સુરતમાં ગાયોના ગોચર પર નેતાપુત્રોની નજર?:ડેપ્યુટી મેયરના પુત્રો પર ગોચરની જમીન પચાવી પાડવાનો આરોપ, બુલડોઝરની કામગીરી વખતે ભારે બબાલ

Gujarat6/8/2026, 5:38:31 AM
સુરતમાં ગાયોના ગોચર પર નેતાપુત્રોની નજર?:ડેપ્યુટી મેયરના પુત્રો પર ગોચરની જમીન પચાવી પાડવાનો આરોપ, બુલડોઝરની કામગીરી વખતે ભારે બબાલ
સુરત શહેરમાં સરકારી અને જાહેર જમીનો પર થતા ગેરકાયદેસર દબાણોનો મુદ્દો અવારનવાર ચર્ચામાં રહે છે પરંતુ, જ્યારે આવા દબાણો પાછળ સત્તાધારી પક્ષના જ ઉચ્ચ પદાધિકારીઓના પરિવારજનોના નામ સામે આવે ત્યારે મામલો ભારે રાજકીય ગરમાવો પકડે છે. આવો જ એક સનસનાટીપૂર્ણ કિસ્સો સુરતના ડિંડોલી-સણિયા રોડ પરથી પ્રકાશમાં આવ્યો છે, જ્યાં સુરત મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર સુધાકર ચૌધરીના પુત્રો પર ગામની કિંમતી ગોચરની જમીન ગેરકાયદેસર રીતે પચાવી પાડવાનો ગંભીર આરોપ સ્થાનિક ગ્રામજનો દ્વારા લગાવવામાં આવ્યો છે. આ દબાણ હટાવવા ગયેલા ગામના સરપંચ અને ડેપ્યુટી મેયરના પુત્રો વચ્ચે થયેલી ઉગ્ર માથાકૂટના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ચકચાર મચી ગઈ છે. પશુઓ માટે અનામત રાખેલી જમીન પર ખાનગી બાંધકામનો પ્રયાસ મળતી માહિતી અનુસાર, ડિંડોલી વિસ્તારમાં આવેલા સણિયા રોડ પર, મધુવન ફાર્મની બિલકુલ સામે સણિયા ગામની માલિકીની અને પશુઓ માટે અનામત રાખવામાં આવેલી કિંમતી ગોચરની જમીન આવેલી છે. છેલ્લા કેટલાક સમયથી આ સામૂહિક માલિકીની સરકારી જમીન પર ચોક્કસ તત્વો દ્વારા ગેરકાયદેસર રીતે બાંધકામ ચાલતું હોવાનું ગ્રામજનોના ધ્યાને આવ્યું હતું. સ્થાનિક સ્તરે તપાસ કરતા માલૂમ પડ્યું હતું કે, આ દબાણ બીજું કોઈ નહીં પરંતુ સુરતના વર્તમાન ડેપ્યુટી મેયર સુધાકર ચૌધરીના બે પુત્રો- રાહુલ સુધાકર ચૌધરી અને અતુલ સુધાકર ચૌધરી દ્વારા કરવામાં આવી રહ્યું છે. ગામની કિંમતી જમીન આ રીતે ખાનગી હિત માટે પચાવી પાડવામાં આવતી હોવાનું જોઈને જાગૃત નાગરિકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો. સરપંચે રાજકીય દબાણ વિના બુલડોઝર ફેરવ્યું ગ્રામજનોની ઉગ્ર રજૂઆત અને પોતાની નૈતિક ફરજ સમજીને સણિયા ગામના સરપંચ જસપાલ સોલંકી તાકીદે એક્શન મોડમાં આવ્યા હતા. તેઓ કોઈપણ પ્રકારના રાજકીય દબાણમાં આવ્યા વિના, ગ્રામ પંચાયતના સ્ટાફ અને જેસીબી (JCB) મશીન સાથે ડિંડોલી-સણિયા રોડ પર મધુવન ફાર્મ સામે આવેલા વિવાદિત સ્થળે પહોંચ્યા હતા. સરપંચે સ્થળ પર પહોંચીને ગેરકાયદેસર રીતે ઉભા કરાયેલા દબાણો પર બુલડોઝર ફેરવવાની કામગીરી શરૂ કરાવી હતી. બુલડોઝરની કામગીરી શરૂ થતાંની સાથે જ ડેપ્યુટી મેયરના બંને પુત્રો, રાહુલ ચૌધરી અને અતુલ ચૌધરી પોતાના સમર્થકો સાથે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તેઓએ સરકારી સ્ટાફ અને સરપંચની કાયદેસરની કામગીરીને અટકાવવાનો પ્રયાસ કરી ઉગ્ર દલીલો શરૂ કરી હતી. હાઈવોલ્ટેજ ડ્રામાનો લાઈવ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ જ્યારે આ સમગ્ર હાઈવોલ્ટેજ ડ્રામા અને માથાકૂટ ચાલી રહી હતી, ત્યારે ત્યાં હાજર કેટલાક સ્થાનિક યુવાનોએ પોતાના મોબાઈલ કેમેરામાં આ દ્રશ્યો કેદ કરી લીધા હતા. બુલડોઝરની કામગીરી, ડેપ્યુટી મેયરના પુત્રોની દલીલો અને સરપંચ સામેની ઉગ્ર બોલાચાલીના આ વીડિયોઝ ટૂંક સમયમાં જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર વાયુવેગે વાયરલ થઈ ગયા હતા, જેને પગલે સમગ્ર પંથકમાં ભારે ચર્ચા જાગી છે. પડદા પાછળ 'સમાધાન' થતાં જનતામાં સવાલો આ ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસની એન્ટ્રી અને સ્થાનિક સ્તરે અગ્રણીઓની મધ્યસ્થતા બાદ હાલ પૂરતો વિવાદ શાંત પડ્યો છે. એવા દાવાઓ કરવામાં આવી રહ્યા છે કે, બંને પક્ષોએ બેસીને પરસ્પર સહમતીથી સમાધાન કરી લીધું છે. જોકે, આ કથિત સમાધાન બાદ પણ વીડિયો વાયરલ થઈ જતાં હવે સોશિયલ મીડિયા પર લોકો સવાલો ઉઠાવી રહ્યા છે કે, શું સત્તાના જોરે સરકારી અને ગોચરની જમીન પર થયેલા દબાણના કેસમાં પણ આ રીતે આંતરિક સમાધાન કરી શકાય? આ મામલે હવે તંત્ર દ્વારા શું કડક પગલાં લેવાય છે તેના પર સૌની નજર મંડાયેલી છે.
Read Original Article →