ગરમીથી બચવા નદીમાં કૂદકો મારતા જ જળસમાધિ:સુરતમાં ડભોલી બ્રિજ નીચે તાપીમાં નહાવા પડેલા ડીંડોલીના યુવકનું ડૂબી જવાથી કરુણ મોત, પરિવારે આર્થિક આધાર ગુમાવ્યો

Gujarat4/13/2026, 3:58:43 PM
ગરમીથી બચવા નદીમાં કૂદકો મારતા જ જળસમાધિ:સુરતમાં ડભોલી બ્રિજ નીચે તાપીમાં નહાવા પડેલા ડીંડોલીના યુવકનું ડૂબી જવાથી કરુણ મોત, પરિવારે આર્થિક આધાર ગુમાવ્યો
સુરત શહેરમાં ઉનાળાના પ્રારંભે જ ગરમીનો પારો આસમાને પહોંચ્યો છે ત્યારે આ ગરમીથી રાહત મેળવવા નદીમાં નહાવા પડવાનું એક યુવકને ભારે પડ્યું છે. ડીંડોલીનો 31 વર્ષીય યુવક મિત્રો સાથે ડભોલી બ્રિજ નીચે તાપી નદીના કિનારે ફરવા ગયો હતો. જ્યાં નહાવા પડતા તે ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. આ ઘટનાના બીજા દિવસે આજે તેનો મૃતદેહ મળી આવતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. મિત્રો સાથે ફરવા ગયો ને કાળ ભેટી ગયો મળતી માહિતી મુજબ, શહેરના ડીંડોલી વિસ્તારમાં આવેલી અમીધારા સોસાયટીમાં 31 વર્ષીય વિકાસ રાજુભાઈ નાયકા પરિવાર સાથે રહેતો હતો. વિકાસ ગૌરવ પથ રોડ પર આવેલા એક મોટર્સ વર્કશોપમાં નોકરી કરી પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતો હતો. રવિવારે ૧૨મી એપ્રિલના રોજ નોકરીમાં રજા હોવાથી વિકાસ તેના મિત્રો સાથે ડભોલી બ્રિજ નીચે તાપી નદીના કિનારે ફરવા માટે ગયો હતો. 'બહુ ગરમી લાગે છે' કહી નદીમાં છલાંગ લગાવી બપોરના સમયે સખત ગરમી હોવાથી વિકાસે તેના મિત્રોને નહાવા જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. 'બહુ ગરમી લાગે છે, ચાલને થોડીવાર નદીમાં નહાઈ લઈએ' તેમ કહી વિકાસે તાપી નદીના પાણીમાં કૂદકો માર્યો હતો. જોકે, પાણીના પ્રવાહ અને ઊંડાઈનો અંદાજ ન રહેતા તે જોતજોતામાં મિત્રોની નજર સામે જ પાણીમાં ડૂબવા લાગ્યો હતો. મિત્રોએ બૂમાબૂમ કરી મૂકી હતી, પરંતુ વિકાસ ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. ફાયર બ્રિગેડે બીજા દિવસે મૃતદેહ બહાર કાઢ્યો ઘટનાની જાણ થતા જ ફાયર ફાઈટરો અને સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. રવિવારે મોડે સુધી શોધખોળ કરવા છતાં વિકાસનો કોઈ પત્તો લાગ્યો નહોતો. દરમિયાન, આજે સોમવારે સવારે ફરી શોધખોળ હાથ ધરતા જે જગ્યાએ વિકાસ ડૂબ્યો હતો, તે જ સ્થળ નજીકથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો. ફાયરના જવાનોએ મૃતદેહને બહાર કાઢી પોલીસને સોંપ્યો હતો. પરિવારનો આર્થિક આધાર છીનવાયો વિકાસ મોટર્સ ગેરેજમાં કામ કરીને પોતાના ઘરનું ગુજરાન ચલાવવામાં મદદ કરતો હતો. જુવાનજોધ દીકરાના મોતના સમાચાર મળતા જ અમીધારા સોસાયટી અને તેના મિત્ર વર્તુળમાં સ્તબ્ધતા છવાઈ ગઈ છે. સિંગણપોર પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો અને આગળની તપાસ હાથ ધરી છે.
Read Original Article →