છેતરપિંડી કરનાર પિતા-પુત્રની જોડી ઝડપાઈ:અજાણી લિંક મોકલી મોબાઈલ હેક કરનાર સાયબર ઠગોની ટોળકી ઝડપાઈ, 69 ફરિયાદોનો ખુલાસો
આજના ડિજિટલ યુગમાં સાયબર ગુનેગારો અવનવા નુસખા અપનાવી નિર્દોષ નાગરિકોને શિકાર બનાવી રહ્યા છે. ત્યારે સુરત શહેરની પુણા પોલીસને એક મોટી સફળતા મળી છે. અજાણી લિંક મોકલી ફરિયાદીનો મોબાઈલ હેક કરી, બેંક ખાતામાંથી નાણાં સેરવી લેતી ગેંગના બે સાતિક આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. પ્રાથમિક તપાસમાં આ ટોળકી સામે દેશભરમાંથી 69 જેટલી ફરિયાદો નોંધાઈ હોવાનું બહાર આવ્યું છે. ફરિયાદીની જાણ બહાર જ એકાઉન્ટમાંથી 28 હજાર ઉપડી ગયા
પુણા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ એક નાગરિકને સાયબર ગઠિયાઓએ અજાણી લિંક મોકલી હતી. ફરિયાદીએ આ લિંક પર ક્લિક કરતા જ તેમનો મોબાઈલ ફોન હેક થઈ ગયો હતો. ત્યારબાદ સાયબર ઠગોએ ફરિયાદીની જાણ બહાર તેમના બેંક એકાઉન્ટમાંથી રૂપિયા 28,000 ઉપાડી લીધા હતા. પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાતા ફરિયાદીએ તાત્કાલિક પોલીસનો સંપર્ક કર્યો હતો. આ ગંભીર સાયબર ફ્રોડની ઘટનાને પગલે સુરત પોલીસ કમિશનર, ખાસ પોલીસ કમિશનર (સેક્ટર-1), અને ઝોન-1ના નાયબ પોલીસ કમિશનર દ્વારા આરોપીઓને સત્વરે પકડી પાડવા સૂચનાઓ આપવામાં આવી હતી. પુણા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વી.એમ. દેસાઈ તથા આર.એચ. મોરીના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફની એક વિશેષ ટીમ બનાવવામાં આવી હતી. પોલીસે ટ્રાન્ઝેક્શન અને ડિજિટલ ફૂટપ્રિન્ટના આધારે આરોપીઓને દબોચ્યા
પ્રો. પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી.એલ. કળથીયા અને તેમની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સીસનો ઉપયોગ કરીને ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. બેંક ટ્રાન્ઝેક્શન અને ડિજિટલ ફૂટપ્રિન્ટના આધારે પોલીસે રાજકોટ જિલ્લાના જેતપુર ખાતે દરોડા પાડી બે આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસના સકંજામાં આવેલા બંને આરોપીઓ પિતા-પુત્ર હોવાનું સામે આવ્યું છે. જગદીશભાઈ ત્રિકમદાસ લાલવાણી જેઓ આ ગુનામાં વપરાયેલા બેંક એકાઉન્ટના ધારક છે. જય જગદીશભાઈ લાલવાણી જેઓ પણ આ વેપાર સાથે સંકળાયેલા છે અને ગુનામાં સામેલ છે. બંને આરોપીઓ સાનીધ્ય શ્રીપાર્ક ટેનામેન્ટ, જેતપુર, જી. રાજકોટના રહેવાસી છે. અજાણી લિંક પર ક્લિક કરવા પોલીસની અપીલ
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે આ આરોપીઓ દ્વારા ઉપયોગમાં લેવાયેલા બેંક ખાતાઓની તપાસ NCCCRP પર કરવામાં આવતા, તેમની સામે કુલ 69 જેટલી ફરિયાદો મળી આવી છે. આના પરથી સ્પષ્ટ થાય છે કે આ ટોળકી લાંબા સમયથી સક્રિય હતી અને અનેક લોકોને શિકાર બનાવી ચુકી છે. પુણા પોલીસે આ કિસ્સા બાદ લોકોને અપીલ કરી છે કે કોઈપણ અજાણી લિંક પર ક્લિક કરવું નહીં. ખાસ કરીને લોભામણી ઓફરો કે બેંક એકાઉન્ટ અપડેટ કરવાના બહાને આવતી લિંક્સ સાયબર હુમલાનો ભાગ હોઈ શકે છે. જો તમારી સાથે આવો કોઈ ફ્રોડ થાય, તો તુરંત જ 1930 હેલ્પલાઇન નંબર અથવા સાયબર ક્રાઈમ પોર્ટલ પર ફરિયાદ નોંધાવવી જોઈએ.
Read Original Article →