સુરતમાં બિસ્માર-જોખમી ચેમ્બરો વાહનચાલકો માટે જીવનું જોખમ બન્યા:મનપાની પ્રીમોન્સૂન કામગીરીના દાવા પોકળ, અકસ્માત થાય તો જવાબદારી કોની?

Gujarat5/25/2026, 11:29:22 AM
સુરતમાં બિસ્માર-જોખમી ચેમ્બરો વાહનચાલકો માટે જીવનું જોખમ બન્યા:મનપાની પ્રીમોન્સૂન કામગીરીના દાવા પોકળ, અકસ્માત થાય તો જવાબદારી કોની?
સુરત અદ્યતન ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સ્માર્ટ સિટીના નામે દેશભરમાં પોતાની આગવી ઓળખ ધરાવે છે. પરંતુ દર વર્ષે ચોમાસાની શરૂઆત પહેલા સુરત મહાનગરપાલિકા દ્વારા જે કરોડો રૂપિયાના ખર્ચે પ્રીમોન્સૂન કામગીરી કરવામાં આવે છે, તેની વાસ્તવિકતા ચોમાસું બેઠા પહેલા જ રોડ પર છતી થવા લાગી છે. મ્યુનિસિપલ કમિશનર એમ. નાગરાજ અને પાલિકાનું વહીવટી તંત્ર દર વર્ષે દાવો કરે છે કે શહેરની ડ્રેનેજ સિસ્ટમ અને વરસાદી પાણીના નિકાલ માટેની લાઈનો સંપૂર્ણ સાફ કરી દેવામાં આવી છે, જેથી શહેરીજનોને જળબંબાકારની સ્થિતિનો સામનો ન કરવો પડે. પરંતુ સુરતના વિવિધ ઝોન અને મુખ્ય માર્ગો પરથી સામે આવેલા દ્રશ્યો આ દાવાઓની પાછળ છુપાયેલી લાપરવાહીને ખુલ્લી પાડી રહ્યા છે. ખાસ કરીને રસ્તાઓ વચ્ચે બનાવવામાં આવેલી કેચપીટ અને ડ્રેનેજ ચેમ્બરોના લોખંડના ઢાંકણાઓ હાલ વાહનચાલકો માટે જીવનું જોખમ બનીને ઊભા છે, જે વહીવટી તંત્રની ગંભીર બેદરકારી દર્શાવે છે. લોખંડની જાળીવાળા ઢાંકણાની હાલત દયનીય અને જોખમી શહેરના મુખ્ય રસ્તાઓ અને આસપાસના વિસ્તારોમાં વરસાદી પાણીના નિકાલ માટે જે લોખંડની જાળીવાળા ઢાંકણા મૂકવામાં આવ્યા છે, તેની સ્થિતિ દયનીય અને જોખમી છે. એન્જિનિયરિંગના સામાન્ય નિયમો મુજબ આ ચેમ્બરો રસ્તાના સમતલ સ્તર પર હોવી જોઈએ જેથી વાહન વ્યવહારમાં કોઈ અડચણ ન આવે. પરંતુ વાસ્તવિક પરિસ્થિતિ એ છે કે અનેક વિસ્તારોમાં આ લોખંડના ભારે ઢાંકણાઓ આસપાસના પાકા ડામર રોડ કરતાં બેથી ત્રણ ઇંચ જેટલા ઉપર આવી ગયા છે. આ ઉપસેલા ઢાંકણાના કારણે સારો એવો બનેલો રોડ પણ પોતાની સમતલતા ગુમાવી બેઠો છે. ભારે ટ્રાફિક વચ્ચે જ્યારે કોઈ ટુ-વ્હીલર કે થ્રી-વ્હીલર ચાલક અચાનક આ ઉપસેલા લોખંડના માળખા સાથે ભટકાય છે ત્યારે વાહન સ્લિપ થવાનો અથવા ચાલક સંતુલન ગુમાવીને નીચે પડી જવાનો પૂરતો ભય રહે છે. ડ્રેનેજની ચેમ્બર જમીનની અંદર બેસી ગયા આ સમસ્યા અહીં જ પૂરી નથી થતી. આ જ માર્ગો પર બીજી તરફ એવા પણ દ્રશ્યો જોવા મળી રહ્યા છે જ્યાં સમય જતાં ડ્રેનેજની ચેમ્બર જમીનની અંદર બેસી ગઈ છે. રોડની સપાટી કરતા અંદર ઘૂસી ગયેલા આ ઢાંકણાઓએ રસ્તાની મધ્યમાં મોટા લોખંડના ખાડા જેવું સ્વરૂપ ધારણ કરી લીધું છે. દિવસના સમયે તો સ્થાનિક વાહનચાલકો આ જોખમથી વાકેફ હોવાને કારણે પોતાની ગાડી બચાવીને નીકળી જાય છે, પરંતુ રાત્રિના અંધકારમાં અથવા જ્યારે રસ્તા પર વાહનોની ભારે ભીડ હોય ત્યારે આ ખાડાઓ દેખાતા નથી. આવી સ્થિતિમાં અજાણ્યા વાહનચાલકો માટે અકસ્માતની શકયતા રહેલી છે. જનતાના ટેક્સના પૈસાનો વેડફાટ! આ અધૂરી સફાઈ અને માળખાકીય ખામીના કારણે આગામી ચોમાસામાં શહેરમાં ભારે હાલાકી ભોગવવી પડે તેવી પૂરેપૂરી સંભાવનાઓ સેવાઈ રહી છે. જ્યારે પણ ચોમાસાનો પ્રથમ સારો વરસાદ પડશે, ત્યારે રસ્તા પર વહી જતું પાણી આ જામ થઈ ગયેલી અને બ્લોક થયેલી ચેમ્બરોમાં ઉતરવાને બદલે રસ્તા પર જ બેક મારશે. પરિણામે, જે વરસાદી પાણીના નિકાલ માટે આ વ્યવસ્થા ઊભી કરાઈ છે, તે જ વ્યવસ્થા નિષ્ફળ જશે અને સમગ્ર પાણી રોડ પર ભરાઈ રહેશે. લાંબા સમય સુધી રસ્તાઓ પર પાણી ભરાઈ રહેવાને કારણે કરોડો રૂપિયાના ખર્ચે હજુ હમણાં જ તૈયાર કરાયેલા નવા ડામરના રસ્તાઓ પણ ધોવાઈ જશે અને ઠેર-ઠેર ખાડાઓનું સામ્રાજ્ય સ્થપાશે, જે જનતાના ટેક્સના પૈસાનો વેડફાટ છે. મનપાની પ્રીમોન્સૂન કામગીરીના દાવા પોકળ સુરત મહાનગરપાલિકાએ માત્ર કાગળ પર પ્રીમોન્સૂન કામગીરીની ટકાવારી દર્શાવવાને બદલે જમીની હકીકત સ્વીકારવી પડશે. જો સ્માર્ટ સિટીના નામે માત્ર ડિજિટલ વાહવાહી લૂંટવામાં આવશે અને ગ્રાઉન્ડ લેવલ પર આવા જોખમી પ્રશ્નો પ્રત્યે આંખ આડા કાન કરવામાં આવશે, તો તેનો ભોગ સામાન્ય કરદાતા નાગરિકોએ જ બનવું પડશે. 'અંદર બધો પાઈપ પેક થઈ ગયેલો કોઈ સાફ કરવા આવ્યા નથી' રોડ પર પંચરની દુકાન ધરાવનાર રમેશભાઈ જણાવ્યું હતું કે, આ ચેમ્બર જે છે આ જાળીયું છે એ કેટલા વર્ષોથી બંધ થઈ ગયેલું છે, અંદરથી પાઈપ ચોકઅપ થઈ ગયેલો છે. કેટલી વાર ફરિયાદ કરવા છતાં પણ કોઈ એનો નિકાલ કરવા આવતું નથી અને આ પ્રીમોન્સૂન કામગીરી એ લોકો કરી ગયા છે તો ઉપર-ઉપર સાફ કરી ગયા, અંદર બધો પાઈપ પેક થઈ ગયેલો કોઈ સાફ કરવા આવ્યા નથી. આ વરસાદ પડશે ને પાણી ભરાઈ જશે, તો આ આવતા-જતા રોડ પર પણ બધાને તકલીફ પડશે, બધા ધંધાની તકલીફ પડશે બધાને તો આ સમસ્યાનું વહેલી તકે નિરાકરણ લાવવામાં આવે.
Read Original Article →