્યા સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, ભેસ્તાન આવાસ બ્રિજ નીચે અસામાજિક તત્વોનો ભારે જમાવડો રહે છે. ચોંકાવનારી વિગત એ છે કે આ જ મહિનામાં આ બ્રિજ નીચે આ બીજી હત્યાની ઘટના છે. આ સિવાય છેલ્લા ટૂંકા ગાળામાં ત્રણ જેટલા 'હાફ-મર્ડર' એટલે કે જીવલેણ હુમલાની ઘટનાઓ બની ચૂકી છે. મંગળવારની આ ઘટના બાદ આ વિસ્તારમાં ગુનાખોરીનું પ્રમાણ એટલું વધી ગયું છે કે વેપારીઓ સુરક્ષાની માંગ કરી રહ્યા છે. પરિવારની ન્યાયની માંગ અને પોલીસ તપાસનો ધમધમાટ પોતાના મોભીને ગુમાવનાર પઠાણ પરિવાર અત્યારે આઘાતમાં છે. તેઓની એક જ માંગ છે કે હત્યારાઓને વહેલી તકે પકડવામાં આવે અને તેમને કડકમાં કડક સજા થાય. બીજી તરફ, મંગળવારની આ ઘટનાની ગંભીરતાને જોતા ડીંડોલી પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે અંકિત નેપાલી અને તેના સાગરીતો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તેમની શોધખોળ હાથ ધરી છે અને આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
Read Original Article →