1.47 કરોડના ડિજિટલ અરેસ્ટનો આરોપી કોર્ટમાં જ ઢળી પડ્યો:જામીન નામંજૂર થતાં આઘાત લાગ્યો, બેરોજગાર છતાં બેંક ખાતામાં 2.84 કરોડના ટ્રાન્ઝેક્શનથી સાયબર સેલ પણ ચોંકી ઉઠ્યું

Gujarat5/12/2026, 4:26:52 PM
1.47 કરોડના ડિજિટલ અરેસ્ટનો આરોપી કોર્ટમાં જ ઢળી પડ્યો:જામીન નામંજૂર થતાં આઘાત લાગ્યો, બેરોજગાર છતાં બેંક ખાતામાં 2.84 કરોડના ટ્રાન્ઝેક્શનથી સાયબર સેલ પણ ચોંકી ઉઠ્યું
સુરતના એક 72 વર્ષીય વૃદ્ધને ડિજિટલ અરેસ્ટ કરી રૂ. 1.47 કરોડ પડાવવાના હાઈપ્રોફાઈલ કેસમાં ધરપકડ કરાયેલા અમદાવાદના શખ્સની તબિયત કોર્ટરૂમમાં જ લથડી હતી. સુરત સાયબર સેલે અમદાવાદના ગોતા વિસ્તારમાંથી 37 વર્ષીય ઉર્જિત આનંદ કવિની ધરપકડ કરી હતી. તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં તેની જામીન અરજી નામંજૂર થતાં જ તે ચક્કર ખાઈને જમીન પર પડી ગયો હતો. આરોપીને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ડોક્ટરોએ તેનું બ્લડ પ્રેશર લો થઈ ગયું હોવાનું જણાવ્યું હતું. જામીન અરજી રદ થતા આરોપીનો શ્વાસ અધ્ધર થઈ ગયો શહેરની સાયબર ક્રાઈમ બ્રાન્ચે વૃદ્ધ સાથે થયેલી છેતરપિંડીના તાર મેળવીને અમદાવાદમાં દરોડો પાડ્યો હતો. આ કેસમાં પકડાયેલા ઉર્જિત કવિને જ્યારે જાણ થઈ કે કોર્ટે તેની જામીન અરજી ફગાવી દીધી છે અને તેણે જેલના સળિયા પાછળ જવું પડશે, ત્યારે તે માનસિક રીતે ભાંગી પડ્યો હતો. તેના વકીલના જણાવ્યા અનુસાર, જેલ જવાના ડર અને ટેન્શનના કારણે તેનું બ્લડ પ્રેશર અચાનક ઘટી ગયું હતું, જેને પરિણામે તે કોર્ટરૂમમાં જ બેભાન જેવી અવસ્થામાં ઢળી પડ્યો હતો. પોલીસ સુરક્ષા વચ્ચે તેને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. ખાતામાં 1.47 કરોડમાંથી 39 લાખ સીધા ટ્રાન્સફર થયા હતા સુરત સાયબર સેલની ટીમે ટેકનિકલ સર્વેલન્સ, બેંક ટ્રાન્ઝેક્શનની વિગતો અને લોકેશન ટ્રેસ કરીને અમદાવાદના ગોતા વિસ્તારમાં આવેલા 'સેવી સ્વરાજ-1' ફ્લેટમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. અહીંથી ઉર્જિત કવિની અટકાયત કરવામાં આવી હતી. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, આરોપી હાલમાં કોઈ વ્યવસાય કે નોકરી કરતો નથી અને બેરોજગાર છે. જોકે, સુરતના વૃદ્ધ પાસેથી પડાવવામાં આવેલા રૂ. 1.47 કરોડમાંથી રૂ. 39 લાખની માતબર રકમ સીધી જ ઉર્જિતના અમદાવાદ સ્થિત ICICI બેંકના ખાતામાં જમા થઈ હતી. આ રકમ ફ્રોડના પૈસા હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ સ્પષ્ટ થયું છે. 2.84 કરોડના ટ્રાન્ઝેક્શન અને દેશભરમાં 12 ફરિયાદો આરોપી ઉર્જિત કવિના બેંક એકાઉન્ટની ઝીણવટભરી તપાસ કરતા પોલીસ પણ અચંબે પડી ગઈ હતી. અત્યાર સુધીમાં તેના ખાતામાં કુલ રૂ. 2,84,93,628 (પોણા ત્રણ કરોડથી વધુ) ના શંકાસ્પદ ટ્રાન્ઝેક્શનો મળી આવ્યા છે. આ રકમ દેશના અલગ-અલગ રાજ્યોના નિર્દોષ નાગરિકો પાસેથી છેતરીને પડાવવામાં આવી હોવાની પ્રબળ શંકા છે. સાયબર સેલે જ્યારે નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ (NCCRP) પર આ એકાઉન્ટની તપાસ કરી, ત્યારે જાણવા મળ્યું કે આ એક જ બેંક ખાતા વિરુદ્ધ ભારતના વિવિધ રાજ્યોમાં કુલ 12 જેટલી ફરિયાદો નોંધાયેલી છે.
Read Original Article →