ડ્રગ્સ કેસના હિસ્ટ્રીશીટરોને પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર બોલાવી કડક કાઉન્સિલિંગ:140 ગુનેગારોના ડોઝિયર્સ ખોલી અપાઈ અંતિમ ચેતવણી, DCPએ 12 વર્ષ જેલ કાપી આવેલા બંધાણીની આપવીતી સાંભળી

Gujarat5/26/2026, 1:42:03 PM
ડ્રગ્સ કેસના હિસ્ટ્રીશીટરોને પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર બોલાવી કડક કાઉન્સિલિંગ:140 ગુનેગારોના ડોઝિયર્સ ખોલી અપાઈ અંતિમ ચેતવણી, DCPએ 12 વર્ષ જેલ કાપી આવેલા બંધાણીની આપવીતી સાંભળી
સુરત શહેર પોલીસ દ્વારા એક ખાસ પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નાર્કોટીક્સના ગુનામાં પકડાયેલા અને હાલમાં જામીન પર મુક્ત થયેલા 140 થી વધુ હિસ્ટ્રીશીટરો અને આરોપીઓને પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે બોલાવવામાં આવ્યા હતા. આ તમામ આરોપીઓની આકરી પૂછપરછ કરીને તેમના નવા ડોઝિયર્સ તૈયાર કરવામાં આવ્યા છે. આ ખાસ કાઉન્સિલિંગ અને ચેતવણી સત્ર દરમિયાન ડીસીપી રાજદીપસિંહ નકુમ દ્વારા સીધો સંવાદ સાધવામાં આવ્યો હતો, જેમાં તેમણે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી હતી કે, જો ભવિષ્યમાં ફરી ક્યારેય નાર્કોટીક્સની કોઈ પણ પ્રવૃત્તિમાં સંડોવણી જોવા મળશે તો કાયદાની સૌથી કડક કલમો હેઠળ જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવશે. ડીસીપી અને સલીમ વચ્ચેનો હૃદયકંપાવનારો સંવાદ આ પરેડ દરમિયાન વાતાવરણ ત્યારે અત્યંત ગંભીર બની ગયું જ્યારે ડીસીપી રાજદીપસિંહ નકુમે હાજર આરોપીઓમાંથી ડ્રગ્સ કેસમાં વાસ્તવિક સજા કાપી ચૂકેલા લોકોને આગળ આવવા જણાવ્યું. તે સમયે મહોમ્મદ સલીમ ગુલામ મુસ્તફા નામનો એક આધેડ વયનો વ્યક્તિ સામે આવ્યો, જેણે પોતાની જિંદગીના બાર કિંમતી વર્ષો ડ્રગ્સના કેસમાં જેલની અંદર કાપ્યા હતા. ડીસીપી નકુમ અને સલીમ વચ્ચે થયેલી વાતચીતનો લાઈવ ચિતાર ત્યાં હાજર અન્ય તમામ ગુનેગારોની આંખો ખોલનારો સાબિત થયો હતો. સલીમે રડમસ અવાજે સ્વીકાર્યું હતું કે, માત્ર નશો કરવાની અને લેવા જવાની નાની ભૂલના કારણે તેનો આખો પરિવાર રસ્તા પર આવી ગયો હતો અને બાળકોનું ભવિષ્ય સંપૂર્ણપણે અંધકારમય બની ગયું હતું. પોલીસ પરેડ ગ્રાઉન્ડ: ડીસીપી અને આરોપી વચ્ચેની વાતચીતના અંશો ડીસીપી રાજદીપ સિંહ નકુમ: આમાં, ડ્રગ્સની અંદર સજા પડી હોય એવું કોણ છે? ઊભો થા. (એક વ્યક્તિ ઊભો થાય છે અને આગળ આવે છે) ડીસીપી રાજદીપ સિંહ નકુમ: શું નામ છે તારું? વ્યક્તિ: મારું નામ મહોમ્મદ સલીમ ગુલામ મુસ્તફા છે. ડીસીપી રાજદીપ સિંહ નકુમ: કેટલા વર્ષની સજા પડી? વ્યક્તિ: મેં 12 વર્ષ કાપીને આવ્યો સાહેબ. ડીસીપી રાજદીપ સિંહ નકુમ: 12 વર્ષ? કઈ સાલમાં ગયો હતો? વ્યક્તિ: હું 2004માં હતો સાહેબ ડીસીપી રાજદીપ સિંહ નકુમ: ક્યારે છૂટ્યો? વ્યક્તિ: 2016માં છૂટ્યો સાહેબ. ડીસીપી રાજદીપ સિંહ નકુમ: અત્યારે પ્રવૃત્તિ કરે છે? વ્યક્તિ: ના, અત્યારે જીંગા-મચ્છીનો ધંધો છે સાહેબ મારો. ડીસીપી રાજદીપ સિંહ નકુમ: અચ્છા, તો... તો ડ્રગ્સનો ધંધો કરતો હતો જે તે વખતે? વ્યક્તિ: ના સાહેબ, હું બંધાણી હતો અને હું લેવા માટે ગયો. હવે વેપારીના ત્યાં રેડ પડી ગઈ તો એમાં મને પણ ઉચકવામાં આવ્યો, ને એમાં મને પણ એ લોકોનો નંબરકારી (ભાગીદાર) બનાવવામાં આવ્યો સાહેબ. ડીસીપી રાજદીપ સિંહ નકુમ: તો પણ તને 12 વર્ષની સજા પડી, તો તારા ઘર-પરિવારનું શું થયું? વ્યક્તિ: બહુ બહુ બહુ હેરાન-પરેશાન થઈ ગયા હતા સાહેબ. મારા છોકરાઓને એટલી તકલીફ પડી છે સાહેબ, એ લોકોના કોઈ અરમાન મેં પૂરો નહી કરી શક્યો સાહેબ. એ લોકો અધૂરા રહ્યા... કાયદો સૌથી કડક, શોર્ટકટ છોડવા તાકીદ આ સંવાદ બાદ DCP રાજદીપસિંહ નકુમે ત્યાં હાજર તમામ 140 થી વધુ જામીનમુક્ત આરોપીઓને સંબોધતા કાયદાની ગંભીરતા સમજાવી હતી. તેમણે સ્પષ્ટ કર્યું કે, NDPS એક્ટ ભારતીય કાયદાઓમાં સૌથી કડક કાયદાઓમાંથી એક છે, જેમાં ડ્રગ્સના પેડલિંગ કે તસ્કરી માટે સીધી 20 વર્ષ સુધીની કઠોર જેલની સજાની જોગવાઈ છે. આ કાયદા હેઠળ સામાન્ય સંજોગોમાં કોર્ટમાંથી જામીન મળવા પણ અશક્ય બની જાય છે. DCPએ લાલઆંખ કરતા જણાવ્યું કે, "તમે લોકો થોડાક રૂપિયાના નફા માટે અથવા શોર્ટકટથી અમીર બની જવા માટે ડ્રગ્સના કાળા કારોબારમાં ઝંપલાવો છો, પરંતુ તેની પાછળ તમારું ઘર, સગા-સંબંધીઓ અને આખો પરિવાર જીવતેજીવ બરબાદ થઈ જાય છે. તમારી એક ભૂલ આખા ઘરને નષ્ટ કરી નાખે છે, માટે આવા તમામ શોર્ટકટ આજથી જ છોડી દેજો." 327 કેસમાં 450 આરોપીઓ જેલના સળિયા પાછળ સુરત શહેર પોલીસની સત્તાવાર આંકડાકીય માહિતી મુજબ, છેલ્લા બે વર્ષ એટલે કે સને-2025 અને સને-2026 દરમિયાન નાર્કોટીક્સના ગુનાઓ સામે અભૂતપૂર્વ કાર્યવાહી કરવામાં આવી છે. આ બે વર્ષના ટૂંકા ગાળામાં સુરત એસઓજી અને વિવિધ પોલીસ સ્ટેશનો દ્વારા કુલ 327 જેટલા મજબૂત કેસો દાખલ કરવામાં આવ્યા છે. આ ઓપરેશન્સ અંતર્ગત આંતરરાજ્ય અને સ્થાનિક ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કરીને અત્યાર સુધીમાં કુલ 450 જેટલા રીઢા ગુનેગારો, સપ્લાયર્સ અને પેડલરોને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે. સુરત પોલીસની આ આક્રમક નીતિના કારણે ડ્રગ્સ માફિયાઓના નેટવર્કની કમર તૂટી ગઈ છે અને શહેરમાં ગેરકાયદેસર નશીલા પદાર્થો ઘુસાડતા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. 14 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત: ઇન્ટર-સ્ટેટ કનેક્શન પર નજર આ ઓપરેશન દરમિયાન સુરત પોલીસે માત્ર ધરપકડ જ નથી કરી, પરંતુ ગુનેગારોની આર્થિક કરોડરજ્જુ પર સીધો પ્રહાર કર્યો છે. છેલ્લા બે વર્ષમાં સુરતમાંથી અંદાજે 14 કરોડ રૂપિયાથી વધુની બજાર કિંમત ધરાવતો માદક પદાર્થોનો જથ્થો (જેમાં એમડી ડ્રગ્સ, ગાંજો, ચરસ અને અન્ય સિન્થેટિક ડ્રગ્સ શામેલ છે) કબ્જે કરવામાં આવ્યો છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે સુરતમાં નશાનો આ સામાન ઓડિશા, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મુંબઈ જેવા વિસ્તારોમાંથી ઘુસાડવામાં આવતો હતો. સુરત પોલીસની ટેકનિકલ સેલ અને એસઓજીની ટીમો આ તમામ કનેક્શનના મૂળ સુધી પહોંચીને સપ્લાય ચેઈનને તોડી પાડવા માટે હજુ પણ સતત દરોડા પાડી રહી છે, જેથી ભવિષ્યમાં સુરતની ધરતી પર એક પણ ગ્રામ ડ્રગ્સ પ્રવેશી ન શકે. નવું યુવાધન બરબાદ થતું અટકાવવા સુરત પોલીસનો સોશિયલ પ્લાન વાતચીતના અંતે ડીસીપી રાજદીપસિંહ નકુમે સામાજિક જવાબદારીનો મુદ્દો પણ અત્યંત ગંભીરતાથી ઉઠાવ્યો હતો. તેમણે જણાવ્યું કે ડ્રગ્સનો વેપાર માત્ર કાયદાકીય ગુનો નથી, પરંતુ તે દેશના અને શહેરના ભવિષ્ય એવા યુવાધનને સંપૂર્ણપણે હોમી દેવાનું પાપ છે. જે યુવાનો નશાના રવાડે ચઢે છે, તેમના પરિવારો વેરવિખેર થઈ જાય છે. તેથી, પોલીસ હવે માત્ર ગુનેગારોને પકડવા પૂરતી સીમિત નથી, પરંતુ જામીન પર બહાર આવેલા ગુનેગારો ફરીથી આ રસ્તે ન જાય તે માટે સતત વોચ રાખશે. તેમણે કડક શબ્દોમાં ચેતવણી આપતા છેલ્લે ઉમેર્યું કે, "જો તમે સુધરશો નહીં, તો કોર્ટ તો તમને સજા કરશે જ, પરંતુ પોલીસ પણ કાયદાના દાયરામાં રહીને તમને એવી સખત સજા કરશે કે ફરી ક્યારેય ગુનો કરવાનો વિચાર પણ નહીં આવે."
Read Original Article →