કરન્સી એક્સચેન્જના બહાને રૂ.18.65 લાખની છેતરપિંડી:સુરત ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના દિવસોમાં એક આરોપીને ઝડપી પાડ્યો, અન્ય પાંચની શોધખોળ

Gujarat5/21/2026, 2:36:46 PM
કરન્સી એક્સચેન્જના બહાને રૂ.18.65 લાખની છેતરપિંડી:સુરત ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના દિવસોમાં એક આરોપીને ઝડપી પાડ્યો, અન્ય પાંચની શોધખોળ
સુરત શહેરના જહાંગીરપુરા વિસ્તારમાં કરન્સી એક્સચેન્જના બહાને રૂ.18.65 લાખની છેતરપીંડીના ગુનામાં સંડોવાયેલા આરોપીને સુરત ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના દિવસોમાં ઝડપી પાડી મોટી સફળતા મેળવી છે. પોલીસ દ્વારા આરોપી પાસેથી રોકડ રકમ તથા ગુનામાં વપરાયેલી કાર પણ કબજે લેવામાં આવી છે. ફોરન એક્સચેન્જ કરાવવાના બહાને બોલાવી છેતરપિંડી કરી હતી મળતી માહિતી મુજબ, પોલીસ કમિશનર અને અધિક પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ શહેરના વિવિધ ગુનાઓમાં સંડોવાયેલા ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે ક્રાઇમ બ્રાન્ચની અલગ-અલગ ટીમો કામગીરી કરી રહી હતી. તે દરમિયાન ગત તા.15 મે 2026ના રોજ જહાંગીરપુરા વિસ્તારમાં અજાણ્યા શખ્સોએ ફરિયાદીને ફોરેન કરન્સી એક્સચેન્જ કરાવવાના બહાને ફોન કરીને બોલાવ્યો હતો. બાદમાં ફરિયાદી પાસેથી રોકડા રૂપિયા અને વિદેશી કરન્સી મળી કુલ રૂ.18,65,385ની મત્તા મેળવી લીધી હતી અને તેની સામે કરન્સી મુજબના અમેરિકન ડોલર આપ્યા વગર જ છેતરપીંડી આચરી હતી. આ ઘટનાને અંજામ આપીને તમામ આરોપીઓ લાલ રંગની આઈ-20 કારમાં બેસીને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. ગૌરવ સરવૈયા નામના આરોપીની ધરપકડ આ ચકચારી બનાવ અંગે જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં વિધિવત ગુનો નોંધાયા બાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમો તાત્કાલિક તપાસમાં લાગી ગઈ હતી. આ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચના આર્મ્સ સ્કોડને એક ચોક્કસ બાતમી મળી હતી કે આ ગુનામાં સંડોવાયેલ ગૌરવ સરવૈયા નામનો આરોપી ડક્કા ઓવારા વિસ્તારમાંથી પસાર થવાનો છે. બાતમીના આધારે પોલીસ ટીમે સમયસૂચકતા વાપરીને ડક્કા ઓવારા ખાતે વોચ ગોઠવી હતી અને આરોપીને કોર્ડન કરીને ઝડપી પાડ્યો હતો. પકડાયેલા આરોપીની પ્રાથમિક તપાસ અને અંગઝડતી દરમિયાન તેની પાસેથી રૂ.70 હજારની રોકડ રકમ મળી આવી હતી. પોલીસ દ્વારા કરાયેલી સઘન પૂછપરછ દરમિયાન આરોપીએ પોતાના અન્ય સાગરીતો સાથે મળીને કરન્સી એક્સચેન્જના બહાને ફરિયાદી સાથે રૂ.18.65 લાખની છેતરપીંડી કરી હોવાની કબૂલાત કરી હતી. આ કબૂલાત બાદ પોલીસે ગુનામાં વાહતૂક માટે વપરાયેલી લાલ રંગની આઈ-20 કાર પણ શોધી કાઢીને જપ્ત કરી છે. ઝડપાયેલા આરોપીની ઓળખ ગૌરવ જીલુભાઈ સરવૈયા (ઉ.વ.31) તરીકે થઈ છે, જે હાલ સુરતના સિંગણાપુર વિસ્તારમાં રહે છે અને મૂળ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના તરેડ ગામનો વતની છે. હાલમાં આરોપી વિરુદ્ધ જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં BNS કલમ 318(4) અને 54 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ક્રાઇમ બ્રાન્ચે આરોપીની અટકાયત કરીને આગળની કાયદેસરની કાર્યવાહી અને ઊંડાણપૂર્વકની તપાસ માટે તેનો કબ્જો જહાંગીરપુરા પોલીસને સોંપ્યો છે. પોલીસે અન્ય આરોપીઓની પણ ઓળખ મેળવી લીધી ક્રાઈમ બ્રાન્ચ એસીપી કિરણ મોદીએ જણાવ્યું હતું કે, ગત તારીખ 15/5/2026 ના રોજ જહાંગીરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફોરેન કરન્સી એક્સચેન્જ કરાવવાના બહાને છેતરપિંડીનો ગુનો દાખલ કરવામાં આવેલ, જે કુલ 18,65,385 રૂપિયાની મત્તાનો ગુનો દાખલ કરવામાં આવેલ. જે ગુનો દાખલ થતાં ક્રાઇમ બ્રાન્ચને ઇન્ફોર્મેશન મળતા, ક્રાઇમ બ્રાન્ચે ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવીની મદદથી આરોપીને આઇડેન્ટીફાય કરી, ગાડી લાલ કલરની આઇ-20 ગાડી આઇડેન્ટીફાય કરી, જે આધારે આરોપી ગૌરવ સરવૈયા જેની આજરોજ ધરપકડ કરવામાં આવેલ છે અને આઇ-20 કાર કબ્જે કરવામાં આવેલી છે. આ ગુનામાં ટોટલ છ આરોપીઓ છે જેમાંથી એક આરોપી ગૌરવ સરવૈયા છે, બીજા આરોપી આઇડેન્ટીફાય થઈ ચૂકેલા છે પરંતુ હાલ તપાસ ચાલુ હોવાના કારણે આરોપીના નામ આપી શકાય તેમ નથી અને આગળની તપાસ જહાંગીરપુરા પોલીસ સ્ટેશનને કરવા માટે આરોપીને ત્યાં સુપ્રત કરવામાં આવનાર છે.
Read Original Article →