સુરતમાં 100 મકાન કોણે તોડ્યા?, ધારાસભ્ય- કમિશનર અજાણ!:મનપા અને પોલીસની હાજરી હોવા છતા તંત્રનો નનૈયો, નાસીરનગર મેગા ડીમોલીશન મામલે વિવાદ વકર્યો

Gujarat6/6/2026, 8:59:29 AM
સુરતમાં 100 મકાન કોણે તોડ્યા?, ધારાસભ્ય- કમિશનર અજાણ!:મનપા અને પોલીસની હાજરી હોવા છતા તંત્રનો નનૈયો, નાસીરનગર મેગા ડીમોલીશન મામલે વિવાદ વકર્યો
સુરત શહેરના કતારગામમાં આવેલા નાસીરનગર સ્લમ એરિયામાં થયેલી ડીમોલીશન કામગીરીનો વિવાદ વકર્યો છે. 100 જેટલા મકાન તોડી ગરીબોનો રસ્તા પર લવાયા બાદ હવે આ મકાન કોણે અને કયા નિયમ હેઠળ તોડ્યા તે સ્વીકારવા કોઈ તૈયાર નથી. ડીમોલીશન સમયે મહાનગરપાલિકા અને પોલીસની હાજરી હોવા છતા આ ડીમોલીશન મહાનગરપાલિકાએ કર્યાનો ઈન્કાર કરવામાં આવી રહ્યો છે. હવે આ વિવાદમાં ભાજપના જ ધારાસભ્ય વિનુ મોરડીયાની એન્ટ્રી થઈ છે. વિનુ મોરડીયાએ પણ સ્વીકાર્યું છે કે આ ડીમોલીશન કામગીરી મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી નથી. ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે, એક કરતા વધુ મશીનો સાથે દિનદહાડે 100 જેટલા લોકોના મકાન તોડી નાખનાર 'મિસ્ટર ઈન્ડિયા' કોણ? બોલો, ધારાસભ્યને જ ખબર નથી કે તેના વિસ્તારમાં ડીમોલીશન કોણ કરી ગયું? સમગ્ર વિવાદના મૂળ સુધી પહોંચતા કતારગામના ધારાસભ્ય વિનુ મોરડીયાએ જણાવ્યું હતું કે, વેડદરવાજા નાસીર નગર ખાતે જે પણ ગતિવિધિ થઈ રહી હતી તે અંગે તેમણે સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોનના ઉચ્ચ વહીવટી અધિકારીઓ પાસેથી સત્તાવાર અને વિસ્તૃત માહિતી મંગાવી હતી. અધિકારીઓ સાથેની આ ચર્ચામાં જે સત્ય સામે આવ્યું તે અત્યંત આઘાતજનક છે. સેન્ટ્રલ ઝોનના ઓફિશિયલ્સે સ્પષ્ટ કર્યું છે કે પાલિકાની ટીમ ત્યાં માત્ર કાયદેસરની 'લાઇન દોરી' (રોડ માર્જિન અને માપણી) ની કામગીરી કરવા માટે જ ગઈ હતી. વધુમાં ધારાસભ્યે ઉમેર્યું કે, સેન્ટ્રલ ઝોન દ્વારા ત્યાં કોઈપણ પ્રકારનું ઓફિશિયલ ડિમોલિશન કે પાકા-કાચા મકાનો તોડવાનો આદેશ આપવામાં આવ્યો નહોતો કે ન તો કોઈ સત્તાવાર કાર્યવાહી કરવામાં આવી છે. પાલિકાની વહીવટી ફાઈલોમાં પણ આ પ્રકારના કોઈ તોડકામની નોંધ નથી. આ પરિસ્થિતિ જોતા ધારાસભ્યે પણ ભારે આશ્ચર્ય અને ચિંતા વ્યક્ત કરી છે કે જો મહાનગરપાલિકાએ આ તોડફોડ નથી કરી, તો ધોળા દિવસે જેસીબી અને હિટાચી મશીનો લઈને આખો સ્લમ વિસ્તાર સાફ કરી જવાની હિંમત કોણે કરી? શું આની પાછળ કોઈ લેન્ડ માફિયા કે બિલ્ડર નેક્સસ કામ કરી રહ્યું છે? તે દિશામાં હવે તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવશે સ્થાનિકોએ કહ્યું- 'ડીમોલીશન સમયે પોલીસની પણ હાજરી હતી' નાસીર નગર ડિમોલિશન વિવાદમાં સ્થાનિક રહીશો અને પીડિતો દ્વારા જે આક્ષેપો કરવામાં આવ્યા છે, તે સુરત પોલીસ તંત્રની વિશ્વસનીયતા પર કલંક સમાન છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, જ્યારે તેમના ઘરો પર જેસીબીના પંજા ફરી રહ્યા હતા અને ગરીબ મહિલાઓ-બાળકો પોતાના આશિયાના બચાવવા આક્રંદ કરી રહ્યા હતા, ત્યારે ત્યાં ખાખી વર્દીમાં પોલીસ જવાનો પણ તૈનાત હતા.અહીં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે જો આ ડિમોલિશન ગેરકાયદેસર કે કોઈ અનધિકૃત લોકો દ્વારા વહીવટી તંત્રના નામે કરવામાં આવી રહ્યું હતું, તો ઘટનાસ્થળે હાજર પોલીસ ફોર્સે કેમ કોઈ સવાલ ન કર્યા? શું પોલીસે તોડફોડ કરનારી ગેંગ પાસેથી મહાનગરપાલિકાનો સત્તાવાર ડિમોલિશન ઓર્ડર કે મેજિસ્ટ્રેટની પરવાનગીનો કાગળ માંગવાની તસ્દી લીધી હતી ખરી? ધોળા દિવસે આખા વિસ્તારમાં ગેરકાયદે તોડફોડ થઈ જાય, સેંકડો લોકો બેઘર બની જાય અને પોલીસ તંત્ર મૂકપ્રેક્ષક બનીને તમાશો જોતું રહે અથવા આડકતરી રીતે મદદ કરતું હોય, તે સુરત પોલીસની અત્યાર સુધીની સૌથી મોટી અને ઘોર બેદરકારી સાબિત થઈ રહી છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓએ પણ હવે આ મામલે સ્થાનિક પીસીઆર વાન અને સુરક્ષામાં તૈનાત સ્ટાફની ભૂમિકાની આંતરિક તપાસ કરવી પડે તેવી નોબત આવી છે. ધારાસભ્યના નિવેદન બાદ સુરત મનપાની સ્થિતિ કફોડી બની ધારાસભ્ય વિનુ મોરડીયાના નિવેદન બાદ સુરત મહાનગરપાલિકાના જે અધિકારીઓ અત્યાર સુધી પોતાનો બચાવ કરી રહ્યા હતા, તેઓ પણ હવે કાનૂની અને નૈતિક કઠેડામાં આવી ગયા છે. સવાલ એ થાય છે કે સેન્ટ્રલ ઝોનની આખી ટીમ જ્યારે ત્યાં રોડ લાઇન દોરીની કામગીરી કરવા માટે હાજર જ હતી, અને તેમની બરાબર નજર સામે જ કોઈ અજાણ્યા લોકો ગેરકાયદેસર રીતે જેસીબી મશીનો ચલાવીને લોકોના મકાનો તોડી રહ્યા હતા, ત્યારે પાલિકાના જવાબદાર અધિકારીઓએ આ ગેરકાયદેસર તોડફોડને તુરંત અટકાવવાનો પ્રયાસ કેમ ન કર્યો? શહેરના કાયદા મુજબ પાલિકાની હદમાં પરવાનગી વગર એક ઈંટ પણ મૂકવામાં આવે તો મનપાના જે-તે ઝોનના અધિકારીઓ દોડતા થઈ જાય છે. તો પછી અહીં આખેઆખા મકાનો જમીનદોસ્ત થઈ રહ્યા હતા ત્યારે અધિકારીઓએ કયા કારણોસર મૌન ધારણ કરી લીધું? શું પાલિકાના કેટલાક ભ્રષ્ટ અધિકારીઓની આ 'નકલી ડિમોલિશન' કરનારા તત્વો સાથે અંદરખાને કોઈ મિલીભગત હતી? આ તમામ સવાલો હાલમાં સુરતના સાર્વજનિક અને રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચાનો વિષય બન્યા છે. એક તરફ ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં વાવાઝોડા અને તોફાની વરસાદની ગંભીર આગાહી કરવામાં આવી છે, વાતાવરણ પલટાઈ રહ્યું છે, ત્યારે બીજી તરફ કોઈ પણ આગોતરી લેખિત નોટિસ આપ્યા વગર વહેલી સવારે અચાનક ત્રાટકેલા આ ડિમોલિશનને કારણે 100 થી વધુ શ્રમિક અને અત્યંત ગરીબ પરિવારો પોતાના નાના બાળકો, વૃદ્ધો અને ઘરવખરીના સામાન સાથે ખુલ્લા આકાશ નીચે રસ્તા પર આવી ગયા છે. વહીવટી તંત્રની આ સંવેદનહીનતા અને લાપરવાહીના કારણે સ્થાનિક જનતામાં શાસક પક્ષ અને કમિશનર પ્રશાસન સામે ભારે રોષ ફાટી નીકળ્યો છે. પીડિતો ન્યાય માટે અને પોતાના આશિયાના તોડનારા ગુનેગારોને જેલભેગા કરવા માટે આક્રંદ કરી રહ્યા છે. (સંપૂર્ણ સમાચાર વાંચો) આ ગંભીર અને સંવેદનશીલ બાબતને ધ્યાનમાં રાખીને ધારાસભ્ય વિનુ મોરડીયાએ સ્થાનિક રહીશોને સાંત્વના આપતા જણાવ્યું છે કે આ મામલાને જરાય હળવાશથી લેવામાં આવશે નહીં. આ એક અત્યંત ગંભીર વહીવટી ગુનો અને કાવતરું છે. મહાનગરપાલિકાની આડમાં ગરીબોના ઘર તોડી જનારા તત્વોને શોધવા માટે ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપવામાં આવશે.
Read Original Article →