ક્રેનમાંથી પટકાતાં યુવક ટાયર નીચે કચડાયો, 15 ફૂટ સુધી ઢસડાયો:રોડ પર માસના લોચે લોચા ને મોત, પૂરપાટ ઝડપે જતી ક્રેનનો ચાલક ફરાર; સુરતમાં કાળજું ધ્રુજાવી દેતી ઘટના

Gujarat5/16/2026, 9:53:04 AM
ક્રેનમાંથી પટકાતાં યુવક ટાયર નીચે કચડાયો, 15 ફૂટ સુધી ઢસડાયો:રોડ પર માસના લોચે લોચા ને મોત, પૂરપાટ ઝડપે જતી ક્રેનનો ચાલક ફરાર; સુરતમાં કાળજું ધ્રુજાવી દેતી ઘટના
સુરતના લસકાણા વિસ્તારમાં આજે એક હૃદયદ્રાવક અને કમકમાટીભર્યો અકસ્માત સર્જાયો છે. રોડ પરથી પૂરપાટ ઝડપે પસાર થઈ રહેલી એક ચાલુ ક્રેનમાંથી અચાનક એક શ્રમિક યુવક નીચે પટકાયો હતો. નીચે પડતાંની સાથે જ યુવક ક્રેનના તોતિંગ ટાયર નીચે આવી ગયો હતો અને આશરે 15 ફૂટ સુધી રોડ પર ઢસડાયો હતો. માથાના ભાગે ગંભીર ઈજાઓ અને રોડ પર માસના લોચે લોચા થવાના કારણે યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ ક્રેનનો ચાલક વાહન મૂકીને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો છે. મૂળ બિહારનો યુવક રોજીરોટી કમાવવા સુરત આવ્યો હતો મળતી માહિતી મુજબ, આ અકસ્માતમાં ભોગ બનનાર મૃતક યુવકની ઓળખ નરેન્દ્રકુમાર યાદવ તરીકે થઈ છે. નરેન્દ્રકુમાર મૂળ બિહારનો વતની હતો અને સુરતમાં મજૂરી કામ કરીને પોતાનું ગુજરાત ચલાવતો હતો. આજે લસકાણા વિસ્તારમાંથી પસાર થતી એક ક્રેન પર તે સવાર હતો, જે દરમિયાન ક્રેનના ડ્રાઈવરે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા કે અન્ય કોઈ કારણે નરેન્દ્રકુમાર સીધો ચાલુ ક્રેનમાંથી નીચે રોડ પર ખાબક્યો હતો. યુવક 15 ફૂટ સુધી ટાયર નીચે ઢસડાયો ક્રેનની ઝડપ એટલી વધારે હતી કે નરેન્દ્રકુમાર નીચે પડતાં જ ક્રેનનું વ્હીલ તેના પર ફરી વળ્યું હતું અને તે રોડ પર 15 ફૂટ સુધી ઘસાતો ગયો હતો, માથાના ભાગે ગંભીર ઈજાઓ થવાના કારણે યુવકનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને સ્થાનિકો દ્વારા 108 એમ્બ્યુલન્સ તેમજ પોલીસને જાણ કરવામાં આવી હતી. ક્રેન મુકીને ચાલક ફરાર અકસ્માત સર્જાયા બાદ ક્રેનનો ડ્રાઈવર પકડાઈ જવાના ડરે વાહન છોડીને ત્યાંથી નાસી છૂટ્યો હતો. ઘટનાની માહિતી મળતા જ લસકાણા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મૃતદેહને પીએમ માટે ખસેડાયો, પરિવારમાં આક્રંદ લસકાણા પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતક નરેન્દ્રકુમારના શવને કબ્જે કર્યો હતો અને 108 એમ્બ્યુલન્સ મારફતે પોસ્ટમોર્ટમ અર્થે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. આ સાથે જ પોલીસે બિહારમાં રહેતા મૃતકના પરિવારજનોને આ દુઃખદ ઘટના અંગે ફોન પર જાણ કરી દીધી છે, જેથી પરિવારમાં ભારે આક્રંદ મચી ગયું છે. હાલ લસકાણા પોલીસે ક્રેન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
Read Original Article →