'ટીકા કરનારા કરે, અમે તો દરવાજે લીંબુ-મરચાં બાંધી દીધા છે':સુરત ડાયમંડ બુર્સ વિશ્વનું સૌથી મોટું 'CVD ડાયમંડ હબ' બનીને ઉભરશે, આગામી 5 મહિનામાં વધુ 500 ઓફિસો ધમધમશે
સુરતમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આજે ખજોદ સ્થિત વિશ્વના સૌથી મોટા કોમર્શિયલ બિલ્ડિંગ 'સુરત ડાયમંડ બુર્સ' (SDB)ની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે બુર્સમાં કાર્યરત થયેલા વિવિધ વેપારીઓની ઓફિસોની રૂબરૂ મુલાકાત લઈ તેમનો ઉત્સાહ વધાર્યો હતો. હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, 'ટીકા કરનારા કરે, અમે તો દરવાજે લીંબુ-મરચાં બાંધી દીધા છે' આગામી બે વર્ષમાં સુરત ડાયમંડ બુર્સ વિશ્વનું સૌથી મોટું 'CVD ડાયમંડ હબ' બનીને ઉભરશે. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે જે રીતે કામગીરી આગળ વધી રહી છે, તેને જોતા મુંબઈ નહીં પણ સુરત જ લેબગ્રોન અને નેચરલ ડાયમંડનું કેન્દ્ર રહેશે. ઉદ્યોગકાર મુકેશ પટેલને આ પ્રોજેક્ટની ગતિ વધારવા માટે વિશેષ જવાબદારી સોંપવામાં આવી છે. એક વર્ષમાં 1500 અને આગામી 5 મહિનામાં વધુ 500 ઓફિસો ધમધમશે
SDBની પ્રગતિ અંગે વિગતો આપતા હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ખૂબ જ ટૂંકા ગાળામાં અહીં વેપારીઓએ પોતાની ઓફિસો શરૂ કરી દીધી છે. આંકડાકીય વિગતો આપતા તેમણે કહ્યું કે, આવનારા એક વર્ષમાં બુર્સમાં કુલ 1500 જેટલી ઓફિસો કાર્યરત થઈ જશે. એટલું જ નહીં, આગામી માત્ર 5 મહિનામાં વધુ 500 નવી ઓફિસોના શ્રીગણેશ થશે. રફથી લઈને પોલિશ્ડ હીરાનું કામ એક જ છત નીચે થશે
અત્યારે દરરોજ સરેરાશ 2800થી 3200 લોકોની એન્ટ્રી બુર્સમાં નોંધાઈ રહી છે, જે દર્શાવે છે કે વેપારની ગતિ તેજ બની રહી છે. રફ હીરાના વેપારીઓ પણ આગામી 4 મહિનામાં અહીં પોતાની ઓફિસો શરૂ કરે તે માટે આશ્વાસન આપવામાં આવ્યું છે, જેનાથી રફથી લઈને પોલિશ્ડ હીરાનું કામ એક જ છત નીચે થશે. બ્રોકરો માટે સસ્તા દરે ભોજન અને કેબિનની સુવિધાની જાહેરાત
હીરા ઉદ્યોગની કરોડરજ્જુ ગણાતા દલાલો અને બ્રોકરો માટે હર્ષ સંઘવીએ મહત્વની જાહેરાત કરી હતી. તેમણે સૂચન કર્યું હતું કે, બુર્સમાં આવતા તમામ દલાલો માટે સસ્તા દરે પૌષ્ટિક ભોજન મળી રહે તેવી 'ભોજનશાળા'ની વ્યવસ્થા વહેલી તકે શરૂ કરવામાં આવે. 'તમારી ઓફિસ કે નાની કેબિન શરૂ કરો'
તેમણે દલાલોને અપીલ કરી હતી કે, તમે બધા જ SDBમાં વેપાર કરવાનું નક્કી કરો, અહીં તમારી ઓફિસ કે નાની કેબિન શરૂ કરો જેથી તમે આરામથી હીરા જોઈ શકો અને વેપાર કરી શકો. બ્રોકરોનો વેપાર વધે તે માટે જરૂરી તમામ પાયાની સુવિધાઓ બુર્સ પ્રશાસન દ્વારા ઉભી કરવામાં આવશે તેવી ખાતરી પણ આપવામાં આવી હતી. દુબઈ જવાની જરૂર નહીં પડે, સુરતમાં જ રફ ટેન્ડરિંગનો ધમધમાટ
સુરતના વેપારીઓને રફ હીરાના ટેન્ડરિંગ માટે અત્યાર સુધી દુબઈ કે અન્ય વિદેશી કેન્દ્રો પર નિર્ભર રહેવું પડતું હતું, જેમાં સમય અને નાણાંનો વ્યય થતો હતો. આ બાબતે મંત્રીએ ખુશી વ્યક્ત કરતા જણાવ્યું કે, ભાવેશભાઈના સહયોગથી તાજેતરમાં SDBમાં 3 મોટા રફ ટેન્ડર સફળતાપૂર્વક પૂર્ણ થયા છે, જેમાં અંદાજે 500 કરોડ રૂપિયાનો બિઝનેસ થયો છે. આગામી 20 દિવસમાં વધુ 3 ટેન્ડરો આવવાના છે. રફ હીરાના વેપારીઓ આગામી ચાર મહિનામાં અહીં સ્થાયી થશે, જેનાથી સુરત ડાયમંડ બુર્સ આંતરરાષ્ટ્રીય સ્તરે રફ ટેન્ડરિંગનું પણ મુખ્ય કેન્દ્ર બની જશે. ‘અમે બુર્સના દરવાજે લીંબુ-મરચાં બાંધ્યા છે’
બુર્સની ટીકા કરનારાઓ પર આકરા પ્રહાર કરતા હર્ષ સંઘવીએ વ્યુત્પન્ન શૈલીમાં જણાવ્યું હતું કે, દુનિયાની સૌથી મોટી ઓફિસ બિલ્ડિંગ જોઈને અમુક લોકોને ઈર્ષ્યા થાય તે સ્વાભાવિક છે. જેમને જેટલી ટીકા કરવી હોય તેટલી કરે, અમે તો બુર્સના દરવાજે લીંબુ-મરચાં બાંધી દીધા છે જેથી કોઈની નજર ન લાગે. '15 વર્ષની રાહ નહીં જોઈએ, સુરતની ગતિ જ અલગ છે'
તેમણે ભારત ડાયમંડ બુર્સ (મુંબઈ) સાથે સરખામણી કરતા કહ્યું કે, મુંબઈમાં બુર્સ કાર્યરત થતા 15 વર્ષ લાગ્યા હતા અને 20 વર્ષે માંડ એક ઓફિસ શરૂ થઈ હતી, જ્યારે સુરતમાં માત્ર 2 વર્ષમાં 250થી વધુ ઓફિસો ધમધમતી થઈ ગઈ છે. અમે 15 વર્ષની રાહ નહીં જોઈએ, સુરતની ગતિ જ અલગ છે. 'હું ઘરે જઈને ચા પીવડાવીને અહીં લઈ આવીશ'
વેપારીઓ અને કર્મચારીઓની સુવિધા માટે પરિવહન સેવાઓને વધુ મજબૂત બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. હર્ષ સંઘવીએ જણાવ્યું કે SDB સુધી પહોંચવા માટે બસોની સંખ્યા અને ફ્રિકવન્સીમાં નોંધપાત્ર વધારો કરવામાં આવશે જેથી કનેક્ટિવિટીનો પ્રશ્ન ન રહે. અંતમાં તેમણે હળવા અંદાજમાં વેપારીઓને પ્રોત્સાહિત કરતા કહ્યું કે, જે વેપારીઓનું મન અહીં આવવામાં હજુ થોડું ઓછું હોય, તેમને હું ઘરે જઈને ચા પીવડાવીને અહીં લઈ આવીશ. જ્યારે મોટી સંખ્યામાં નવી ઓફિસોનું ઓપનિંગ થશે, ત્યારે હું પોતે બેન્ડ-બાજા સાથે આવીશ અને બધાને સાથે રાખીને આ ઉત્સવ ઉજવીશ. 2 વર્ષમાં સુરત બનશે ગ્લોબલ CVD હબ
મંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે આગામી 2 વર્ષમાં સુરત ડાયમંડ બુર્સ (SDB) વિશ્વનું સૌથી મોટું CVD ડાયમંડ ટ્રેડિંગ સેન્ટર બનશે. અત્યાર સુધી આ ક્ષેત્રમાં મુંબઈનું વર્ચસ્વ હતું, પરંતુ હવે સુરત તેને ઓવરટેક કરશે. હર્ષ સંઘવીએ CVD વેપારીઓને ખાસ વિનંતી કરી કે તેઓ આ ઉદ્યોગને માત્ર એક નાના વ્યવસાય તરીકે નહીં, પણ ભવિષ્યના ડાયમંડ અને જ્વેલરી ઉદ્યોગના મુખ્ય ભાગ તરીકે જુએ અને વધુ મજબૂતીથી કામ કરે.તેમણે CVD હીરાના વેપારીઓને આ ઉદ્યોગને માત્ર વ્યવસાય તરીકે નહીં પણ મજબૂત ઓળખ તરીકે આગળ ધપાવવા વિનંતી કરી હતી.
Read Original Article →