ભેળસેળયુક્ત ઘી વેચનાર ડેરી માલિકને 15 વર્ષે સજા:કોર્ટે એક વર્ષની જેલની સજા ફટકારી, આર.એમ. વેલ્યુ 24ને બદલે માત્ર 1.5% નીકળી; ઘીના નામે વનસ્પતિ તેલનું વેચાણ
સુરતના સીંગણપોર વિસ્તારમાં આવેલી પટેલ ડેરી એન્ડ પ્રોવિઝન સ્ટોર્સ પર વર્ષ 2011માં પાલિકાના આરોગ્ય વિભાગે દરોડો પાડ્યો હતો. આ કેસની લાંબી ટ્રાયલ ચાલ્યા બાદ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસે આરોપી માલિક અરવિંદ તાળાને તકસીરવાર ઠેરવ્યો છે. કોર્ટે નોંધ્યું હતું કે સમાજમાં ખાદ્ય પદાર્થોમાં ભેળસેળનું પ્રમાણ વધી રહ્યું છે, જે અત્યંત ગંભીર બાબત છે, તેથી આરોપીને એક વર્ષની કેદ અને રૂ. 10,000ના દંડની સજા ફટકારવામાં આવી છે. લેબોરેટરી રિપોર્ટમાં ખુલી ભેળસેળની પોલ
પાલિકાના પબ્લિક એનાલિસ્ટ દ્વારા જ્યારે ઘીના નમૂનાનું પરીક્ષણ કરવામાં આવ્યું, ત્યારે ચોંકાવનારા પરિણામો સામે આવ્યા હતા. કાયદા મુજબ ઘીમાં આર.એમ. વેલ્યુ (Reichert-Meissl value) ઓછામાં ઓછી 24 હોવી જોઈએ, જે આ નમૂનામાં માત્ર 1.5% જ જોવા મળી હતી. આ ઉપરાંત, વનસ્પતિ ઘીનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો અને બી.આર. રીડિંગ પણ નિર્ધારિત મર્યાદા કરતા ઘણું વધારે હતું, જે સાબિત કરે છે કે ઘીના નામે માત્ર વનસ્પતિ તેલ અને ભેળસેળ વેચાઈ રહી હતી. બચાવ પક્ષની નબળી અને વિચિત્ર દલીલો
બચાવ પક્ષના વકીલે કોર્ટમાં એવી દલીલ કરી હતી કે જ્યારે નમૂના લેવામાં આવ્યા ત્યારે તેમાંથી 'પ્યોર ઘી' જેવી જ સુગંધ આવતી હતી. વધુમાં તેઓએ જણાવ્યું કે નમૂના લેતી વખતે ઘી ગરમ કરવામાં આવ્યું નહોતું કે હલાવવામાં આવ્યું નહોતું. જોકે, વૈજ્ઞાનિક રિપોર્ટ સામે માત્ર સુગંધ કે વાસની દલીલો ટકી શકી નહીં. કોર્ટે માન્યું કે ભેળસેળયુક્ત પદાર્થો દેખાવ કે સુગંધમાં અસલી જેવા હોઈ શકે છે, પરંતુ તે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ કડક કાર્યવાહી
આ કેસમાં આરોપી પર 'ધી પ્રિવેન્શન ઓફ ફૂડ એડલ્ટ્રેશન એક્ટ' (PFA) ની કલમ 7 અને 16 મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન દુકાનમાંથી 7 કિલો ઘી મળી આવ્યું હતું, જેમાંથી પૃથ્થકરણ માટે 600 ગ્રામ નમૂનો લેવાયો હતો. કોર્ટે સ્પષ્ટ કર્યું કે ગ્રાહકોના વિશ્વાસ અને સ્વાસ્થ્ય સાથે રમત કરનારને કાયદાનું કડક ભાન કરાવવું જરૂરી છે, જેથી ભવિષ્યમાં આવા ગુના અટકે. ગ્રાહકો માટે લાલબત્તી સમાન કિસ્સો
આ કિસ્સો સાબિત કરે છે કે બજારમાં મળતી વસ્તુઓ માત્ર તેની સુગંધ કે દેખાવ પરથી શુદ્ધ માની લેવી જોઈએ નહીં. સુરત પાલિકાની આ કાર્યવાહી અને કોર્ટના ચુકાદાથી ભેળસેળિયા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. જો દંડની રકમ ભરવામાં આરોપી નિષ્ફળ જાય, તો તેને વધુ ત્રણ મહિનાની જેલની સજા ભોગવવી પડશે તેવો આદેશ પણ કોર્ટે આપ્યો છે.
Read Original Article →