સુરત ક્રાઇમ બ્રાન્ચની મોટી સફળતા:11 વર્ષથી પોલીસને હંફાવતો 5 હજારનો ઇનામી આરોપી જહાંગીર મલેક આખરે જેલના સળિયા પાછળ
સુરત પોલીસ કમિશનર દ્વારા નાસતા-ફરતા આરોપીઓને પકડી પાડવા માટે ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ ઝુંબેશ અંતર્ગત સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે એક મોટી સફળતા મેળવી છે. છેલ્લા 11 વર્ષથી પોલીસને થાપ આપી રહેલા અને જેની પર રાજસ્થાન પોલીસ દ્વારા ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું એવા આરોપી જહાંગીર મલેકને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. ક્રાઇમ બ્રાન્ચની મોબાઇલ ચોરી સ્ક્વોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને તેમની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. આરોપી જહાંગીર ઇબ્રાહીમ હસન મલેક (ઉંમર વર્ષ 52) ને સુરતના ઉમરા વિસ્તારમાં આવેલા ઇન્ડોર સ્ટેડિયમ પાસેથી દબોચી લેવામાં આવ્યો છે. ભીલવાડા પોલીસે 5 હજારનું ઈનામ જાહેર કર્યું હતું
આરોપી જહાંગીર મલેકનો ગુનાહિત ઇતિહાસ ઘણો લાંબો છે, જેમાં વર્ષ 2015માં રાજસ્થાનના ભીલવાડા જિલ્લાના ગુલાબપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ટોયોટા ઇટિયોસ ગાડીમાંથી ગેરકાયદેસર વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો. આ ગુનામાં જહાંગીર મલેકની સંડોવણી ખુલતા તે ફરાર થઈ ગયો હતો. આ કેસમાં ભીલવાડા પોલીસ અધિક્ષકે તેના પર રૂપિયા 5,000નું ઇનામ જાહેર કર્યું હતું. આ ધરપકડથી બચવા માટે આરોપી પોતાનું મૂળ વતન ખરોડ (અંકલેશ્વર) છોડીને શરૂઆતમાં મહારાષ્ટ્રના થાણે ખાતે રહેવા જતો રહ્યો હતો અને ત્યારબાદ વડોદરાના તાંદળજા વિસ્તારમાં છુપાઇને રહેતો હતો. આ સિવાય આરોપીએ સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં વડીલોપાર્જિત ખેતીની જમીનના બોગસ દસ્તાવેજો બનાવી, સરકારી રેકોર્ડ પર ચેડાં કરી આર્થિક લાભ મેળવવાનો ગુનો પણ આચરેલો છે. આ કેસમાં તેની સામે સુરત ગ્રામ્યમાં ગુનો નોંધાયેલો છે.
Read Original Article →